<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 12th November 2024

આવનારી પેઢી માટે પાણી સંરક્ષણએ આપણી નૈતિક જવાબદારી છે - ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખ

પાણીનો કરકસર અને વિવેકપૂર્ણ ઉપયોગ કરવા નગરજનોને અનુરોધ કરતા નાંદોદના ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખ: રાજપીપળાની શ્રી અંબુભાઈ પુરાણી હાઈસ્કુલથી જકાતનાકા સુધીની દોડમાં ૫૦૦ થી વધુ નાગરિકો જોડાયા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:એસ્પિરેશનલ નર્મદા જિલ્લામાં જલ ઉત્સવ અભિયાન અંતર્ગત રવિવારના રોજ નાંદોદના ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખની પ્રેરક ઉપસ્થિતિમાં જલ ઉત્સવ રન “દોડ” નું આયોજન કરાયું હતું. શ્રી અંબુભાઈ પુરાણી હાઈસ્કુલ રાજપીપલાથી પ્રારંભાયેલી આ દોડને ધારાસભ્ય ડો. દેશમુખ તેમજ નિવાસી અધિક કલેક્ટર સી. કે. ઉંધાડ અને વાસ્મોના કાર્યપાલક ઇજનેર વિનોદ પટેલ સહિતના અધિકારીઓએ લીલીઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું.

આ પ્રસંગે ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખે જણાવ્યું કે, આવનારા સમયમાં જલસંકટની સ્થિતિ સર્જાય તે પહેલા જલસંચય અંગે લોકોમાં જાગૃતતા લાવવાના ઉમદા આશય સાથે સરકાર દ્વારા આ મહત્વપૂર્ણ અભિયાન પ્રારંભાયો છે. જલ એ જ જીવન છે. પશુ-પક્ષી સહિત માનવજીવન માટે પાણી અમૃત સમાન છે. પાણી બચાવવાની જવાબદારી સરકારની સાથે પ્રત્યેક નાગરિકની પણ બને છે. સરકાર અને સમાજના સહિયારા પ્રયત્નો થકી આવનારી પેઢી માટે પાણી બચાવવાના પ્રયત્નો કરવી એ આપણી સૌની જવાબદારી છે.
  જલ ઉત્સવ અભિયાન અંતર્ગત દોડમાં સહભાગી થનાર સૌએ દોડ પૂર્ણ થયે "અવિરલ - નિર્મલ - વત્સલ જળ" વિશે જનજાગૃતિ ફેલાવવા માટેની સામુહિક શપથ લીધી હતી. નોંધનીય છે કે, પાણી સંરક્ષણનો સંદેશો આપતી આ દોડ શ્રી અંબુભાઈ પુરાણી હાઈસ્કુલ રાજપીપલાથી થઈને ભૂત ચોકડી પહોંચી હતી અને જકાતનાકા સરકિટ હાઉસ ખાતે આ દોડ પૂર્ણ થઈ હતી.
  આ દોડમાં આર.સી.એચ.ઓ. મુકેશભાઈ પટેલ, જિલ્લા રમત વિકાસ અધિકારી વિષ્ણુભાઈ વસાવા સહિત વહીવટી તંત્રના અધિકારીઓ-કર્મચારીઓ, પોલીસ વિભાગના વિવિધ શાખાના જવાનો, યુવાનો, મહિલા-બાળકો સહિત અંદાજિત ૫૦૦ થી વધુ નાગરિકોએ મોટી સંખ્યામાં પોતાની ઉત્સાહભેર ભાગીદારી નોંધાવી હતી.

(1:23 AM IST)