તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Sunday, 17th November 2024
ઓઢવમાં ઢોર પકડ ટીમ સાથેનાં PSIને પશુપાલકે લાફો ઝીંકી દેતા બબાલ થઈ
આ મામલાને ગંભીરતાથી લઇ પોલીસે બે પશુપાલકોને ઝડપી લઇ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

અમદાવાદ, તા.૧૭,
શહેરમાં રખડતાં ઢોરની સમસ્યા ફરી માથુ ઉચકી રહી હોવાનાં અહેવાલોને પગલે મ્યુનિ.સીએનસીડી ખાતાની ટીમોએ ફરી ઢોર પકડ ઝુંબેશ આદરતાં જ પશુપાલકો સાથે ઘર્ષણ થવાનુ શરૂ થઇ ગયુ છે અને તેમાંય ઓઢવમાં તો ઢોર પકડ ટીમ સાથેનાં પીએસઆઇને એક પશુપાલકે લાફો મારી દેતાં ભારે અફરાતફરી મચી જવા પામી હતી, આ મામલાને ગંભીરતાથી લઇ પોલીસે બે પશુપાલકોને ઝડપી લઇ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરમાં જાહેર માર્ગો ઉપર રખડતાં ઢોરની ગંભીર સમસ્યા અંગે હાઇકોર્ટનાં આકરા વલણ બાદ મ્યુનિ. સીએનસીડી ખાતાની સાથે સાત ઝોનનાં અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ પોલીસ બંદોબસ્ત સાથે વ્યાપક ઝુંબેશને મળેલી સફળતા પછી રખડતાં ઢોર અંગેની કાર્યવાહી શિથિલ બની જવા પામી હતી. જેનો લાભ લઇ પશુપાલકોએ લાયન્સ અને પરમીટ વગરનાં ઢોર રાખવાનુ તેમજ તેમને રોડ ઉપર છુટા મુકવાનુ શરૂ કરી દીધુ હતું.શહેરમાં રખડતાં ઢોરનાં મામલે મ્યુનિ.કમિશનર એમ.થેન્નારસને પણ નોંધ લઇને સીએનસીડી ખાતાને આળસ છોડી કામે લાગી જવા તાકીદ કરી હતી. તેના પગલે સીએનસીડી ખાતાની ટીમ પૂર્વ ઝોનનાં ઓઢવ સિંગરવા ગામ પાસે વડવાળી ચાર રસ્તા આગળ ઇન્દોર હાઇવે ઉપર ઢોર પકડવા ગઇ ત્યારે રિતેશ સોમાભાઇ રબારી તેમજ અમિત અરજણભાઇ રબારી તથા અન્ય બે પશુપાલકોએ તેનો વિરોધ કરી ઉગ્ર બોલાચાલી અને ઝપાઝપી શરૂ કરી હતી. એટલુ જ નહિ એક પશુપાલકે તો ટીમ સાથેનાં પીએસઆઇને લાફો મારી દઇ તેમની વર્દીનાં બટન તોડી નાખ્યા હતા. ત્યારબાદ પશુપાલકો ઢોર છોડાવી નાસી ગયા હતા. આ અંગે સેનિટરી ઇન્સ્પેક્ટરે ચાર શખ્સો સામે ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે. ગોતા વોર્ડમાં વસંતનગર ટાઉનશીપ વિસ્તારમાં ચેકિંગ વખતે પશુપાલકોએ ભેગા થઇ તકરાર શરૂ કરી હતી. ત્યારબાદ હાથ ધરાયેલાં ચેકિંગમાં ૧૧ વાડામાં ચાર પશુ લાયસન્સ-પરમીટવાળા મળ્યા હતા અને લાયસન્સ-પરમીટ વગરનાં ૬ પશુ મળી આવતાં પકડીને ઢોરનાં ડબામાં પૂરવામાં આવ્યા હતા.
(4:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
