<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 7th November 2024

સુરતના સિટી લાઈટ અમૃતયા સ્પા એન્ડ જીમમાં ભીષણ આગ: ગુંગળામણથી બે સ્પા ગર્લના મોત

મૂળ નાગાલેન્ડની વતની અને સ્પામાં કામ કરતી બે સ્પા ગર્લના ગુંગળામણથી મોત :ઘટનાની જાણ થતાં મજૂરા અને વેસુ ફાયર વિભાગની 15 થી 20 ગાડીઓનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો

સુરત શહેરની સિટી લાઈટ વિસ્તારમાં આવેલા અમૃતયા સ્પા એન્ડ જીમમાં ભીષણ આગનો બનાવ સામે આવ્યો છે. જેમાં આગના ધુમાડાના કારણે ગુંગળાઈ જવાથી બે સ્પા ગર્લના મોત થયા છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, સિટી લાઈટ વિસ્તારમાં પેન્ટાલૂન શૉ રૂમની સામે આવેલા ફોર્ચ્યુન મોલના ટોપ ફ્લોર પર અમૃતયા સ્પા એન્ડ જીમ આવેલું છે. જ્યાં આજે સાંજના સમયે અચાનક આગ ભભૂકી ઉઠી હતી

આ ઘટનાની જાણ થતાં મજૂરા અને વેસુ ફાયર વિભાગની 15 થી 20 ગાડીઓનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જ્યાં સતત પાણીનો મારો ચલાવીને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી લેવાયો છે.

આ બનાવમાં મૂળ નાગાલેન્ડની વતની અને સ્પામાં કામ કરતી બે સ્પા ગર્લના ગુંગળામણથી મોત નીપજ્યા છે. હાલ બન્નેના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

બીજી તરફ આ બનાવની જાણ થતાં સુરત મેયર દક્ષેશ માવાણી પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જેમણે જણાવ્યું કે, સ્પામાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. આ સમયે ત્યાં 5 લોકો અંદર ફસાયા હતા. જે પૈકી 3 લોકો બહાર નીકળવામાં સફળ થયા હતા. જ્યારે બે યુવતીઓ અંદર જ ફસાઈ ગઈ હતી. જેમનું ધુમાડાના કારણે ગુંગળાઈ જવાથી મોત થયું છે

(12:07 AM IST)