<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 9th November 2024

વડતાલમાં આજે ભુપેન્‍દ્રભાઇના હસ્‍તે દ્વિશતાબ્‍દી મહોત્‍સવની ટપાલ ટિકીટનું અનાવરણ કરાશે

પુ.રાકેશપ્રકાશજી મહારાજની આગેવાનીમાં આયોજીત મહોત્‍સવમાં ઉમટતા ભાવિકોઃ કથાશ્રવણ, ભોજન પ્રસાદનો લાભ

રાજકોટ તા.૯: ગુજરાત રાજ્‍યના આદરણીય મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલ આજે શ્રી લક્ષ્મી નારાયણદેવ દ્વીશતાબ્‍દી મહોત્‍સવમાં હાજરી આપવા વડતાલ પધારશે. જેઓ સવારે હેલિકોપ્‍ટર દ્વારા ગાંધીનગરથી વડતાલ ખાતે ઉતરાણ કરી સીધા મંદિરે દેવના દર્શન માટે સવારે ૧૧ વાગે પધારશે ત્‍યારબાદ મહોત્‍સવમાં હાજરી આપવા મુખ્‍ય સભા મંડપ ખાતે આવશે.

મહોત્‍સવમાં તેઓશ્રી ભારત સરકાર દ્વારા દ્વિશતાબ્‍દી મહોત્‍સવ નિમિત્તે બહાર પાડવામાં આવેલ પાંચ રૂપિયાની ટપાલ ટિકિટનું અનાવરણ કરશે અને પૂજ્‍ય મહારાજ શ્રી અને પૂજ્‍ય સંતોના આશીર્વાદ મેળવશે અને મહોત્‍સવમાં પધારેલા દેશ વિદેશના સત્‍સંગીજનોને સંબોધશે.

વડતાલ ખાતે દ્વિશતાબ્‍દી મહોત્‍સવ ઉજવાઈ રહ્યો છે. ત્‍યારે અહીં દેશ-વિદેશના ભક્‍તો ઉમટી રહ્યા છે. વડતાલ મંદિર બોર્ડ દ્વારા દ્વિશતાબ્‍દી મહોત્‍સવમાં આવતાં ભક્‍તો માટે નિશુલ્‍ક ભોજનની વ્‍યવસ્‍થા કરવામાં આવી છે. અહીં ઉત્‍સવ ગ્રાઉન્‍ડમાં ૧૫થી વધુ ડોમમાં લાખો લોકોને ભોજન પીરસવામાં આવી રહ્યું છે.

આજે વડતાલ દ્વિશતાબ્‍દી મહોત્‍સવનો બીજો દિવસ છે. અહીં લાખોની સંખ્‍યામાં દેશ-વિદેશના ભક્‍તો આવી રહ્યા છે. જેમના માટે ઉત્‍સવ ગ્રાઉન્‍ડમાં ૧૫ વિશાળ ડોમમાં ભોજન સાત્‍વિક પીરસવામાં આવી રહ્યું છે. ભોજનાલયમાં ૩ લાખ લોકો માટે સ્‍વયંસેવકો દ્વારા ભોજન તૈયાર કરવામાં આવી રહ્યું છે. આ માટે વહેલી સવારે ૪ વાગ્‍યાથી તમામ સ્‍વયંસેવકો કામે લાગી જાય છે.

અહીં ૧૫ ડોમમાં ભોજન પીરસવામાં આવી રહ્યું છે. જેમાં ૨૫૦૦-૩૦૦૦થી વધુ સ્‍વયંસેવકો સેવામાં જોતરાયા છે. લાખો લોકોની રસોઈ તૈયાર કરવા માટે ૧૨૦૦થી વધુ બહેને બે પાળીમાં માથે કેપ અને હાથમાં ગ્‍લોઝ પહેરીને શાકભાજી સુધારવાથી કરિયાણાની સાફ-સફાઈ (ચાળવું) જેવા કામની સેવા આપી રહ્યા છે.

અહીં મહોત્‍સવમાં આવતા લાખો લોકોની રસોઈ બનાવવા માટે ૬૦૦થી વધુ રસોયા કામ કરે છે. આ ઉપરાંત ૧૫૦ માણસોના સ્‍ટાફ ડિશોની સાફ સફાઈ કરે છે. તો ઉત્‍સવમાં શેરડીનો રસ દરરોજ ૧૦ ટન પ્રસાદી રૂપે પીરસવામાં આવી રહી છે. અહીં લોકોને બે મિષ્ઠાન, ફરસાણ, દાળ-ભાત, રોટલી, બે શાક અને છાસ પીરસવામાં આવી રહ્યું છે.

લાખો લોકોની રસોઈ બનાવવા માટે અહીં દરરોજ નાસિકથી ૫૦ ટન શાકભાજી આવે છે. જેમાં ૧૦ હજાર કિલો દૂધી, ૬ હજાર કિલો ટમેટા, ૫૦૦ કિલો દાડમ, ૨૦૦ કિલો વટાણા સહિતના શાકભાજી હોય છે. આ ઉપરાંત બટેકા અહીં ડીસાથી આવે છે અને શુદ્ધ ઘી અને સિંગતેલ વાપરવામાં આવે છે.

(11:53 AM IST)