<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 13th November 2024

વાવ પેટાચૂંટણી : બપોર સુધીમાં અંદાજે ૫૦ ટકા મતદાન : મતદારોમાં ભારે ઉત્‍સાહ

૧૯૨ મતદાન કેન્‍દ્રો પર પોલિંગ સ્‍ટેશન

 

વાવ, તા.૧૩: વાવ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે આજે ૧૯૨ મતદાન મથક કેન્‍દ્રો પર મતદાન ચાલુ છે. વહેલી સવારેથી જ મતદાન કેન્‍દ્ર પર લાંબી લાંબી લાઈનો જોવા મળી હતી. મતદારોમાં અનેરો ઉત્‍સાહ જોવા મળી રહ્યો છે. વાવ વિધાનસભા મતદાર વિભાગ માટે ભરાયેલા ૨૧ ઉમેદવારો પૈકી ચકાસણી અને ફોર્મ પાછા ખેંચાવાની પ્રક્રિયા બાદ કુલ દસ ઉમેદવારો વચ્‍ચે યોજાનાર ચૂંટણીમાં ૩.૧૦ લાખ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. બપોર સુધીમાં અંદાજે ૫૦ થી ૫૫ ટકા મતદાન થયું છે.

વાવ વિધાન સભાની પેટા ચૂંટણીમાં બને ઉમેદવારો મોરીખા ગામે પહોંચ્‍યા. ભાજપના સ્‍વરૂપજી ઠાકોર અને કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત મોરીખા પહોંચ્‍યા. ભાજપ ઉમેદવાર સ્‍વરૂપજી ઠાકોરે કોંગ્રેસ ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતને હાથ મિલાવવા હાથ લાંબાવ્‍યો પણ કોંગ્રેસ ઉમેદવારે હાથ ન મિલાવ્‍યો. બને ઉમેદવારોએ સામ સામે હાથ જોડી રામ રામ કર્યા. ગુલાબસિંહ બોલ્‍યા ગુલાબ ખીલશે કહી હરખાતા નજરે પડ્‍યા. તેમણે કહ્યું કે ત્રીજી વખત વાવમાં હેટ્રિક થશે. વાવના ભાખરી ગામે EVM ખોટકાયું હતું જેમાં ૧૪૦ મત પડ્‍યા હતા. તેને હવે સીલ મારીને નવું ઈવીએમ મશીન મૂકવામાં આવ્‍યું છે. વાવના ભાખરી મતદાન મથક-૧ નું EVM ખોટકાયું હતું.  વહેલી સવારથી જ EVM ખોટવાતા મતદારોમાં આક્રોશ જોવા મળ્‍યો હતો.

આ ચૂંટણીમાં ભાજપ તરફથી સ્‍વરૂપજી ઠાકોર, કોંગ્રેસમાંથી ગુલાબસિંહ રાજપૂત અને ભાજપના બળવાખોર ઉમેદવાર માવજી પટેલે ઝંપલાવ્‍યુ છે. તીવ્ર રસાકસી ભરી આ ચૂંટણીમાં ઠાકોર, ચૌધરી, ક્ષત્રિય અને દલિત સમાજના મતદારો નિર્ણાયક સાબિત થશે. ભાજપના પ્રદેશ નેતાઓ અને આખી સરકારે પોતાની પ્રતિષ્ઠા દાવ પર લગાવી છે. મતદાન મથકો ખાતે કુલ ૧,૪૧૨ જેટલા અધિકારી/કર્મચારીઓ ફરજ બજાવશે. વાવ વિધાનસભાની ચૂંટણીમાં ૧,૬૧,૨૯૬ પુરૂષ, ૧,૪૯,૪૭૮સ્ત્રી અને ૦૧ થર્ડ જેન્‍ડર મળી કુલ ૩,૧૦,૭૭૫ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે. ૨૩ નવેમ્‍બરના રોજ મતગણતરી બાદ પરિણામની જાહેરાત કરવામાં આવશે.

વાવ પેટાચૂંટણીના મતદાનને લઈને ચુસ્‍ત પોલીસ બંદોબસ્‍ત ગોઠવવામાં આવ્‍યો છે. સંવેદનશીલ મતદાન મથકો પર BSF અને પેરામિલિટરીની ટુકડી ગોઠવાઈ છે. જ્‍યારે પોલીસના અલગ અલગ રુટ પર પેટ્રોલિંગ પણ કરશે. દર ૪ થી ૫ ગામડા વચ્‍ચે એક પોલીસ મોબાઈલ રુટ રાખવામાં આવ્‍યો છે. ૪ પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાં DySP, PI અને PSI કક્ષાના અધિકારીઓ પણ હાજર રહેશે.બોર્ડર પર ૭ ચેકપોસ્‍ટ અને તમામ બોર્ડર પર પેરામિલિટરીની ૭ ટીમ તૈનાત કરવામાં આવી છે.

(3:54 PM IST)