<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 14th November 2024

MICAના વિદ્યાર્થીની હત્યાની ઘટનાનું રિકન્સ્ટ્રક્શન :હત્યારા કૉન્સ્ટેબલને દોરડાથી બાંધી બોપલમાં લાવતા જ રડી પડ્યો

રિકન્સ્ટ્રક્શનની કામગીરી દરમિયાન હત્યારો વિરેન્દ્ર પોતાના ગુના બદલ અફસોસ વ્યક્ત કરતો હોય તેમ સતત રડી રહ્યો હતો.

અમદાવાદ :શહેરના બોપલ વિસ્તારમાં MICAના વિદ્યાર્થીની નજીવી બાબતે ઠંડાકલેજે હત્યા નીપજાવીને ભાગી છૂટેલા પોલીસ કૉન્સ્ટેબલને પંજાબથી ઝડપી લેવામાં આવ્યો હતો. જે બાદ હત્યારાને ઘટના સ્થળે લાવીને પોલીસ દ્વારા રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતુ.

ગત 10 નવેમ્બરના રોજ રાતે 10:30ની આસપાસ અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલા સન સાઉથ સ્ટ્રીટ કોમ્પલેક્ષથી રેન ફોરેસ્ટ ચાર રસ્તા તરફ વળાંક પાસે બુલેટ પર બે વિદ્યાર્થીઓ જઈ રહ્યા હતા. આ સમયે કારના ચાલક સાથે ગાડી પૂર ઝડપે તથા જોખમી રીતે ચલાવવા બાબતે 'ઇતની જોર સે ક્યો ગાડી ચલા રહે હો ?' તેમ કહ્યું હતુ.

 

જેથી કારના ડ્રાઈવરે વિદ્યાર્થીઓ સાથે ઝઘડો કર્યો હતો. આ દરમિયાન MICA વિદ્યાર્થી પ્રિયાંશુને પીઠના ભાગે છરીના ઘા મારી તેની હત્યા કરી દીધી હતી. આ મામલે બોપલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો.

આ ગુનાના આરોપીને શોધવા માટે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની અલગ-અલગ ટીમો તેમજ ગ્રામ્ય LCB, SOG સહિતની 13 ટીમોએ ગુનાના સ્થળની આસપાસના 300 જેટલા CCTV ફૂટેજ તપાસ્યા હતા. જેમાં કાળા કલરની કાર શંકાસ્પદ જણાતા તેના ચાલકની કુંડળી કાઢવામાં આવી હતી. જેમાં કાર ચાલક અગાઉ ખૂનના ગુનામાં સંડોવાયેલો હોવાનું માલૂમ પડ્યું હતુ.

આ ઉપરાંત ફરિયાદી વર્ણન મુજબ તૈયાર કરવામાં આવેલો સ્કેચ પણ મદદરૂપ થયો હતો. જેમાં આરોપીની ઓળખ સરખેજ પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા વિરેન્દ્રસિંહ પઢેરિયા (ઉ.વ. 37)( રહે. સાઉથ બોપલ, અમદાવાદ) તરીકે થઈ હતી. જે ગુનો આચર્યા બાદ પંજાબ ખાતે ભાગી હયો હોવાનું માલૂમ પડતા ક્રાઈમ બ્રાન્ચની એક ટીમે પંજાબના સંગરુરથી વિરેન્દ્રસિંહને ઝડપી પાડ્યો હતો.

આજે પોલીસ દ્વારા હત્યારા કોન્સ્ટેબલને દોરડાથી બાંધીને બનાવના સ્થળે બોપલ ખાતે લાવવામાં આવ્યો હતો. જ્યાં સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતુ. આ રિકન્સ્ટ્રક્શનની કામગીરી દરમિયાન હત્યારો વિરેન્દ્ર પોતાના ગુના બદલ અફસોસ વ્યક્ત કરતો હોય તેમ સતત રડી રહ્યો હતો.

(11:34 PM IST)