હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
આલેલે... અમદાવાદની હવા સમગ્ર દેશમાં સૌથી વધુ પ્રદૂષિત, શહેરનો સરેરાશ AQI 141 જ્યારે ભારતનો 133

અમદાવાદ : અમદાવાદ શહેરમાં વધી રહેલા વાયુ પ્રદૂષણના પ્રમાણને જોતા અસ્થમા અને શ્વસનતંત્રની બીમારીથી પીડાતા નાગરિકો તેમજ જેમની ઇમ્યુનિટિ(રોગપ્રતિકારક શક્તિ) ઘણી ઓછી છે તેઓએ વિશેષ કાળજી લેવાની જરૂર છે. અમદાવાદ શહેરની હવાની ગુણવત્તાના છેલ્લા 24 કલાકના આંકડાને જોતાં એવું તારણ નીકળ્યું હતું કે, અમદાવાદ શહેરની હવાનો સરેરાશ એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) ફ્ક્ત ગુજરાત કરતા જ નહીં, પરંતુ સમગ્ર ભારતના AQI કરતા વધુ નોંધાયો હતો!
હવાની ગુણવત્તાને માપવાના યોગ્ય પ્લેટફોર્મ ગણાતા AQI મુજબ અમદાવાદ શહેરનો સરેરાશ AQI 141 નોંધાયો હતો, જ્યારે એ જ સમયે સમગ્ર ગુજરાતનો AQI 136 અને સમગ્ર ભારતનો AQI 133 નોંધાયો હતો.
શનિવારે અમદાવાદ શહેરની હવાની ગુણવત્તા 'ખરાબ'થી લઇને અત્યંત 'બિનઆરોગ્યપ્રદ' રહી હતી, અર્થાત સવારથી બપોર સુધીમાં અમદાવાદ શહેરનો AQI 101થી 200 યુનિટ વચ્ચે નોંધાયો હતો જ્યારે સાંજના સમયે 210થી 300 યુનિટ સુધી નોંધાયો હતો. શનિવારે અમદાવાદ શહેરના કેટલાક વિસ્તારોની હવાની ગુણવત્તા એકદમ ખરાબ થઇને 290 યુનિટ જેટલી નોંધાઇ હતી, અને છેલ્લા એક સપ્તાહ દરમ્યાન આ ગુણવત્તા 400 યુનિટને પાર કરી ગઇ હતી.
નિષ્ણાતોના કહેવા મુજબ, હવાની ગુણવત્તા ઓછી થતા, એટલે કે વધુ પ્રમાણમાં પ્રદૂષિત થતા તેમાં ખૂબ મોટા પ્રમાણમાં અનેક પ્રકારના નાના રજકણો ઉમેરાતા શ્વસનતંત્રને લગતી સમસ્યામાં એકદમ વધારો થઇ જાય છે. હવાની કેટલીક કેટેગરી મુજબ AQI 100થી 200 યુનિટ વચ્ચે નોંધાય તો તેને 'ખરાબ' (પુઅર) હવા કહેવાય છે, જ્યારે 201થી 300 યુનિટ AQI નોંધાય ત્યારે તેને તદ્દન 'બિનઆરોગ્યપ્રદ' હવા કહેવામાં આવે છે. આ હવા બાળકો, ગર્ભવતી મહિલાઓ અને વૃદ્ધો માટે ખૂબ મોટું જોખમ ઊભું કરે છે. AQI દર્શાવતી વેબસાઇટ ઉપર એવી પણ આગાહી કરવામાં આવી છે કે, આગામી દિવસોમાં પણ શહેરની હવાની ગુણવત્તા 'ખરાબ'થી 'બિનઆરોગ્યપ્રદ'ની વચ્ચે રહેશે, અર્થાત શુદ્ધ હવા મળવાની કોઇ શક્યતા નથી.
નવી દિલ્હી સ્થિત સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાર્યમેન્ટના ડાયરેક્ટર રજનીશ સરીનના કહેવા મુજબ, સામાન્ય રીતે ઉનાળામાં પ્રદૂષણનું જે સ્તર હોય છે એ જ સ્તર શિયાળા દરમ્યાન પણ રહેતું હોય છે, પરંતુ શિયાળામાં ઠંડી હવા પ્રમાણમાં ભારે અને ગાઢ હોય છે. ગરમ હવાની તુલનાએ તેની ગતિ અત્યંત ધીમી હોય છે અને આ ઠંડી-ગાઢ હવા પોતાની સાથે પ્રદૂષણને જકડી રાખે છે અને ઝડપથી એક સ્થળેથી બીજા સ્થળે ગતિ કરતી નથી, તેથી કોઇ એક સ્થળે લાંબા સમય સુધી હવાનું પ્રદૂષણ યથાવત રહેવા પામે છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
