<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 16th November 2024

રાજ્યકક્ષાના મંત્રી ભીખુસિંહ પરમારના અધ્યક્ષતામાં રાજપીપળા ખાતે જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી કરાઈ

૨૫ વર્ષની ઉંમરે ભગવાન નામે ખ્યાતિ પામ્યા એવા બિરસા મુંડાએ, આદીવાસી લોકોને જાગૃત કરી અંગ્રેજો સામે લડવા માટે પ્રેરિત કર્યા- ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખ

(ભરત શાહ દ્વારા)રાજપીપળા:રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રી અને નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી ભીખુસિંહ પરમારના અધ્યક્ષતામાં જનજાતિય ગૌરવ દિવસ ઉજવણી, PM -JANMAN અને DA-JGUA નાં કાર્યક્રમ રાજપીપલાના સરદાર ટાઉનહોલ ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો.


આદિવાસીઓના ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે જનજાતિય ગૌરવ દિવસ ઉજવણી અને પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહા અભિયાન (પીએમ-જનમન) ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન અન્વયે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા જનજાતિય લાભાર્થીઓ સાથે સંવાદ કાર્યક્રમને પ્રાધાન્ય આપી આ અભિયાનની ઉજવણી કરવામાં આવી હતી.

રાજ્યકક્ષાના મંત્રી ભીખુસિંહ પરમારે જણાવ્યું હતું કે, આજે તૃતિય પ્રસંગો ભેગા થયા છે. બિરસા મુંડા જન્મ જયંતી, દેવ દિવાળી અને ગુરુ નાનકજી જન્મ જયંતી છે. ત્યારે ભગવાન બિરસા મુંડાની ૧૫૦ જન્મ જયંતી નિમિત્તે જનજાતિ ગૌરવ દિવસ ઉજવણી અંતર્ગત ગુજરાતના અન્ય ૧૦ જિલ્લાઓ અને ભારતના કુલ ૧૬ જિલ્લા ઓમાં ઉજવણી કરવામાં આવી છે. વડાપ્રધાન  નરેન્દ્ર ભાઈ મોદીએ ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતિ ને જનજાતિય ગૌરવ દિવસ તરીકે ઉજવવાની પરંપરા શરૂ કરાવીને સમગ્ર આદિવાસી સમુદાયને ગૌરવ અપાવ્યુ છે.

નાંદોદ ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખે જણાવ્યું કે, ૨૫ વર્ષની ઉંમરે ભગવાન નામે ખ્યાતિ પામ્યા એવા બિરસા મુંડાએ, આદીવાસી લોકોને જાગૃત કરીને અંગ્રેજો સામે લડવા માટે પ્રેરિત કર્યા અને અંગ્રેજોને ભારતમાંથી બહાર કાઢવા માટે અનેક લડતો લડીને પોતાના જીવનનું બલિદાન આપ્યુ હતુ. જેમના નામને ઇતિહાસમાં પ્રાધાન્ય આપવાનું કામ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા કરવામાં આવ્યું છે.
વધુમાં જણાવ્યું કે, નર્મદા જિલ્લામાં બિરસા મુંડા યુનિવર્સિટી ટૂંક સમયમાં ચાલુ કરવામાં આવી રહી છે. જ્યાં સ્થાનિક યુવાઓ, વતનમાં શિક્ષણનો લાભ મેળવી શકશે. તદ્-ઉપરાંત ટ્રાઈબલ મ્યુઝિયમની સ્થાપના કરવામાં આવી રહી છે. જેનો મુખ્ય ઉદ્દેશ આદિવાસી અસ્મિતા અને ઓળખને ટકાવી રાખવા માટે ખાસ મ્યુઝિયમ બનશે.  
આદિવાસીઓના ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના અધ્યક્ષતામાં બિહારના જમુઈ ખાતે યોજાયેલ ‘પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહા અભિયાન- પી.એમ.જનમન’ અભિયાન કાર્યક્રમ જીવંત પ્રસારણને સૌએ નિહાળ્યો હતો.

મંચસ્થ મહાનુભાવોનાં હસ્તે સરકારની વિવિધ યોજનાઓનાં લાભાર્થીઓને લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં નાંદોદ પ્રાંત અધિકારી કિશનદાસ ગઢવી સ્વાગત કરી સૌને આવકાર્યા હતાં.
 
કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ ભીમસિંહભાઈ તડવી, જિલ્લા કલેકટર એસ.કે. મોદી, પ્રાયોજના વહીવટદાર હનુલ ચૌધરી, જિલ્લા પંચાયતના પૂર્વ જિલ્લા પંચયતના પ્રમુખ પર્યુષાબેન વસાવા અને શંકરભાઈ વસાવા, નગરપાલિકા પ્રમુખ ધર્મિષ્ઠાબેન પટેલ, આદિજાતી વિકાસના માજીમંત્રી શંબ્દશરણ તડવી, તાલુકા પંચાયતના પ્રમુખ વનિતાબેન વસાવા, માકતાભાઈ વસાવા, સંજયભાઈ વસાવા, તેમજ જિલ્લા-તાલુકાના પદાધિકારીઓ-અધિકારીઓ તથા લાભાર્થીઓ સહિત મોટી સંખ્યામાં ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યાં હતા

(1:10 AM IST)