તા. ૩ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૩ સોમવાર
News of Thursday, 14th November 2024
વાવ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ, અપક્ષ ઉમેદવારોનું ભાવી ઇવીએમમાં કેદ
૭૪ ટકા મતદાન થયા બાદ હવે ર૩ મીએ પરિણામ જાહેર થશે જેના ઉપર સૌની નજર

(જયંતીભાઇ ઠકકર દ્વારા) પાટણ તા. ૧૪: વાવ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે તા. ૧૩ નવેમ્બર ર૦ર૪ના રોજ એટલે કે આજે ૧૯ર મતદાન મથક કેન્દ્રો પર મતદાન પૂર્ણ થયું હતું. સવારથી શરૂ થયેલું મતદાન સાંજે છ વાગ્યા સુધીમાં ૭૪ ટકા મતદાન થયું હતું.
પાલનપુર, જગાણા એન્જિનિયરિંગ કોલેજ ખાતે આગામી ર૩ નવેમ્બરના રોજ આ પેટા ચૂંટણીની મત ગણતરી થશે.
આ ચૂંટણીમાં ભાજપ તરફથી સ્વરૂપજી ઠાકોર, કોંગ્રેસમાંથી ગુલાબસિંહ રાજપૂત અને ભાજપના બળવાખોર ઉમેદવાર માવજી પટેલે ઝંપલાવ્યું છે. તીવ્ર રસાકસી ભરી આ ચૂંટણીમાં ઠાકોર, ચૌધરી, ક્ષત્રિય અને દલિત સમાજના મતદારો નિર્ણાયક સાબિત થશે. ભાજપના પ્રદેશ નેતાઓ અને આખી સરકારે પોતાની પ્રતિષ્ઠા દાવ પર લગાવી છે.
વાવ વિધાનસભા પેટા ચૂંટણીના ભાજપ-કોંગ્રેસના ઉમેદવારો સ્વરૂપજી ઠાકોર અને ગુલાબસિંહ રાજપૂત મોરીખા ગામમાં પહોંચ્યા હતા. ભાજપ ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરે કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતને હાથ મિલાવવા હાથ લંબાવ્યો પણ કોંગ્રેસના ઉમેદવારે હાથ મિલાવ્યો ન હતો. બન્ને સામસામે હાથ જોડી રામ રામ કર્યા હતા. ગુલાબસિંહ ગુલાબ ખીલશે કહીને હરખાતા નજરે પડયા હતા તેમજ કહ્યું હતું કે ત્રીજી વખત વાવમાં કોંગ્રેસની હેટ્રિક થશે.
વાવ વિધાનસભા વિસ્તારમાં જિલ્લા ચૂંટણી વિભાગ તરફતથી વાવ પોલીસ સ્ટેશન પ્રાથમિક શાળા ખાતે બુથ નં. ૭ ને આદર્શ મતદાન મથક તરીકે ઉભું કરાયું હતું. જેનું જિલ્લા ચુંટણી અધિકારી મિહિર પટેલેમુલાકાત લઇ નિરીક્ષણ કર્યું હતું.
વાવ વિધાનસભા બેઠક પર ત્રિપાંખિયો જંગ ખેલાતાં તમામ ઉમેદવારો તેમના મતદારોને મતદાન કરવા હાકલ કરતાં વહેલી સવારથી જ મહિલા પુરૂષમાં યુવાનો સહિત વૃધ્ધોએ ભારે ઉમળકાભેર મતદાન કર્યું હતું.
અપક્ષ કોને ફાયદો કરાવશે કે પછી...?
ર૦રર વિધાનસભાની ચુંટણીમાં ભાજપ ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર વાવ બેઠક પરથી અને કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતને થરાદ બેઠક પરથી ટીકીટ આપવામાં આવી હતી જોકે બન્ને ઉમેદવારોને હાર સ્વિકારવી પડી હતી. ત્યારે અત્યારની ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ ખેલાયો હોવાથી અપક્ષ બન્ને ઉમેદવારોમાંથી કોને ફાયદો કરાવે છે કે પછી બાજી મારી જશે તેવા અનેક સમીકરણો સર્જાઇ રહ્યા છે.
૮પ વર્ષિય ઓખીબેને મતદાન કર્યું
વાવ ખાતે આદર્શ મતદાન મથકની બપોર બાદ મતદાન આપણો અધિકાર માનીને ૮પ વર્ષિય ઓખીબેન પાઇપની વોકરના ટેકાના સહારે મતદાન કરવા આવ્યા હતા.
અપક્ષ, કોંગ્રેસના ઉમેદવાર મતદાનથી વંચિત
કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતનું અને અપક્ષના ઉમેદવાર માવજી પટેલનું મતદાન થરાદ ખાતે હોવાથી તેઓ પોતાની જ ચુંટણીમાં મતદાનથી વંચીત રહ્યા હતા. જો કે ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરે તેમના ગામ બિયોકથી મતદાન કર્યું હતું. તો સાંસદ ગેનીબેન ઠાકોરે પણ મતદાન કર્યું હતું.
(3:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
