<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 9th November 2024

નવેમ્‍બર અડધો થવા આવ્‍યો છતાં શિયાળો જામતો નથી

ખેડૂતોને એવો સવાલ સતાવી રહ્યો છે કે, શિયાળો યોગ્‍ય સમયે શરૂ નહીં થાય તો શું થશે ?

અમદાવાદ, તા.૯: ગુજરાતમાં નવરાત્રી ગયા પછી તાપમાનમાં ઘટાડો થવાનું શરુ થતું હોય છે અને દિવાળી કે નવેમ્‍બર માસની શરુઆત પહેલા લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં નોંધનીય ઘટાડો થવા લાગતો હોય છે. પરંતુ આ વર્ષે પણ પાછલા વર્ષની જેમ શિયાળો હુંફાળો બનવાની ચિંતા વર્તાઈ રહી છે. હવામાન વિભાગના અમદાવાદ કેન્‍દ્ર પરથી આપવામાં આવેલી માહિતી મુજબ હજુ આગામી દિવસોમાં તાપમાનમાં કોઈ મોટા ફેરફાર થવાની શકયતાઓ ન હોવાનું જણાવવામાં આવ્‍યું છે. આવામાં ખેડૂતોને એવો સવાલ સતાવી રહ્યો છે કે, શિયાળો યોગ્‍ય સમયે શરુ નહીં થાય તો શું થશે? આવામાં રાજ્‍યના હવામાન વિભાગે આગામી ૭ દિવસ સુધી હવામાન કેવું રહેશે તે અંગેની આગાહી કરી છે. જેમાં હવામાન વિભાગના અમદાવાદના કેન્‍દ્રના વડા એકે દાસ દ્વારા આગામી સમયમાં તાપમાનની સ્‍થિતિ કેવી રહેશે તે અંગેની કેટલીક વિગતો જણાવવામાં આવી છે.

હવામાન વિભાગના અમદાવાદ કેન્‍દ્રના વડા એકે દાસે શુક્રવારે આપેલી માહિતી અનુસારા આગામી ૭ દિવસ વરસાદની કોઈ શકયતાઓઓ ન હોવાની સંભાવનાઓ વ્‍યક્‍ત કરીને તાપમાનની કેવી સ્‍થિતિ રહેશે તે અંગે જણાવ્‍યું છે. શિયાળાની શરુઆત અને તેની અસર માટે ઉત્તર ભારતમાં હિમવર્ષા મહત્‍વનો ભાગ ભજવતી હોય છે. આવામાં આગામી સમયમાં પણ તાપમાનમાં કોઈ મોટા ફેરફારની શકયતાઓ ન હોવાનું હવામાન વિભાગે જણાવ્‍યું છે, એટલે કે શિયાળા માટે હજુ પણ રાહ જોવી પડે તેવી સ્‍થિતિ જણાઈ રહી છે.

એકે દાસે ગુરુવારે રાજ્‍યના હવામાનની આગાહી કરીને જણાવ્‍યું હતું કે, આગામી ૭ દિવસ રાજ્‍યનું હવામાન સૂકું રહેવાનું પૂર્વાનુમાન કરવામાં આવ્‍યું છે. તાપમાન અંગે વાત કરીને તેમણે કહ્યું કે, રાજ્‍યના તાપમાનમાં પણ આગામી ૪થી ૫ દિવસ સુધી કોઈ મોટા ફેરફારોની શકયતાઓ જણાતી નથી.

શુક્રવારે અમદાવાદનું મહત્તમ તાપમાન ૩૬.૪ ડિગ્રી સેલ્‍સિયસ નોંધાયું હતું અને તેમાં ૧ ડિગ્રીનો ઘટાડો થયો છે, આમ છતાં તે હજુ પણ સામાન્‍ય કરતા ૧.૯ ડિગ્રી ઊંચું છે. લઘુત્તમ તાપમાન ૨૨.૨ ડિગ્રી સેલ્‍સિયસ નોંધાયું છે અને તે સામાન્‍ય કરતા ૩.૨ ડિગ્રી વધુ છે.

(9:50 AM IST)