<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 14th November 2024

MICAના વિદ્યાર્થીની હત્યા કેસઃ મલ્ટી ટ્રેસિંગ અને CCTVના આધારે કોન્સ્ટેબલ સુધી પહોંચી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ

ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બોપલ પોલીસની તપાસને કોઇપણ પ્રકારની અસર ન પહોંચી એ રીતે મલ્ટી ટ્રેસિંગ સિસ્ટમ અને સીસીટીવી ચેકિંગના અનુભવના આધારે પંજાબના સંગુદરથી ઝડપી પાડ્યો

અમદાવાદના બોપલમાં રવિવારની રાત્રે કાર ધીમે ચલાવવા બાબતે MICAના વિદ્યાર્થી દ્વારા ઠપકો આપવામાં આવ્યા બાદ કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ ઉશ્કેરાયો હતો અને છરીના ઘા ઝીંકી વિદ્યાર્થી પ્રિયાંશુ જૈનની હત્યા કરી હતી. બનાવ બાદ તે પંજાબ ભાગી ગયો હતો. જોકે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બોપલ પોલીસની તપાસને કોઇપણ પ્રકારની અસર ન પહોંચી એ રીતે મલ્ટી ટ્રેસિંગ સિસ્ટમ અને સીસીટીવી ચેકિંગના અનુભવના આધારે પંજાબના સંગુદરથી ઝડપી પાડ્યો હતો.

MICAના વિદ્યાર્થી પ્રિયાંશુ જૈનની હત્યા પૂર્વેના સીસીટીવી સામે આવ્યા છે. પાર્કિંગમાં પાર્ક કરેલું બુલેટ બહાર કાઢી મિત્ર સાથે બજતો પ્રિયાંશુ જૈન સીસીટીવીમાં જોવા મળ્યો હતો. એ જ ક્ષણે એક બ્લેક કલરની કાર આવે છે અને પૂરપાટ ઝડપે યૂ-ટર્ન લઇને પરત જતી જોવા મળી હતી. આ કારમાં વિરેન્દ્રસિંહ નામનો કોન્સ્ટેબલ હોવાનું સામે આવ્યું છે. સીસીટીવીમાં કારની મૂવમેન્ટ ચેક કરી કારનો નંબર મેળવવામાં આવ્યો હતો. ગાડી નંબર અને મોબાઇલના સીડીઆરના આધારે કોન્સ્ટેબલની હાજરી ઘટનાસ્થળ નજીક જોવા મળી હતી.

બોપલ હત્યા કેસને ઉકેલવા માટે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તેના સીસીટીવી તપાસવાના અનુભવની સાથે મલ્ટી ટ્રેકિંગ સિસ્ટમ અપનાવી હતી. ક્રાઇમ બ્રાન્ચે બનાવ સ્થળ અને તેની આસપાસના તમામ રસ્તાઓના સીસીટીવી ચકાસ્યા હતા. બોપલ આવવાના રસ્તાના સીસીટીવી પણ ચેક કર્યા હતા. સીસીટીવી ચેક કરતા એક શંકાસ્પદ હેરિયર જોવા મળી હતી. જ્યાંથી ક્રાઇમ બ્રાન્ચ વિરેન્દ્રસિંહની કાર સુધી અને ત્યારબાદ વિરેન્દ્રસિંહ જે કારમાં ભાગ્યો ત્યાં સુધી પહોંચી હતી. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ટાવર ડમ્પ ડેટા સહિતની મલ્ટી ટ્રેકિંગ સિસ્ટમનો ઉપયોગ કર્યો અને આરોપીને ઝડપવામાં સફળતા મળી હતી.

બોપલમાં MICAના વિદ્યાર્થી પ્રિયાંશુ જૈનની હત્યા કરનાર કાર ચાલકને ઝડપવા માટે બોપલ પોલીસ, એસઓજી, ગ્રામ્ય એલસીબી તેમજ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ તપાસમાં જોતરાઈ હતી. ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ દ્વારા એક કિ.મી. વિસ્તારના સીસીટીવી ચકાસવામાં આવ્યા હતા. જેમાં એક શંકાસ્પદ બ્લેક કલરની નંબર વગરની હેરિયર કાર દેખાઈ હતી. જોકે કાર અંગે કોઇ માહિતી મળી શકી ન હતી.

તપાસ માટે અલગ-અલગ ટીમો કામે લાગી હતી. જે દરમિયાન બોપલમાં એક વ્યક્તિ પાસેથી હેરિયર કાર મળી આવી હતી. જેની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, રવિવારે રાત્રીના સમયે વિરેન્દ્રસિંહ તેના ઘરે આવ્યા હતા અને સીક-લીવ પર હોવાથી પંજાબ-હરિયાણા ફરવા જતો હોવાનું જણાવ્યું હતું. તેમજ તેની કારમાં નમ્બર પ્લેટ ન હોવાથી મિત્રની કાર લઇને જતો રહ્યો હતો. તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતું કે, વિરેન્દ્રસિંહ સરખેજ પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે.

તપાસ દરમિયાન મહત્વની કડી હાથે લાગતા પોલીસે વિરેન્દ્રસિંહ જે કાર લઇને નીકળ્યો હતો. તેને ટ્રેસ કરવાનું શરૂ કર્યું હતું. હાઇવે પર ટોલનાકા પર ફાસ્ટ ટેગથી કપાતાના નાળાના મેસેજને ટ્રેસ કરતી વખતે જાણવા મળ્યું હતું કે, વિરેન્દ્રસિંહે રાજસ્થાનના અજમેર તથા અલવર થઇને પજાંબમાં પ્રવેશ કર્યો છે. આ વિગતો મળતા જ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ પંજાબ જવા રવાના થઇ હતી અને પંજાબના સંગુદર હાઇવે પર વિરેન્દ્રસિંહને કાર સાથે ઝડપી પાડ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં વિરેન્દ્રસિંહે કબુલાત કરી હતી કે પ્રિયાંશુએ ઠપકો આપ્યો હતો જેથી છરીના ઘા માર્યા હતા. જેમાં તેની હાલત ગંભીર હોવાનું જણાાતા બચવા માટે ભાગ્યો હતો. પ્રિયાંશુના મોતના સમાચાર પણ તેણે જાણ્યા હતા.

(1:04 PM IST)