<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 10th November 2024

અમેરિકામાં ડોનાલ્‍ડ ટ્રમ્‍પ સત્તાપર આવતા સુરતના હીરા ઉદ્યોગમાં આશા મંડાઇ

સુરતથી જેટલી પણ જવેલરી તૈયાર થાય છે તેમાં અમેરિકામાં તેનો હિસ્‍સો ૬૦ ટકા કરતા પણ વધુ છેઃ ચીન, હોંગકોંગમાં આર્થિક મંદી, રશિયા-યુક્રેન યુધ્‍ધના કારણે ડાયમંડ ઉદ્યોગ ઠપ્‍પ

સુરત: હીરા ઉદ્યોગ માટે અમેરિકા સૌથી મહત્વનો દેશ છે. આજે સુરતથી જેટલી પણ જ્વેલરી તૈયાર થાય છે તેમાં અમેરિકામાં તેનો હિસ્સો 60% કરતાં પણ વધારે છે. જેથી હીરા વેપારીઓનું માનવું છે કે સુરતના જ્વેલરી અને ડાયમંડ ઉદ્યોગ માટે અમેરિકા સૌથી મહત્વનો દેશ છે. જેને લઈ હાલ જે રીતે અમેરિકાની અંદર સત્તા પરિવર્તન થઈ છે. તેના કારણે હીરા ઉદ્યોગમાં એક પ્રકારની નવી આશા જાગી છે.

જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના ચેરમેન વિજય માંગુકિયાએ જણાવ્યું કે સરકાર દર વખતે એક્સપોર્ટ માટે નવો લક્ષ્‍યાંક આપતી હોય છે. જેને હાંસલ કરવા માટે સુરતના હીરા ઉદ્યોગકારો પ્રયાસ કરે છે. સરકાર દ્વારા એક વર્ષ માટે 42 બિલિયન એક્સપોર્ટનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો. જે માત્ર 30 થી 32 ટકા જેટલો જ આપણે આ વર્ષે હાંસિલ કરી શક્યા હતા. જેની પાછળ અનેક કારણો જવાબદાર છે પરંતુ 2017 સુધીમાં કેન્દ્ર સરકાર દ્વારા જે એક્સપોર્ટ માટેનો 75 બિલિયનનો જે ટાર્ગેટ આપવામાં આવ્યો છે તે હાંસિલ થશે તેવી આશા બંધાય છે.

તેના પાછળનું કારણ છે કે રાષ્ટ્રપતિ પદ ઉપર આવતાની સાથે જ ટ્રમ્પે ઉદ્યોગને વેગ આપવા માટેના નિર્ણયો લેવાના શરૂ કર્યા છે. તેમ જ ટ્રમ્પ સરકાર દ્વારા તેમની પ્રજાને જે પ્રકારે તેમના એજન્ડા વિશેની વાત કરી હતી તેમાં ઇન્ડસ્ટ્રીને વેગ આપવા માટે તેમને સૌથી વધારે પ્રાથમિકતા આપવાની વાત કરી હતી. જેથી કરીને હવે તેઓ જે વાયદા ચૂંટણી પ્રચાર દરમિયાન કરી ચૂક્યા છે તે મુજબ જો કામ કરશે તો સ્વાભાવિક રીતે જ ભારત દેશને વેપાર ધંધામાં ખૂબ મોટો લાભ થવાની શક્યતા છે. કારણ કે આપણી અમેરિકા સાથેની જે વિદેશ નીતિ છે તે ખૂબ સારી છે અને ઉદ્યોગ અને વેગ મળે તે પ્રકારની છે.


સુરતના જ્વેલરી એસોસિયેશનના પ્રમુખ જયંતિ સાવલિયાએ જણાવ્યું કે ડોનાલ્ડ ટ્રમ્પને લોકો બિઝનેસ માઈન્ડેડ પર્સનથી ઓળખે છે. તેઓ હંમેશા ઉદ્યોગને વેગ આપવા માટેની વાતો કરતા હોય છે. જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના પ્રેસિડેન્ટ હતા તે દરમિયાન તેમણે પોતાના દેશના વિકાસ માટે આર્થિક નીતિને ખૂબ સારી રીતે આગળ લઈ જવાના નિર્ણય કર્યા હતા અને તેની અસર પણ દેખાઈ હતી. જેને કારણે અમેરિકા આર્થિક રીતે મજબૂત સ્થિતિમાં મુકાઈ ગયું હતું. હવે ફરી એક વખત તેઓ અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા છે ત્યારે ત્યાંના સ્થાનિક લોકોને પણ એવું લાગે છે કે ઉદ્યોગોને આગળ વધવા માટેની નવી તકો ઉભી થશે. જ્યારે અમેરિકામાં ચૂંટણીનો માહોલ હતો ત્યારે હું પોતે પણ અમેરિકા ગયો હતો અને ત્યારે સ્થાનિક લોકો અને ખાસ કરીને ઉદ્યોગપતિઓ સાથે જે વાત કરી હતી તે મુજબ તેઓ પણ માનતા હતા કે ડોનાલ્ડ ટ્રમ્પના શાસનમાં આવ્યા બાદ ઉદ્યોગ નીતિમાં ચોક્કસ ફેરફાર થશે અને હાલ જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ બહુમતીથી સરકાર બનાવી રહ્યા છે ત્યારે સ્વાભાવિક છે કે આગામી દિવસોમાં તેની સારી અસર દેખાશે અને સુરતના જેમ એન્ડ જ્વેલરી ઉદ્યોગને પણ ખૂબ મોટો લાભ મળશે.

ઉલ્લેખનીય છે કે, સુરતનો હીરા ઉદ્યોગ ચાઈના, હોંગકોંગમાં આર્થિક મંદી, રશિયા-યુક્રેન યુદ્ધ અને અમેરિકામાં સર્જાયેલી આર્થિક મંદીને કારણે બે વર્ષથી ઠપ થઈ પડ્યો છે. આ ત્રણેય પરિબળોમાં છેલ્લા બે વર્ષથી કોઈ જ પ્રકારના ફેરફાર થતા ન હોવાથી વેપારમાં પણ સુધારા આવતો ન હતો. પરંતુ હાલમાં અમેરિકામાં સત્તા પરિવર્તન થઈ છે અને ડોનાલ્ડ ટ્રમ્પ સત્તા પર આવતા જ અમેરિકાની વેપારનીતિ સુધરશે અને આર્થિક સ્થિતિમાં સુધારો થાય તેવી આશા સુરતના હીરા વેપારીઓ સેવી છે. હવે સુરતના હીરા ઉદ્યોગને આર્થિક મંદીમાંથી ઉગરવા માત્ર અમેરિકાની નવી સરકાર પર આશા મંડાઈ છે.

(3:14 PM IST)