<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 10th November 2024

સુરતમાંથી ગુમ થયેલ યુવતીનો તાપીમાંથી મૃતદેહ મળ્યો:દુષ્કર્મની આશંકાએ પરિવાર અર્થી લઇને પોલીસ સ્ટેશન પહોંચ્યો:ભારે આક્રોશ

યુવતી સાથે દુષ્કર્મ અથવા શારીરિક અડપલા થયા હોવાની શંકા સાથે પરિવારજનો દ્વારા ન્યાયની માગ: કાપોદ્રા પોલીસ મથકે મોટી સંખ્યામાં સમાજના લોકો એકઠા થયા

સુરતના કાપોદ્રા વિસ્તારમાંથી ગુમ થયેલી યુવતીનો મૃતદેહ તાપી નદીમાંથી મળી આવ્યો છે. યુવતી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની આશંકા સાથે પરિવારજનો દ્વારા ન્યાયની માગ કરવામાં આવી છે. આજે ભારે રોષ સાથે પરિવાર અને સમાજના આગેવાનો સહિતના લોકો યુવતીની અર્થીને લઇને કાપોદ્રા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને ન્યાયની માગ કરી હતી. પોલીસ દ્વારા તટસ્થ તપાસની ખાતરી આપવામાં આવતા મામલો થાળે પડ્યો હતો.

બનાવની પ્રાપ્ત વિગત અનુસાર કાપોદ્રા વિસ્તારમાં દિન દયાળ સોસાયટીમાં રહેતા અરવિંદ આલોદરાની 20 વર્ષીય યુવતી અનિતા 8 નવેમ્બર, શુક્રવારની રાતે ગુમ થઇ હતી. પરિવાર દ્વારા અનિતાની શોધખોળ આદરવામાં આવી હતી પરંતુ મળી ન હતી. શનિવારે 9 નવેમ્બરે સવારે સિદ્ધકુટીર નજીક તાપી નદીમાંથી યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. યુવતીના મૃતદેહ અંગે જાણ થતાં કાપોદ્રા પોલીસ સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહને પીએમ અર્થે ખસેડવાની કાર્યવાહી કરી હતી.

કોઇ અઘટીત ઘટના બની હોવાની આશંકાના પગલે પેનલ પીએમ પોલીસ દ્વારા કરાવાયું હતું.જોકે ડૂબી જવાના કારણે મોત થયું હોવાનું તબીબોએ પ્રાથમિક તારણ આપ્યું હતું. બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. બીજી તરફ યુવતી સાથે દુષ્કર્મ અથવા શારીરિક અડપલા થયા હોવાની શંકા સાથે પરિવારજનો દ્વારા ન્યાયની માગ કરવામાં આવી છે. મૃતક યુવતીનો પરિવાર અને સમાજના લોકો યુવતીની અર્થી લઇને પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા.

કાપોદ્રા પોલીસ મથકે મોટી સંખ્યામાં સમાજના લોકો એકઠા થયા હતા અને ન્યાયની માગ કરી હતી. પોલીસ દ્વારા સમાજના લોકો અને પરિવારજનોને સમજાવવામાં આવ્યા હતા અને તટસ્થ તપાસની ખાતરી આપવામાં આવી હતી. પોલીસ તરફથી યોગ્ય અને તટસ્થ તપાસની ખાતરી આપવામાં આવ્યા બાદ સમગ્ર મામલો થાળે પડ્યો હતો. પોલીસની સમજાવટ બાદ પરિવારજનો યુવતીનો મૃતદેહ લઇને અંતિમવિધિ માટે રવાના થયો હતો.


 

(5:59 PM IST)