<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 4th November 2024

તહેવારોમાં 108 મેડિકલ ઈમરજન્સી કેસમાં ધરખમ વધારો : જાણો ચોંકાવનારા આંકડા

ચાર દિવસીય દિવાળીના તહેવારના સમયગાળા દરમિયાન કુલ 20,164 ઈમરજન્સી કેસ નોંધાયા

અમદાવાદ :દિવાળીના તહેવારો દરમિયાન મેડિકલ ઈમરજન્સીના કેસોમાં વધારો જોવા મળતો હોય છે. ત્યારે સરકારની 108 મેડિકલ ઈમરજન્સી સેવા દ્વારા તેને લઈને આગોતરું આયોજન કરવામાં છે. ત્યારે આ વર્ષે 31 ઓક્ટોબરથી 3 નવેમ્બર સુધીના ચાર દિવસીય દિવાળીના તહેવારના સમયગાળા દરમિયાન કુલ 20,164 ઈમરજન્સી કેસ નોંધાયા છે.

જે દરરોજ સરેરાશ 5,041 ઈમરજન્સી હતી, જે 4,504 ની સામાન્ય દૈનિક સરેરાશની સરખામણીમાં 11.92% વધારે છે. નવા વર્ષના દિવસે સૌથી વધુ 5,259 ઇમરજન્સી કેસ, ત્યારબાદ 1 નવેમ્બરે 5,031, 3 નવેમ્બર ભાઈ બીજના રોજ 4,985 અને 31 ઓક્ટોબરે દિવાળીના દિવસે 4,889 ઈમરજન્સી કેસ નોંધાયા છે. જેમાં અનુક્રમે 16.76%, 11.70%, 10.68%, અને 8.55% નો વધારો નોંધાયો છે.

મેડિકલ ઈમરજન્સી કેસમાં સૌથી વધુ વધારો રોડ અકસ્માતમાં જોવા મળ્યો. જેમાં દરરોજ સરેરાશ 906 માર્ગ અકસ્માતના કેસ નોંધાયા હતા, જે 481 ની સામાન્ય સરેરાશ કરતાં નોંધપાત્ર 88.41% નો વધારો છે. નવા વર્ષના દિવસે માર્ગ અકસ્માતના 1,087 કેસ હતા. દિવાળીના દિવસે (921), 1 નવેમ્બરના રોજ (827) અને ભાઈ બીજના દિવસે (796) કેસ નોંધાયા હતા.

દાહોદ, મહિસાગર, છોટાઉદેપુર, નર્મદા, ગીર સોમનાથ, નવસારી, પંચમહાલ, ભરૂચ, ભાવનગર, જૂનાગઢ, અમરેલી, સાબરકાંઠા અને ખેડા જિલ્લામાં માર્ગ અકસ્માતોમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.

ચાર દિવસમાં કુલ 113 દાઝવા સંબંધિત મેડિકલ ઈમરજન્સી કેસ નોંધાયા છે, જે દરરોજ સરેરાશ 4 કેસની સામાન્ય સરેરાશની સરખામણીએ 28 કેસ છે. સૌથી વધુ 1 નવેમ્બરના રોજ 40 કેસ હતા, ત્યારબાદ દિવાળીના દિવસે (38), નવા વર્ષના દિવસે (24) અને ભાઈ બીજના દિવસે (11) કેસ હતા. જિલ્લા પ્રમાણે વાત કરીએ તો, અમદાવાદ (33), સુરત (29), રાજકોટ (8), અને ભરૂચ (7) કેસ નોંધાયા છે.

ચાર દિવસમાં શારીરિક હુમલાના કેસોની કુલ સંખ્યા 1,197 છે, જે દરરોજ સરેરાશ 144 કેસની સામે 299 કેસ છે, જે સામાન્ય દૈનિક સરેરાશ કરતાં 107.81% નો વધારો છે. 1 નવેમ્બરના રોજ 381 કેસ, દિવાળીના દિવસે (323), નવા વર્ષના દિવસે (284), અને ભાઈ બીજના દિવસે (209), અનુક્રમે 164.58%, 124.31%, 97.22%, અને 45.14% નો વધારો છે. સૌથી વધુ કેસ દાહોદ, પંચમહાલ, બનાસકાંઠા, અમદાવાદ અને સુરત જિલ્લામાં નોંધાયા છે.

(4:24 PM IST)