News of Thursday, 14th November 2024
વૌઠામાં મેળાનો આરંભ થયાના ગણતરીના કલાકોમાં એન્ટ્રી ગેટ ધરાશાયી: એક મહિલા સહિત બેને ઈજા
મહિલાને માથાના ભાગે વધુ ઈજા પહોંચી હોય અમદાવાદ શહેરના અસારવા વિસ્તાર સ્થિત સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા

ધોળકા તાલુકાના વૌઠા ગામે સપ્ત નદીના સંગમ સ્થાને મેળાના બીજા દિવસે હજારોની સંખ્યામાં ગામેગામથી લોકો મેળો માણવા આવતા હોય છે. ત્યારે બુધવારે નમતી બપોરના સુમારે વૌઠાના મેળામાં જે એન્ટ્રી ગેટ બનાવવામાં આવ્યો હતો. તે ધરાશાયી થયો હતો અને એક મહિલા સહિત કુલ બે વ્યક્તિઓને ઈજા પહોંચી હતી.
આ બનાવની જાણ થતા જ પોલીસ સહિત 108ની ટીમ તુરત જ ઘટનાસ્થળે પહોંચી હતી. તેમજ બંને ઈજાગ્રસ્તોને તુરત જ નજીકના 2 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડાયા હતા. બંને ઈજાગ્રસ્તો પૈકી સરોજબેન ભરતભાઈ ઠાકોર(ઉ.વ.45, રહે. સઈજ, તા. ધોળકા, જિ. અમદાવાદ)ને માથાના ભાગે વધુ ઈજા પહોંચી હોય અમદાવાદ શહેરના અસારવા વિસ્તાર સ્થિત સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા.
મેળાના આરંભ સાથે માત્ર 24 કલાકમાં જ લોખંડનો પ્રવેશદ્વાર ભોંય ભેગો થતા કામગીરી તકલાદી થઈ હોવાનો અને તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની ચકાસણી નહીં થઈ હોવાનો ગણગણાટ જોવા મળ્યો હતો. એટલું જ નહીં ઘટના સમયે લોકોની અવરજવર ઓછી હોય જાનહાનિ ટળી હોવાનું જાણવા મળ્યું હતું
(1:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
