તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Friday, 15th November 2024
હરિભકતોમાં સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા સંસ્કારોનું સિંચનઃ સી.આર. પાટીલ
વડતાલધામમાં દ્વિ-શતાબ્દી મહોત્સવનો આજે વિરામ : સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજના આર્શિવાદ સાથે સ્વામિનારાયણ સંપ્રદાય વ્યસન ડામવા કટીબધ્ધઃ હર્ષ સંઘવી

રાજકોટ તા.૧૫: વડતાલ મધ્યે શ્રી લક્ષ્મીનારાયણદેવ દ્વિશતાબ્દી મહોત્સવની ઐતિહાસિક ઉજવણી થઈ રહી છે ત્યારે આ ભવ્યાતીત મહોત્સવના સાતમા દિવસે ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ તેમજ જળ શક્તિ વિભાગના મંત્રી શ્રી સી.આર. પાટીલ અને આઠમા દિવસે ગુજરાત રાજ્યના ગળહમંત્રી હર્ષભાઈ સંઘવી રાજદ્વારી મહેમાન બની પધાર્યા હતા. સાંજના સત્રમાં આમંત્રણને માન આપી ખાસ હાજરી આપી મહોત્સવમાં સહભાગી થઇ અને આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ તેમજ વકતા નિત્યસ્વરૂપદાસજી સ્વામીશ્રી આદીક વડિલ સંતોના આર્શિવાદ મેળવ્યા હતા ત્યારે પૂર્વ મંત્રી દેવુસિંહ ચૌહાણ, મુખ્ય નાયબ દંડક કૌશીકભાઈ વેકરીયા, ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ, જનકભાઇ તળાવીયા, ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ ભરતભાઈ બોઘરા, ગુજરાત પ્રદેશ ભાજપ અગ્રણી ચેતનભાઈ રામાણી વિગેરે મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા. આજે આ મહોત્સવનો વિરામ થયો છે.
સી.આર.પાટીલે હરિભક્તોને સંબોધતા કહ્યુ કે, કોઈ પણ સંપ્રદાયની વાત આવે ત્યારે કેટલાક લોકો પોતાને નાસ્તિક ગણાવવામા ધન્ય સમજતા હોય છે અને વિશેષ કરીને જયારે તેઓ મુશ્કેલીમાં હોય, કુદરત તરફથી તેઓ આપદામા હોય અને જ્યારે એને સારો રસ્તો ભગવાન દેખાડે છે ત્યાર પછીથી તેઓ આસ્તીક થવા લાગે છે પણ સ્વામીનારાયણ સંપ્રદાય દેશ-વિદેશમાં સર્વત્ર રીતે ફેલાયેલો સંપ્રદાય છે. હું જ્યારે લંડન મંદિરે ગયો ત્યારે આપણા ગુજરાતના લગભગ ૫૦૦૦ લોકો સભામાં ઉપસ્થિત હતા અને નવાઈ એ લાગી કે સર્વ રીતે સુખી સંપન્ન હોવા છતા તેઓ સ્વયં સેવક તરીકે કામ કરી પોતાની નૈતિક ફરજ અદા કરી સંપ્રદાયની સમળદ્ધિ માટે કામ કરે છે તેમજ નાનપણથી જ બાળકો, યુવાનો, મહિલાઓ સર્વેની અંદર સંસ્કાર સીંચનોનુ કામ સંપ્રદાયની અંદર થાય છે અને એના પરીણામ સામાજીક તેમજ આધ્યાત્મિક ક્ષેત્રે જોવા મળે છે.
ધર્મનો સંદેશ ખૂબ મહત્વનો હોય છે જ્યારે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખપદે છુ ત્યારે ધર્મને માનતા કાર્યકરોને બિરદાવુ છુ કેમ કે ધર્મમાં માનતા કાર્યકરો અનિતીથી કયારેય ન ચાલે અને એના કારણે સમાજમા નુકસાન નથી થતુ. તેમજ અંતમાં જળ શક્તિ મંત્રાલય દ્વારા થતા કાર્યોને હરિભક્તો સમક્ષ મુકી મદદરૂપ થવા આહવાન કર્યું હતુ.
હર્ષભાઈ સંઘવીએ હરિભક્તોને સંબોધતા કહ્યું કે, આ નવ દિવસના મહોત્સવમાં દરરોજ લાખોની સંખ્યામાં ભક્તો આવી રહ્યા છે. ત્યારે આ સંસ્થા દ્વારા જે વ્યવસ્થા કરવામાં આવી છે, રહેવા જમવાથી લઈ ર્પાકિંગ સુધીના તમામ પ્રકારનું આયોજન ખુબજ સુંદર છે. આ ૨૦૦ વર્ષના ઐતિહાસિક પળના આયોજનનો હું સાક્ષી બન્યો એ મારુ સૌભાગ્ય છે. સમાજને વ્યસન મુક્ત કરવા હાકલ કરતાં તેમણે કહ્યું કે, આ સંસ્થા દ્વારા વ્યસન મુક્તિની અનેક પ્રવળત્તિ કરાઈ રહી છે. વધુમાં તેમણે કહ્યું કે, સાળંગપર હનુમાનજીના આર્શીવાદ સાથે ગદા લઈને અમે ડ્રગ્સ સામે લડી રહ્યા છે અને દાદાના આર્શીવાદ સદાય સાથે છે. સંપ્રદાયના અનુયાયીઓને રાષ્ટ્રની દેશ ભક્તિ સાથે જોડાવવા હાકલ કરી છે.
દરરોજ ૪ લાખ લોકો ભોજન લેતા હોય ત્યારે આ દિવ્ય મહોત્સવમાં શાકોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે. જેમાં ૫૦૦૦ થી વધુ બહેનો સવારથી રોટલા બનાવવાની કામગીરીમાં જોતરાઈ હતી. આ ઉપરાંત શાક સુધારવાની કામગીરી પણ કરી હતી. જે બાદ સાંજે ભવ્ય શાકોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. તેમ ડો. સાધુ સંતવલ્લભદાસજી મુખ્ય કોઠારી, વડતાલ ટેમ્પલ બોર્ડ વતી ચેતનભાઈ રામાણીની યાદીમાં જણાવ્યું હતું.
(12:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
