<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 7th November 2024

'ગુલાબભાઈને કાયમ માટે વાવનું ખેતર લખી આપ્યું નથી.માત્ર ત્રણ વર્ષ માટે હટાણું આપેલું છે: ગેનીબેનનું સાંકેતિક નિવેદન

બનાસકાંઠાના સાંસદ અને કોંગ્રેસના સ્ટાર પ્રચારક ગેનીબેન ઠાકોરે જાહેર મંચથી સંકેત આપ્યા છે કે ગુલાબસિંહ 2027ની ચૂંટણી નહીં લડે.!!

આગામી 13 નવેમ્બરના રોજ યોજાનારી બનાસકાંઠાની વાવ વિધાનસભાની પેટાચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ જામ્યો છે. કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત, ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર અને અપક્ષ ઉમેદવાર માવજી પટેલ વચ્ચે ચૂંટણી યોજાવા જઈ રહી છે. ત્યારે મતદારોને રિઝવવા માટે ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવારે છેલ્લી ઘડીના પ્રયાસો કર્યા છે. ત્યારે આજે (7 નવેમ્બર 2024) વાવમાં કોંગ્રેસ દ્વારા મેઘવંશી સમાજના સ્નેહમિલન કાર્યક્રમમાં કોંગ્રેસના નેતાઓએ હાજરી આપી હતી. જેમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, વિપક્ષના નેતા અમિત ચાવડા, બનાસકાંઠાના કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોર અને દલિત નેતા અને ધારાસભ્ય જિગ્નેશ મેવાણી ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે મોટી સંખ્યામાં લોકો પણ હાજર રહ્યા હતા. આ દરમિયાન ગેનીબેન ઠાકોરે ચોંકાવનારું નિવેદન આપ્યું છે.

બનાસકાંઠાના સાંસદ અને કોંગ્રેસના સ્ટાર પ્રચારક ગેનીબેન ઠાકોરે જાહેર મંચથી સંકેત આપ્યા છે કે ગુલાબસિંહ 2027ની ચૂંટણી નહીં લડે. કારણ કે ગેનીબેન એવું બોલ્યા છે કે 'ગુલાબભાઈને કાયમ માટે વાવનું ખેતર લખી આપ્યું નથી. માત્ર ત્રણ વર્ષ માટે હટાણું આપેલું છે.' ગેનીબેનના આ નિવેદનને બે રીતે જોઈ શકાય. એક તો તેમણે ગુલાબસિંહને આડકતરી રીતે ચિમકી આપી છે કે પ્રજાના કામ કરવાના છે નહીતર પાર્ટી મોં ફેરવી લેશે. બીજું ગુલાબસિંહ આયાતી હોવાનો મુદ્દો ભાજપે ઉછાળ્યો છે ત્યારે ગેનીબેને સંકેત આપ્યા છે કે 2027ની વિધાનસભા ચૂંટણીમાં બીજાને પણ મોકો મળી શકે છે.

ગેનીબેન ઠાકોર બે દિવસ પહેલા ભાઈબીજના દિવસે બોલ્યા હતા કે, 'ગુલાબસિંહ માટે ત્રણ વર્ષ માંગું છું.' પરંતુ આજે (ગુરૂવાર) ગેનીબેને જાહેર સભામાં કહ્યું કે, 'વાવનું ખેતર ત્રણ વર્ષ માટે ગુલાબસિંહને આપ્યું છે. તમામ પ્રકારના પાસાથી વિચાર કર્યા પછી પણ ગુલાબભાઈને વાવનું ખેતર કાયમ માટે લખી આપેલું નથી. માત્ર ત્રણ વર્ષ માટે હટાણું આપેલું છે. તેના પછી કોઈ લેવાદેવા નથી હો... ત્રણ વર્ષ પછી જ્યાં તમારે જવું હોય ત્યા જશો, રેવા દેવું હોય તો રેવા દેજો. પછી વાવમાં ત્રણ વર્ષે અમારું ખેતર છૂટું કરી દઈશું. પછી આપણામાંથી જ કોઈ નવું આ વિસ્તારનું નેતૃત્વ કરશે. આ પાંચ વર્ષ માટે નહીં પરંતુ ત્રણ વર્ષ માટેની ચૂંટણી છે.'

વધુમાં ગેનીબેને કહ્યું હતું કે, 'આપણે કોઈ મોબાઈલની દુકાને રિચાર્જ કરાવવા માટે જઈએ ત્યારે પૂછીએ કે રિચાર્જની વેલિડિટી કેટલી છે. તો તેઓ કહે બે મહિના...ત્રણ મહિના...બે વર્ષ...ત્રણ વર્ષ... તો આપણને ત્રણ વર્ષ માટે રિચાર્જ કરી આપો. ગુલાબસિંહનું રિચાર્જ ત્રણ વર્ષ માટે કર્યું છે. વેલિડિટી પૂર્ણ થયા પછી કંઈ નક્કી નહીં. જો બરોબર ચાલશે તો બરોબર છે, નહીતર આગળ કંઈ થશે નહીં.'

(10:30 PM IST)