<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 4th November 2024

વાવ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીનું ચિત્ર વેર-વિખેર કરી નાખશે માવજી પટેલ: ભાજપ-કોંગ્રેસનો ખેલ બગાડશે?

બેટના ચૂંટણી ચિહ્ન સાથે 'બેટિંગ' કરવા માટે મેદાને ઉતરેલા માવજી પટેલે ધમાકેદાર બેટિંગ કરતાં ભાજપ-કોંગ્રેસના જીવ અદ્ધર કરી દીધા

અમદાવાદ :ગુજરાતની વાવ વિધાનસભા બેઠક પર આગામી 13 નવેમ્બર 2024ના રોજ પેટા ચૂંટણી યોજાવવાની છે. પેટાચૂંટણીમાં આપે ઉમેદવારી ન નોંધાવીને પીછેહઠ કરી લીધી છે અને કોંગ્રેસને બહારથી સમર્થન આપ્યું છે. ત્યારે ભાજપના નારાજ નેતા માવજી પટેલે અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવીને કોંગ્રેસ-ભાજપનું ટેન્શન વધારી દીધું છે. હાલમાં પૂરજોશમાં પ્રચાર અભિયાન ચાલી રહ્યું છે. માવજી પટેલે વાવના આકોલીમાં વિશાળ જનસભાને સંબોધી હતી. મોટી સંખ્યામાં લોકોની ભીડ ઉમટી હતી. જેને જોતાં લાગી રહ્યું છે કે આ ચૂંટણી રસપ્રદ બની રહેશે. 

હાલમાં વાવ બેઠક માટે 8 ઉમેદવારો મેદાને છે, જેમાં માવજી પટેલનો પણ સમાવેશ થાય છે. તાજેતરમાં માવજી પટેલે વાવના આકોલીમાં વિશાળ જનસભાને સંબોધી હતી. મોટી સંખ્યામાં લોકોની ભીડ ઉમટી હતી. ભીડને જોઇને કોંગ્રેસ-ભાજપ બંને પક્ષના નેતાઓ મોંઢામાં આંગળા નાખતા રહી ગયા હતા. માવજી પટેલ ચૌધરીનું મોટું માથું ગણાય છે, તેમનું ચૂંટણી ચિહ્ન બેટ છે, બેટના ચૂંટણી ચિહ્ન સાથે 'બેટિંગ' કરવા માટે મેદાને ઉતરેલા માવજી પટેલે ધમાકેદાર બેટિંગ કરતાં ભાજપ-કોંગ્રેસના જીવ અદ્ધર કરી દીધા છે. ચૂંટણી પ્રચાર અભિયાન જેમ જેમ આગળ વધતો જશે, તેમ-તેમ માવજીભાઈ પટેલની ઉમેદવારીની અસર સ્પષ્ટ થતી જશે. માવજી પટેલની એન્ટ્રીથી બનાસકાંઠા સહિત ગુજરાતના રાજકારણમાં ફૂલગુલાબી ઠંડી વચ્ચે ગરમાવો લાવી દીધો છે. રાજકીય વિશ્લેષકો મતે પેટાચૂંટણી રસપ્રદ બની રહેશે, રસાકસીભરી જંગ જામશે. વાવની પ્રજા કોના પર પ્રેમ વરસાવે છે. એ તો આગામી સમય જ બતાવશે.

 

વાવ તાલુકાના આકોલી ગામે યોજાયેલી સનસભામાં માવજીભાઇ પટેલના સમર્થમનમાં આસપાસના 32 ગામમાંથી તમામ જ્ઞાતિના લોકો ઉમટી પડ્યા હતા. આ દરમિયાન માવજીભાઇ પટેલે ભાજપ-કોંગ્રેસ પર તીખા પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું હતું કે આ સત્ય-અસત્યની લડાઇ છે. આ પાટીલનો પાવર ઉતારવાનું યુદ્ધ છે. એમના મનમાં વાવની પ્રજાને મુર્ખ સમજે છે. રત્નાકર એટલે જાણે ભગવાન હોય. અમે કહ્યું હતું ટિકિટ કોઇપણ સમાજના વ્યક્તિને આપો અમને વાંધો નથી. પરંતુ અમને એવો ચોકિયાત આપો જે અમારા ત્રણે તાલુકાને સાચવે. ભાજપને એક સીટ આવે કે ન આવે ફરક પડતો નથી, કારણ કે ઉપર વજન વધી ગયું છે. 

ઉલ્લેખનીય છે કે આ જનસભામાં સર્વે સમાજના લોકો માવજીભાઇ પટેલને આર્શિવાદ આપતા જોવા મળ્યા હતા. ફરીથી વાવની ધરા પર એક સ્થાનિક અને અડગ નેતૃત્વ મળી શકે તેવું વાતાવરણ સર્જાયું હતું. 

વાવ ભાજપના દિગ્ગજ નેતા ગણાતા અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી ચૂંટણીના મેદાનમાં ધમાકેદાર બેટિંગ કરવા ઉતર્યા છે. ત્યારે પ્રજાના મનમાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું માવજી પટેલે પક્ષના કહેવા પર ભાજપમાંથી ફોર્મ ભર્યું છે કે પછી નારાજગીના કારણે બળવો કરીને અપક્ષમાંથી ફોર્મ ભર્યું છે? આ મુદ્દે માવજીભાઇ પટેલે સ્પષ્ટતા કરી હતી કે, ‘મેં પક્ષના કહેવાથી નહીં, પરંતુ પાર્ટીએ મને ટિકિટ ન આપી હોવાથી ઉમેદવારી નોંધાવી છે.’

તેમણે વધુમાં કહ્યું હતું કે, ‘મેં પક્ષ વિરોધી કોઇ પ્રવૃતિ કરી નથી. મને વાવની પ્રજા પર પૂરો વિશ્વાસ છે કે વાવની પ્રજા મને જીતાડશે. અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવ્યા બાદ પક્ષના આગેવાનોના ફોન આવ્યા હતા. મેં તેમને પૂછ્યું પણ હતું કે તમને કોઈ નારાજગી હોય તો જણાવી શકો છો, તો તેમણે કહ્યું હતું કે મને ટિકિટ ન મળતા મેં અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી છે.’ 

વાવ બેઠક ખૂબ જ મહત્ત્વની ગણવામાં આવી છે. કારણ કે વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે એકમાત્ર આ સીટ પર જીત મેળવી હતી.  જેથી આ સીટ પર વિજય મેળવો તે કોંગ્રેસ માટે પ્રતિષ્ઠાનો સવાલ બની ગયો છે, જ્યારે ભાજપ આ સીટ જીતવા માટે એડીચોટીનું જોર લગાવશે. કારણ કે તેણે ગુજરાતમાં વાવ સીટને બાદ કરતાં તમામ સીટો પર વિજય પરચમ લહેરાવ્યો હતો. જેથી ભાજપ માટે વાવ  બેઠક અસ્તિત્વના જંગ સમાન છે. 

 

જ્યારે હવે આ બેઠક  માટે ભાજપ-કોંગ્રેસ અને અપક્ષ સહિત 8 ઉમેદવારો મેદાને છે. ત્યારે જાતિગત સમીકરણ સમજવું જરૂરી બની જાય છે. વાવ વિધાનસભા બેઠક પર રાજકીય પક્ષ કરતાં જ્ઞાતિનાં સમીકરણો વધુ કામ કરે છે. જાતિગત સમીકરણો ઉથલપાથલ મચાવી ચૂંટણીના ચિત્રને બદલી શકે છે. આ બેઠક પર રાજપૂત સમાજ અને ઠાકોર અને ચૌધરી સમાજનું કેવું વર્ચસ્વ છે. આ ઉપરાંત કયા સમાજનો કેટલો દબદબો છે તે સમજવું જરૂરી છે. જો વાવ બેઠકની વાત કરવામાં આવે તો અહીં ઠાકોર સમાજનું પ્રભુત્વ અને જાતિવાદી ગણિત કામ કરી જાય છે. આ પેટાચૂંટણીમાં પણ આ જાતિવાદી ગણિતનું રાજકારણ થાય તેવી સંભાવના છે. 

(7:33 PM IST)