તા. ૩ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૩ સોમવાર
News of Thursday, 14th November 2024
ન્યાયની માગ સાથે બોરીસણાના ગ્રામજનોનો હાઈવે પર ચક્કાજામ: રોડ પર બેસીને છાજીયા કૂટી વિરોધ નોંધાવ્યો
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના સંચાલકો સામે વધુ એક ગુનો દાખલ કરવાની તેમજ જવાબદાર સામે ઝડપથી પગલા લેવાની માંગ

અમદાવાદના એસ.જી. હાઈવે પર આવેલી ખ્યાતિ હોસ્પિટલના સંચાલકો સામે વધુ એક ગુનો દાખલ કરવાની તેમજ જવાબદાર સામે ઝડપથી પગલા લેવાની માંગ સાથે બોરીસણા ગામના ગ્રામજનોનો આક્રોશ ચરમ પર પહોંચી ચૂક્યો છે.ગ્રામજનો દ્વારા બોરીસણા ગામમાંથી પસાર થતા હાઈવે પર ચક્કાજામ કરીને પોતાનો વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલે મહેસાણા જિલ્લાના કડી તાલુકાના બોરીસણા ગામે ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કર્યું હતુ. જેમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY)ના રૂપિયા પડાવવા માટે દર્દીને જરૂર ના હોવા છતાં તેમની એન્જીયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. જેના કારણે બે દર્દીઓના મોત નીપજ્યા હતા.
આ ઘટના બાદ રોષે ભરાયેલા ગ્રામજનોએ અમદાવાદ આવી ખ્યાતિ હોસ્પિટલમાં તોડફોડ કરી હતી. જે બાદ સમગ્ર કૌભાંડ સામે આવ્યું હતુ. આ મામલે સરકારે કાર્યવાહી કરીને ખ્યાતિ હોસ્પિટલને PMJAY માટે બ્લેક લિસ્ટ કરી દીધી છે. આટલું જ નહીં, હોસ્પિટલના ડૉક્ટર અને ડિરેક્ટર સહિત 5 લોકો સામે ફરિયાદ પણ દાખલ થઈ છે.
આમ છતાં રોષે ભરાયેલા બોરીસણા ગામના ગ્રામજનોએ જવાબદાર સામે ઝડપથી કાર્યવાહી કરવા અને વધુ એક ગુનો દાખલ કરવાની માંગ સાથે આજે હાઈવે પર ચક્કાજામ કર્યો હતો.
ગ્રામજનોની ફરિયાદ છે કે, ખ્યાતિ હોસ્પિટલના તબીબો દ્વારા સારવાર કરવામાં આવેલા હજુ પણ કેટલાક દર્દીઓની હાલત નાજુક છે. બીજી કોઈ હોસ્પિટલ તેમને દાખલ નથી કરી રહી. આથી દર્દીઓને સઘન સારવાર મળે અને મૃતકોના પરિવારને ન્યાય મળે તે માટે અમારે રોડ બ્લોક કરવાની ફરજ પડી રહી છે.
ગ્રામજનોએ હાઈવે પર ચક્કાજામ કરતા રોડની બન્ને તરફ વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. આ સાથે ગામના સ્ત્રી-પુરુષોએ જાહેર રોડ પર છાજીયા કૂટીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો.
(11:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
