News of Thursday, 7th November 2024
અમદાવાદના નારોલમાં શંકાશીલ પતિના ત્રાસથી પત્નીએ ગેલેરીમાંથી પડતું મૂકીને આપઘાત કર્યો
છાયાને શાહવાડી ખાતે રહેતા જગદીશ રાઠોડ સાથે પ્રેમસબંધ હોવાથી આજથી એક વર્ષ અગાઉ બન્નેના લગ્ન કરાવવામાં આવ્યા હતા

અમદાવાદ : શહેરના નારોલ વિસ્તારમાં શંકાશીલ પતિના ત્રાસથી પત્નીએ ગેલેરીમાંથી પડતું મૂકીને આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે મૃતકના ભાઈએ બનેવી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા નારોલ પોલીસે ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે રાહુલ વાઘેલા (26)એ નારોલ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ, તેમની નાની બહેન છાયાને શાહવાડી ખાતે રહેતા જગદીશ રાઠોડ સાથે પ્રેમસબંધ હોવાથી આજથી એક વર્ષ અગાઉ બન્નેના લગ્ન કરાવવામાં આવ્યા હતા.
જો કે લગ્નના એક મહિના બાદ તેમની બહેન સારા કપડા પહેરે કે મોબાઈલ ફોનનો ઉપયોગ કરે તો તેનો પતિ શંકા કરીને પત્ની સાથે મારઝૂડ કરતો હતો. દિવાળીનો તહેવાર હોવાથી ગત 2 નવેમ્બરના રોજ તેમની બહેન પોતાના પિયર રોકાવા આવી હતી. જો કે ચોથી તારીખે તેનો પતિ જગદીશ સાસરીમાં આવ્યો હતો અને પત્નીને 'મેં તને અહીંયા આવવાની ના પાડી હોવા છતાં કેમ આવી?' કહી મારઝૂડ કરીને રિક્ષામાં બેસાડીને લઈ ગયો હતો.
આ દિવસે સાંજે જગદીશ રાઠોડે ફરિયાદીને ફોન કરીને કહ્યું હતું કે, 'સવાર સુધીમાં છૂટાછેડાના કાગળીયા તૈયાર કરી લેજો, નહીંતર આખી રાત તારી બહેનને મારીશ'. જેથી ફરિયાદી રાહુલ વાઘેલા પોતાની પત્ની અને નાની બહેનને લઈને મોટી બહેન છાયાની સાસરીમાં બનેવીને સમજાવવા ગયા હતા. જ્યાં સાસુ-સસરા અને ત્રણેય નણંદો હાજર હોવા છતાં જગદીશ પત્નીને મારવા જતો હતો. જેથી તેમની મોટી બહેને ગેલેરીમાં જઈને પડતું મૂક્યું હતુ. જેથી લોહીલુહાણ હાલતમાં તેણીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં ફરજ પરના તબીબોએ મૃત જાહેર કરી હતી.
(11:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
