તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Sunday, 17th November 2024
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ધંધુકા ખાતે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી મ્યુઝીયમનું લોકાર્પણ કર્યું
પ્રવાસન મંત્રી મુળુભાઇ બેરા રહ્યા ઉપસ્થિત:મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ઝવેરચંદ મેઘાણીને પુષ્પાંજલિ અર્પણ કરી નમન કર્યા:રાજ્ય સરકારના પ્રવાસન વિભાગ દ્વારા ધંધુકા રેસ્ટ હાઉસ તથા તેના પરિસરને ઐતિહાસિક 'સ્મૃતિ સ્થળ' તરીકે વિકસાવવામાં આવ્યું

ગાંધીનગર :મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પોતાના ધંધુકા પ્રવાસ દરમિયાન રેસ્ટ હાઉસ ખાતે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી મ્યુઝીયમનું લોકાર્પણ કર્યું હતું. આ તકે પ્રવાસન મંત્રી મુળુભાઇ બેરા પણ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ઝવેરચંદ મેઘાણીને પુષ્પાંજલિ અર્પણ કરી નમન કર્યા હતા.
ઝવેરચંદ મેઘાણીના પૌત્ર અને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાનના સ્થાપક પિનાકીનકભાઈ મેઘાણીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું ભાવભર્યું સ્વાગત કર્યું હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અહીં રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પ્રેરણાદાયી જીવન, સાહિત્ય, લોકસાહિત્ય તેમજ આઝાદીની લડાઈમાં તેમનું પ્રદાનના પ્રદર્શનને નિહાળ્યું હતું. આ ઉપરાંત મુખ્યમંત્રીએ કલાત્મક પ્રતિમાઓ તથા દુર્લભ તસ્વીરોનું પ્રદર્શન પણ નિહાળ્યું હતું. મુખ્યમંત્રીએ તમામ પ્રદર્શન નિહાળી ધન્યતા અનુભવી હતી અને સંસ્થાને અભિનંદન પાઠવ્યા હતા.
રાજ્ય સરકારના પ્રવાસન વિભાગ દ્વારા ધંધુકા રેસ્ટ હાઉસ ખાતે ઐતિહાસિક સ્મૃતિ સ્થળ તરીકે વિકસિત કરવામાં આવ્યું છે. જેમાં રેસ્ટ હાઉસના ચાર ખંડમાં સિંધુડો - ધોલેરા સત્યાગ્રહ, ધંધુકા અદાલત અને સાબરમતી જેલના ગૌરવવંતા ઇતિહાસ તથા કલાત્મક પ્રતિમાઓ અને દુર્લભ તસ્વીરોનું પ્રદર્શન પણ મુકાયું છે. વધુમાં અહીં ગાંધી-દર્શન કોર્નર, મેઘાણી-સાહિત્ય કોર્નર ધરાવતું સમૃદ્ધ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી પુસ્તકાલયનું નિર્માણ પણ કરાયું છે. આ પરિસરમાં નવીન સાંસ્કૃતિક ભવન 'મેઘાણી સ્મૃતિ'નું પણ નિર્માણ કરાયું છે.
આ પ્રસંગે સાંસદ ચંદુભાઈ શિહોરા, પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ધારાસભ્ય કાળુભાઈ ડાભી, પૂર્વ ધારાસભ્ય ભરત પંડ્યા, ઉત્તર ગુજરાત વીજ કંપની લી.ના મેનેજિંગ ડિરેક્ટર અરુણ મહેશ બાબુ, અમદાવાદ જિલ્લા કલેકટર પ્રવીણા ડી.કે., જિલ્લા વિકાસ અધિકારી વિદેહ ખરે, લોકગાયક અભેસિંહ રાઠોડ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા
(5:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
