તા. ૮ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૫, રવિવાર
News of Sunday, 3rd November 2024
કાપોદ્રા પોલીસની સરાહનીય કામગીરીઃ એકસાથે 18 દિવ્યાંગોને દત્તક લીધાઃ તમામ દિવ્યાંગોની જવાબદારી ઉઠાવશે

સુરત: એમ તો પોલીસ મોટાભાગે વિવાદોમાં રહેતી હોય છે. પરંતુ હવે નવા વર્ષમાં પોલીસની સરાહનીય કામગીરી સામે આવી છે. સુરતમાં પોલીસે સામાજિક જવાબદારી નિભાવી છે. સુરતમાં કાપોદ્રા પોલીસે પતિત પાવન ટ્રસ્ટના 18 દિવ્યાંગોને દત્તક લીધા છે. કાપોદ્રા પોલીસ આ તમામ દિવ્યાંગોની જવાબદારી ઉઠાવશે. સાથે જ દિવ્યાંગોની યોગ્ય સારસંભાળ પણ રાખવામાં આવશે. દત્તક લીધેલા તમામ 18 દિવ્યાંગોનો તમામ ખર્ચ કાપોદ્રા પોલીસ ઉઠાવશે.
નવા વર્ષની ઉજવણીના ભાગરૂપે પોલીસ કર્મચારીઓ દત્તક લીધેલા દિવ્યાંગોને નેચરપાર્ક પ્રાણી સંગ્રહાલયની મુલાકાતે લઈ ગયા હતા. પ્રાણી સંગ્રહાલયની મુલાકાતથી દિવ્યાંગોમાં ખુશી જોવા મળી હતી. મહત્ત્વનું છે કે, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ કર્મચારીઓને જરૂરિયાતમંદ લોકોને દત્તક લઈને જવાબદારી લેવા માટે અપીલ કરી હતી. જેનાથી પ્રેરિત થઈને કાપોદ્રા પોલીસે પ્રસંશનીય કામગીરી કરી.
કાપોદ્રા પોલીસ ઇન્સ્પેકટર એમ બી અસુરાએ જણાવ્યું કે કાપોદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા પતિત પાવન ટ્રસ્ટના ટ્રસ્ટી દ્વારા એવી ઈચ્છા વ્યક્ત કરવામાં આવી કે તેમને ત્યાં રહેતા 18થી 20 જેટલા ભગવાનના સ્પેશિયલ વ્યક્તિઓ - દિવ્યાંગ વ્યક્તિઓ કે જેને પ્રાણી સંગ્રહાલય જોવું છે, તો કાપોદ્રા પોલીસ દ્વારા તેમને કાપોદ્રા પોલીસ સ્ટેશન લાવી અને અહીંથી પ્રાણી સંગ્રહાલય જોવા લઈ જવામાં આવ્યા હતા.
વધુમાં તેમણે જણાવ્યું કે પોલીસ કમિશનરની ઈચ્છા છે એ અનુસાર, કાપોદ્રા પોલીસ સ્ટેશન દ્વારા આજે આ પતિત પાવન ટ્રસ્ટના દિવ્યાંગ વ્યક્તિઓને દત્તક લેવામાં આવ્યા છે. તેમની જે પણ જરૂરિયાત હશે એ આજીવન કાપોદ્રા પોલીસ સ્ટેશન દ્વારા પૂરી કરવામાં આવશે.
(3:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
