<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 3rd November 2024

વડોદરામાં નબીરાઓ બેફામ બન્યા :સુભાનપુરા વિસ્તારમાં ડોમિનોઝ પિત્ઝા સામે પૂર ઝડપે આવતી કાર પલ્ટી ખાઈ ગઈ

સ્ટીયરીંગ પરનો કાબુ ના રહેતા ગાડી ડીવાઇડર જોડે ભટકાઇ: ચાર સામે ફરિયાદ નોંધાઈ

ગત રાત્રે વડોદરા શહેરના સુભાનપુરા વિસ્તારમાં આવેલા ડોમિનોઝ પિત્ઝા સામે પૂર ઝડપે આવતી કાર પલ્ટી જતાં અકસ્માત સર્જાયો હતો. ઘટના સ્થળે સ્થાનિકોના ટોળેટોળાં એકત્ર થઇ ગયા હતા. અને તે બાદ કારમાં સવાર યુવાનો જોડે બોલાચાલી થઇ હતી. સમગ્ર ઘટના અંગે પોલીસ કંટ્રોલરૂમમાં જાણ કરવામાં આવતા પીસીઆર વાન આવી પહોંચી હતી. આ ઘટના સમયે કારમાં હાજર યુવકોને પોલીસ મથક લઇ જવામાં આવ્યા હતા. જ્યાં ચાર સામે ફરિયાદ નોંધવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.

ગતરાત્રે નાઇટ રાઉન્ડમાં પેટ્રોલીંગમાં તૈનાત પોલીસને માહિતી મળી હતી કે ડોમિીનોઝ પિત્ઝાની સામે કાર પલ્ટી ખાઇ ગઇ છે. પોલીસ સ્થળ પર પહોંચી હતી. તે સમયે કાર પલ્ટી ખાઇ ગઇ હતી. અને કેટલાક માણસો વચ્ચે ખેંચા-ખેંચી થઇ રહી હતી. બાદમાં તેમને છોડાવીને ગોરવા પોલીસ મથક લાવવામાં આવ્યા હતા. આ ઘટનામાં રોડ વચ્ચેના ડિવાઇડર પરના ઝાડ ઉખડી ગયા હતા. અને કારની એરબેગ પણ ખુલી ગઇ હતી. સદનસીબે આ ઘટનામાં કોઇ જાનહાની થઇ ન્હતી.

 

પોલીસ મથકે લાવેલ મણસોનું નામ પુછતા રાહુલ રાકેશભાઇ કુશ્વાહા અને રોહન રાકેશાઇ કુશ્વાહા હોવાનું જણાવ્યું હતું. કહ્યું કે, તે પોતે, આકાશ ઇશ્વરભાઇ વસાવા, ફાલ્ગુન સતિષભાઇ રાઠોડ અને રોહન ઇનઓર્બિટ મોલ પાસેથી નાસ્તો લઇને રેસકોર્ષ જવા માટે નીકળ્યા હતા. તેવામાં રસ્તામાં ગાડી રોકીને આકાશે ઇંગ્લીશ દારૂની બોટલ કાઢી હતી. જેમાંથી ત્રણેયે દારૂ પીધો હતો. આકાશે પીધુ ન હતું.

ત્યાર બાદ ફાલ્ગુન રાઠોડને રેસકોર્ષ છોડવા જતા કાર પૂર ઝડપી હંકારવામાં આવી હતી. જેમાં સ્ટીયરીંગ પરનો કાબુ ના રહેતા ગાડી ડીવાઇડર જોડે ભટકાઇ હતી. જે બાદ રોહનને લોકો જોડે બોલાચાલી થઈ હતી. અને તેને પકડી લીધો હતો. અન્ય બે મિત્રો ગભરાઇને જતા રહ્યા હતા. ઘટના સ્થળે બંને દારૂ પીધેલી હાલતમાં મળી આવ્યા હતા. તેમની પાસે દારૂ પીવ માટેની કોઇ પૂર્વ મંજુરી ન હતી. જેથી આ લોકો સામે અલગ અલગ ગુના નોંધવામાં આવ્યા છે. જે બાદ આરોપીઓ સામે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


 

(10:23 PM IST)