<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 10th November 2024

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વધુ એક ગુપ્ત અંગદાન : બ્રેઇન ડેડ વ્યક્તિના લીવર અને બે કીડનીનું દાન મળ્યું

બે કિડની તેમજ એક લીવરને સીવીલ મેડીસીટી કેમ્પસની કિડની હોસ્પિટલમાં જરૂરિયાતમંદ દર્દીમાં પ્રત્યારોપણ કરવામાં આવશે

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં નવા વર્ષમાં વધુ એક અંગદાન થયું છે. સિવિલ હોસ્પિટલમાં થયેલા આ 172માં ગુપ્ત અંગદાનની વાત કરીએ તો તારીખ 6 નવેમ્બરના રોજ દર્દીને અકસ્માત થતા માથાની ઇજાના કારણે સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરાયા હતા. ‌

આધેડ વયના વ્યક્તિને સારવાર દરમિયાન સિવિલ હોસ્પિટલના ડોક્ટરોએ તારીખ 8 નવેમ્બરના રોજ બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ સિવિલ હોસ્પિટલના ડોક્ટરો તેમજ જાણીતા સ્કીન સ્પેશ્યાલિસ્ટ રેખાબેન સોલંકી નાં પ્રયાસોથી દર્દીના પરીવારજનો અંગદાન કરવા સંમત થયા હતા. આ અંગદાનથી સિવિલ હોસ્પિટલને એક લીવર તેમજ બે કીડનીનું દાન મળ્યું છે.

સિવિલ સુપ્રીન્ટેન્ડન્ટ ડો રાકેશ જોષીએ જણાવ્યું હતું કે દિલ્હી ખાતે પાંચ નવેમ્બરના રોજ યોજાયેલ 16માં FICCI એવોર્ડ સમારંભ માં ઓર્ગન ડોનેશનમા ઉત્કૃષ્ટ કામગીરી બદલ સિવિલ હોસ્પિટલ અમદાવાદને નામાંકીત ક્રિકેટર કપીલદેવનાં હસ્તે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. જે સિવિલ હોસ્પિટલ તેમજ રાજયના આરોગ્ય વિભાગ માટે ખુબ ગૌરવની વાત છે.

આ અંગદાન થકી સિવિલ હોસ્પિટલ દ્વારા અત્યાર સુધીમાં કુલ 558 અંગોનું દાન મળેલ છે. જેના થકી 540 વ્યકિતઓને જીવનદાન મળ્યુ છે. આ અંગદાનથી દાનમાં મળેલ બે કિડની તેમજ એક લીવરને સીવીલ મેડીસીટી કેમ્પસની કિડની હોસ્પિટલમાં જરૂરિયાતમંદ દર્દીમાં પ્રત્યારોપણ કરવામાં આવશે. 

 અત્રે ઉલ્લેખનીય છે, સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં 310 કિડની, લીવર -149, 52 હ્રદય ,30 ફેફસા , 9 સ્વાદુપિંડ , બે નાના આંતરડા , પાંચ સ્કીન અને 115 આંખોનું દાન મળ્યું છે.

(6:01 PM IST)