<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 16th November 2024

વડોદરામાં માત્ર પાંચ મહિના પહેલા જ તપન શાહે ખરીદેલ દોઢ કરોડની લેન્ડ રોવરની ડિફેન્ડર કાર ભીષણ આગની લપેટમાં આવી જતા ભસ્મીભૂત

શોક સર્કિટથી આગ લાગી કે કોઈ વ્યક્તિએ સોસાયટીમાં અટકચાળો કર્યો તે અંગે પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ : આટલા રૂપિયા ચુકવ્યા બાદ પણ સુરક્ષાના નામે મીંડુ હોય તો પછી કાર શું કામની, તેવા અનેક સવાલો લોકમુખે ચર્ચાઇ રહ્યા છે

વડોદરા તા.૧૬ :  વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં પાંચ મહિના પહેલા ખરીદેલી દોઢ કરોડની કાર આગમાં બળીને ખાખ થઇ ગઇ હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં કોઇ કંઇ સમજે તે પહેલા કાર ચારેય તરફથી આગની લપેટમાં આવી ગઇ હતી. ઘટના અંગે જાણ કરવામાં આવતા તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. અને આગ પર કાબુ મેળવ્યો હતો. આ ઘટના પાછળના કારણો જાણવા માટે ફાયર બ્રિગેડ તથા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે.

કાર માત્ર પાંચ મહિના પગેલા જ તપન શાહે ખરીદી

વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં આવેલી પરાગ સોસાયટીમાં મુકેલી દોઢ કરોડની લેન્ડ રોવરની ડિફેન્ડર કાર ભીષણ આગની લપેટમાં આવી ગઇ હતી. જેને પગલે વિસ્તારમાં ભારે ઉત્તેજના વ્યાપી જવા પામી હતી. આ કારની કિંમત દોઢ કરોડ આંકવામાં આવી રહી છે. આ કાર માત્ર પાંચ મહિના પગેલા જ તપન શાહે ખરીદી હોવાનું જાણવા મળી રહ્યું છે. કારમાં આગ લાગતા જ સ્થાનિકો દ્વારા તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. કોલ મળતા જ ફાયરના જવાનો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને આગ પર કાબુ મેળવવા પાણીનો મારો ચલાવ્યો હતો.

સુરક્ષાના નામે મીંડુ હોય તો પછી કાર શું કામની

કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં ફાયરના લાશ્કરોને સફળતા મળી હતી. ફાયર ઓફિસરે આગ લાગવા પાછળનું કારણ પ્રાથમિક દ્રષ્ટિએ શોર્ટ સર્કિટ હોવાનું જણાવ્યું હતું. આ અંગે કાર માલિક તપન શાહે જણાવ્યું હતું કે, ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવી છે. આ કાર પાંચ મહિના પહેલા જ ખરીદવામાં આવી છે. ઘટના બાદ મોંધીદાટ કારમાં સુરક્ષા સામે સવાલો ઉઠવા પામ્યા છે. જો આટલા રૂપિયા ચુકવ્યા બાદ પણ સુરક્ષાના નામે મીંડુ હોય તો પછી કાર શું કામની, તેવા અનેક સવાલો લોકમુખે ચર્ચાઇ રહ્યા છે. બીતી તરફ કારમાં આગ લગાવવા પાછળ કોઇકે અટકચાળુ કર્યું હોવાની આશંકાને ધ્યાને રાખીને પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.

(2:56 PM IST)