<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 15th November 2024

બોપલ વિદ્યાર્થી હત્યા કેસ : હત્યારા પોલીસ કૉન્સ્ટેબલના 10 દિવસના રિમાન્ડ મંજુર

પોલીસે આરોપી તપાસમાં સહકાર આપતો ના હોવાથી 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી

અમદાવાદ :શહેરના બોપલ વિસ્તારમાં કાર ધીમી ચલાવવા જેવી નજીવી બાબતે MICAના વિદ્યાર્થીની છરીના ઉપરાછાપરી ઘા ઝીંકીને હત્યા કરનાર પૉલીસ કોન્સ્ટેબલને આજે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જ્યાં જેના 10 દિવસ સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.

પોલીસ દ્વારા આરોપી તપાસમાં સહકાર આપતો ના હોવાથી 14 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. આ મામલે સરકારી વકીલે દલીલ કરી હતી કે, આરોપી હત્યાને અંજામ આપ્યા બાદ ભાગી છૂટ્યો હતો. જે બાદ બે દિવસે પંજાબથી પકડવામાં આવ્યો છે. આરોપી પોલીસ કોન્સ્ટેબલ હોવાથી કાયદાનો જાણકાર હોવાથી તપાસમાં પુરતો સહકાર નથી આપી રહ્યો.

ભૂતકાળમાં 2017માં પણ આરોપી વિરુદ્ધ ગુનો નોંધાઈ ચૂક્યો છે. હજુ સુધી આરોપીએ વિદ્યાર્થીને મારવા માટે ઉપયોગમાં લીધેલ છરી કબજે કરવાની બાકી છે. આથી 14 દિવસના રિમાન્ડ આપવામાં આવે. જો કે કોર્ટ દ્વારા આગામી 25 નવેમ્બર બપોરે 3 વાગ્યા સુધી એટલે કે 10 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.

જણાવી દઈએ કે, આરોપીને પંજાબથી પકડી લાવીને ગઈકાલે ઘટના સ્થળે લઈ જઈને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતુ. આ માટે આરોપીને દોરડાથી બાંધીને હત્યાવાળી જગ્યાએ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તેણે પોતાના ગુના બદલ અફસોસ વ્યક્ત કરતો હોય તેમ સતત રડતો હતો.

ઉલ્લેખનીય છે કે, ગત 10 નવેમ્બરના રોજ રાતે 10:30ની આસપાસ અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલા સન સાઉથ સ્ટ્રીટ કોમ્પલેક્ષથી રેન ફોરેસ્ટ ચાર રસ્તા તરફ વળાંક પાસે બુલેટ પર બે વિદ્યાર્થીઓ જઈ રહ્યા હતા. આ સમયે કારના ચાલક સાથે ગાડી પૂર ઝડપે તથા જોખમી રીતે ચલાવવા બાબતે 'ઇતની જોર સે ક્યો ગાડી ચલા રહે હો ?' તેમ કહ્યું હતુ.

જેથી કારના ડ્રાઈવરે વિદ્યાર્થીઓ સાથે ઝઘડો કર્યો હતો. આ દરમિયાન MICA વિદ્યાર્થી પ્રિયાંશુને પીઠના ભાગે છરીના ઘા મારી તેની હત્યા કરી દીધી હતી. આ મામલે બોપલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો.

આ ગુનાના આરોપીને શોધવા માટે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની અલગ-અલગ ટીમો તેમજ ગ્રામ્ય LCB, SOG સહિતની 13 ટીમોએ ગુનાના સ્થળની આસપાસના 300 જેટલા CCTV ફૂટેજ તપાસ્યા હતા. જેમાં કાળા કલરની કાર શંકાસ્પદ જણાતા તેના ચાલકની કુંડળી કાઢવામાં આવી હતી. જેમાં કાર ચાલક અગાઉ ખૂનના ગુનામાં સંડોવાયેલો હોવાનું માલૂમ પડ્યું હતુ.

આ ઉપરાંત ફરિયાદી વર્ણન મુજબ તૈયાર કરવામાં આવેલો સ્કેચ પણ મદદરૂપ થયો હતો. જેમાં આરોપીની ઓળખ સરખેજ પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા વિરેન્દ્રસિંહ પઢેરિયા (ઉ.વ. 37, રહે. સાઉથ બોપલ, અમદાવાદ) તરીકે થઈ હતી. જે ગુનો આચર્યા બાદ પંજાબ ખાતે ભાગી હયો હોવાનું માલૂમ પડતા ક્રાઈમ બ્રાન્ચની એક ટીમે પંજાબના સંગરુરથી વિરેન્દ્રસિંહને ઝડપી પાડ્યો હતો.

(11:22 PM IST)