<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 18th November 2024

વડોદરામાં પૂર્વ કોર્પોરેટરના પુત્રની પોલીસની હાજરીમાં સયાજી હોસ્પિટલ ખાતે હત્યા: બે માસ પછી લગ્ન હતા

અથડામણ બાદ મૃતક તપન પરમાર હોસ્પિટલ પહોંચેલ:જ્યાં તેના પર હુમલો થયેલ:પિતા રમેશ પરમાર પૂર્વ નગરસેવક

વડોદરા:રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી નજીવી બાબતમાં હત્યાની ઘટનાનો વધારો થયો છે, ત્યારે આવી જ એક ઘટના વડોદરામાંથી સામે આવી છે. વડોદરામાંથી નજીવી બાબતમાં યુવાનો વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં બે યુવાનને તિક્ષ્ણ હથિયારના ઘા માર્યા હતા. આ ઘટનામાં કુખ્યાત બાબરને પણ ઈજા પહોંચી હતી ત્યારે તમામને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના સાંભળીને પૂર્વ કોર્પોરેટરનો પુત્ર પણ હોસ્પિટલ પહોંચ્યો હતો. ત્યાં  પૂર્વ કોર્પોરેટરના પુત્ર પર હુમલો કરવામાં આવ્યો હતો.

ગંભીર રીતે ઈજાગ્રસ્ત સ્થિતિમાં યુવાનને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી, પરંતુ સારવાર દરમ્યાન યુવાનનું મોત નિપજ્યું હતું. આ યુવાનની ઓળખ તપન પરમાર તરીકે થઈ છે, જે ભાજપના પૂર્વ કોર્પોરેટર રમેશ પરમાર પુત્ર હતો. તપન પરમારના બે મહિના પછી લગ્ન થવાના હતા. પુત્રના અકાળે મોત બાદ પરિવારમાં માતમનો માહોલ છવાયો હતો.

    રાત્રે નાગરવાડા ગોલવાડ વિસ્તારમાં ચાલતા જુગારના અડ્ડા પાસે બે કોમના યુવકો વચ્ચે બોલાચાલી થઈ હતી. ત્યારેબાદ વિક્રમ પરમાર ઉર્ફે વિકી તથા ભયલુ સહિત ત્રણ યુવક નાગરવાડા સરકારી સ્કૂલ નંબર 10 પાસે ઊભી રહેલી આમલેટની લારી પાસે પૈસાની ઉઘરાણી માટે પહોંચ્યા હતા. ત્યારે બાબર પઠાણ મહેબૂબ અને વસીમ સહિત પાંચથી છ યુવકો સાથે અંગત અદાવત રાખી બંને જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં બંને કોમના ઈસમો ઈજાગ્રસ્ત થયા હતા.

હુમલામાં ઈજાગ્રસ્ત થયેલા વિક્રમ અને ભયલુ નામના બે યુવકને નાગરવાડા વિસ્તારના પૂર્વ કોર્પોરેટર રમેશ રાજા પરમાર, તેમના પુત્ર તપન પરમાર સહિત અન્ય યુવકો સયાજી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા. બંનેની સારવાર ચાલતી હતી, આ દરમિયાન પોલીસ હુમલાખોર બાબર ખાન પઠાણને પણ સારવાર માટે સયાજી હોસ્પિટલ ખાતે આવી પહોંચી હતી.

સયાજી હોસ્પિટલની કેન્ટીન બહાર ભાજપના પૂર્વ કોર્પોરેટર રમેશ રાજાનો પુત્ર તપન પરમાર ઊભો હતો. આ દરમિયાન અચાનક પોલીસ જાપ્તામાંથી નજર ચૂકવી તલવાર સાથે તપન પરમાર પર જીવલેણ હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધો હતો. પોલીસ હુમલાખોરને સયાજી હોસ્પિટલમાં લાવી ત્યારે તેના હાથમાં કોઈ હથિયાર હતું નહીં, પરંતુ પોલીસની પાછળ કોઈ એક બે મહિલા આવી હતી અને તેણીએ બાબર પઠાણને તલવાર આપી હોવાનું માનવામાં આવે છે. 

 

સયાજી હોસ્પિટલમાં એક બાજુ ઘવાયેલા બે યુવકોને સારવાર આપવામાં આવી રહી છે, ત્યાં બીજી બાજુ બાબર પઠાણ નામના હુમલાખોરે ભાજપના પૂર્વ કોર્પોરેટર રમેશ રાજાના પુત્ર તપન પરમારને મોતને ઘાટ ઉતારી દેવાનો કિસ્સો બનતા નાગરવાડા વિસ્તારમાં શોકનો માહોલ સર્જાયો હતો. આ બનાવની જાણ થતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને તપાસ માટે સીસીટીવી ફૂટેજ પણ મેળવ્યા હતા. ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ પન્નાબેન મોમાયા સમક્ષ સ્થાનિક રહીશોએ સમગ્ર બનાવની જાણકારી આપી હતી. માથાભારે ગુનેગારો સામે કડક કાર્યવાહી થાય તેવી માંગણી કરી હતી. 

ભાજપના પૂર્વ કોર્પોરેટર રમેશ રાજાએ જણાવ્યું હતું કે, 'નાગરવાડા મેહેતા વાડીમાં ઝઘડો થયો હતો તે બાદ સરકારી સ્કૂલ પાસે ઝઘડો થતા વિક્રમ અને ભયલુને ગંભીર ઈજા થઈ હતી તે બંનેને સારવાર માટે હું અને મારો પુત્ર સહિત સ્થાનિક યુવકો સયાજી હોસ્પિટલ ખાતે લઈ આવ્યા હતા. બંનેની સારવાર ચાલુ કર્યા બાદ તેના માતા-પિતાને મળ્યો હતો અને મારા દીકરાને કહ્યું હતું કે આ બંને યુવકની સારવાર થાય તે પછી તું ઘરે આવી જજે તેમ કહી ઘરે પહોંચ્યો હતો. આ દરમિયાન જ અચાનક એક યુવક મને ઘરે બોલાવવા માટે આવ્યો અને સયાજી હોસ્પિટલ પાછા આવવા જણાવ્યું હતું. જેથી હું સયાજી હોસ્પિટલ પહોંચ્યો જ્યાં મને મારા દીકરા પર બાબર પઠાણ નામના યુવકે તલવારથી હુમલો કરીને મારી નાખ્યો હોવાની જાણકારી મળી હતી.' 

(12:46 PM IST)