<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 8th November 2024

પાણી માનવીના જીવનમાં આશિર્વાદરૂપ છે : ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખ

એસ્પિરેશનલ નર્મદા જિલ્લામાં તા.૨૦મી નવેમ્બર- ૨૦૨૪ સુધી ચાલનારા જળ ઉત્સવ અભિયાનનો નાંદોદ તાલુકાના જીતગઢ ગામેથી ઉત્સાહભેર પ્રારંભ કરાયો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:નીતિ આયોગ દ્વારા એસ્પિરેશનલ ડિસ્ટ્રીક્ટ અને એસ્પિરેશનલ બ્લોકમાં તા.૦૬થી ૨૦મી નવેમ્બર-૨૦૨૪ દરમિયાન ૧૫ દિવસ સુધી ચાલનારા જળ ઉત્સવ અભિયાનનો નાંદોદ તાલુકાના જીતગઢ ગામની પ્રાથમિક શાળા ખાતેથી ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખની ઉપસ્થિતિમાં જલ બંધન પાણીના સંગ્રહ સ્થળોની પૂજા કરી અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ભારત દેશમાં ૨૦ એસ્પિરેશનલ જિલ્લા પસંદ કર્યા છે તેમાં નર્મદા જિલ્લાની પસંદગી થઈ છે તે આપણું સદભાગ્ય છે.  
   નર્મદા જિલ્લાના નાગરિકોમાં જળ વ્યવસ્થાપન, જળ સંચય અને ટકાઉપણાના મહત્વ પ્રત્યે જાગૃતિ અને સંવેદનશીલતા કેળવાય તે માટે આયોજિત જળ ઉત્સવ અભિયાનના લોન્ચિંગ કાર્યક્રમમાં ઉપસ્થિત નાગરિકોને સંબોધતા ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખે જણાવ્યું કે, પાણી માટે કોઈ ઉત્સવ થાય તે આ સરકારનો દુરંદેશી એક અદભૂત પ્રયાસ છે. 

  આ કાર્યક્રમના માધ્યમથી લોકજાગૃતિ અને ભાવિ પેઢીના જીવનને ટકાવવા આ આવશ્યક અને જરૂરી છે. સમગ્ર જીવ સૃષ્ટિના જીવનમાં પાણીનું આગવું મહત્વ રહેલું છે. પરંતુ આજના ગ્લોબલ વોર્મિંગના સમયમાં ઋતુઓમાં બદલાવ આવ્યો છે. જંગલો કપાઈને નાશ થતાં ગરમીનું પ્રમાણ વધ્યું છે અને તેના કારણે વરસાદ ઓછો પડવાથી જળ સ્તર ખૂબ નીચા ગયા છે. આવા સમયે આકાશમાંથી પડતા વરસાદી પાણી વહી જતા હતા તે પાણીનો સંચય કરી તળાવ, કૂવા, ખેત તલાવડી, પાળાના માધ્યમથી સંચય કરીને પાણી બચાવીએ જેથી આપણી ભાવી પેઢીને આવનાર સમયમાં પાણી માટે કોઈ મુશ્કેલી ન સર્જાય.

    ધારાસભ્ય એ ઉમેર્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર અને ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં જળ સંચય માટેના રાજ્યના વિવિધ જિલ્લાઓમાં અનેક પ્રયાસો થઈ રહ્યા છે. સરકારી શાળાઓમાં રેઈન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ લગાવીને પાણી બચાવવાનું કાર્ય થઈ રહ્યું છે જેનાથી બાળકો પણ પાણી બચાવતા શીખી રહ્યા છે, ત્યારે આપણે પણ પાણીનો સદઉપયોગ કરતા શીખીએ અને આપણી આવનારી ભાવી પેઢીને પાણીની અમૂલ્ય ભેટ આપીએ. નર્મદા જિલ્લામાં સરદાર સરોવર નર્મદા બંધ અને કરજણ ડેમ જેવા બે મહત્વના જળાશયો આવેલા છે જેના કારણે ખેતી, ઘર વપરાશ અને પીવા માટે પુરતા પ્રમાણમાં લોકોને પાણી મળી રહે છે. 

   ધારાસભ્યએ જણાવ્યું કે, પાણી બચાવવા માટે આપણા વડીલોએ જે શીખ આપી શીખવી ગયા તેને આપણે અનુસરીએ, કારણ કે અનેક રોગોમાં શુધ્ધ જળ એ દવા છે, પાણીથી અનેક નાના-મોટા રોગોમાંથી મુક્તિ મળે છે તેથી જ ડોક્ટર દિવસમાં ૮-૧૦ ગ્લાસ પાણી પીવાની ભલામણ કરે છે. તેથી જ જળ આપણા માટે જીવસૃષ્ટિના જીવન માટે પાણી આશિર્વાદરૂપ છે. પ્રધાનમંત્રી કહે છે કે, વિકાસમાં વિશ્વાસ અને સૌના સાથની જરૂરિયાત હોય છે ત્યારે આપણે સૌ અહીંથી એકતાનો સંદેશો લઈને જઈએ અને પાણી બચાવવાના પાવન કાર્યમાં સૌ સહભાગી બનીએ તેવી એક ડોક્ટર તરીકે હ્રદયસ્પર્શી અપીલ કરી હતી.
  એસ્પિરેશનલ નર્મદા જિલ્લામાં તા. ૦૬ નવેમ્બર-૨૦૨૪ને બુધવારના રોજ નાંદોદ તાલુકાના જીતગઢ ગામેથી પ્રારંભ થયેલા આ જલ ઉત્સવ અભિયાનનો મુખ્ય હેતુ પાણીને મુખ્ય અગ્રતા આપવા લોકોમાં જળ સંસાધનોના સંરક્ષણ પ્રત્યે જવાબદારીની ભાવના કેળવાય, દરેક પરિવારો, સ્થાનિક સમુદાયો તેમાં સ્વયંભૂ સામેલ થાય તેવો છે. આગામી તા.૨૦મી નવેમ્બર-૨૦૨૪ સુધી ચાલનારા આ અભિયાન અંતર્ગત સમગ્ર પખવાડિયા દરમિયાન જળ સંપદાઓ જેમકે તળાવો, કૂવા, નદીની સાફ-સફાઈ કરવી, જળ સંચય અંગેના શપથ લેવા, જળ ઉત્સવ દોડ(મેરેથોન), શિક્ષકો અને વિદ્યાર્થીઓની ઉજવણીમાં ભાગીદારી અંતર્ગત વિવિધ કાર્યક્રમો- સ્પર્ધાઓનું આયોજન કરવું, જળ સંચય દિવસ નિમિત્તે રેઈન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ અંગેની જન જાગૃતિ, વોટર મેનેજમેન્ટ, પીવાના પાણીની સપ્લાઈમાં લિકેજને રોકવા માટે જીરો લિકેજની કામગીરી, જળ સંચયમાં મહિલાઓની ભાગીદારી વધારવા સખી મંડળો સાથે વાર્તાલાપ, એક પેડ માં કે નામ, પાણી અને સ્વાસ્થ્ય અંગે જિલ્લામાં વિવિધ તબક્કે કાર્યક્રમો હાથ ધરવામાં આવનાર છે

(2:23 PM IST)