<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 18th November 2024

પાટણ પાસે લેઉવા પાટીદાર સમાજ દ્વારા સમુહલગ્નઃ ૬૧ નવદંપતિ જોડાયા

સંડેરમાં નવનિર્માણ થનારા શ્રી ખોડલધામ મંદિર પરિસરમાં લોકો ઉમટયાઃ રાઘવજીભાઇ પટેલ, જયેશભાઇ રાદડીયા, નરેશભાઇ પટેલ, ડો. કિરીટભાઇ પટેલ, રોનકભાઇ પટેલ સહિતના ઉપસ્‍થિત

(જયંતીભાઇ ઠકકર દ્વારા) પાટણ તા. ૧૮: પાટણ નજીક આવેલ સંડેર ખાતે નવનિર્માણ પામનાર શ્રી ખોડલધામ મંદિર પરિસર ખાતે ૪ર લેઉવા પાટીદાર યુવા સંગઠન મંડળ તેમજ ૪ર લેઉવા પાટીદાર મહિલા સંગઠન દ્વારા સમગ્ર ઉત્તર ગુજરાતમાં સૌ પ્રથમવાર અંદાજે દોઢ કરોડથી વધુના ખર્ચે જર્મન ટેકનોલોજીના ૭૦ લાખ ભાડાના ખર્ચે ભવ્‍ય ૧૧૦૦×૧૩ર ફૂટ લાંબા ગ્રામ્‍ય સંસ્‍કૃતિને ઉજાગર કરતા થીમ આધારિત ડોમ (મંડળ) માં ભવ્‍યાતિભવ્‍ય પ્રથમ સમુહ લગ્ન  રવિવારે યોજાયા હતા.

જેમાં ૪ર લેઉવા પાટીદાર સમાજ પાટણ, મહેસાણા અને બનાસકાંઠાના પ૩ ગામના ૬૧ નવદંપતીઓએ સમાજની સાક્ષીએ અને સમાજના રીત રિવાજ મુજબ ૭૦ થી વધુ બ્રાહ્મણોના મંત્રોચ્‍ચાર સાથે નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડયા હતા.

તમામ ૬૧ નવદંપતિઓને ર.પ લાખથી વધુની ભેટ સોગાદ સમાજના દાતા પરિવાર અને શ્રેષ્‍ઠિઓ દ્વારા આપવામાં આવી હતી.

સંડેર મુકામે આયોજિત કરાયેલ પ્રથમ સમુહ લગ્નોત્‍સવમાં પાટણ, મહેસાણા અને બનાસકાંઠાના પ૩ ગામોમાં રહેતા ૪ર લેઉવા પાટીદાર સમાજના ૯૦૦૦ પરિવારના અંદાજે ર૦,૦૦૦થી વધુ લોકો આ સમૂહ લગ્નમાં ઉપસ્‍થિત રહ્યા હતા.

૪ર લેઉવા પાટીદાર યુવા મંડળ તેમજ ૪ર લેઉવા પાટીદાર મહિલા મંડળ દ્વારા આયોજિત પ્રથમ સમૂહ લગ્ન પ્રસંગમાં ખાસ ઉપસ્‍થિત રહેલ કેબીનેટ મંત્રી રાઘવજીભાઇ પટેલે પાટીદાર સમાજ દ્વારા આયોજિત આ પ્રથમ સમૂહ લગ્નના આયોજનને બિરદાવતા જણાવ્‍યું હતું કે પાટીદાર સમાજ એક અને સંગઠિત છે તેની આ કાર્યક્રમ પ્રતીતિ કરાવે છે. વળી જેને માતા નથી કે પિતા નથી તેવા દીકરાકે દીકરી અને સુખી સંપન્‍ન સમાજના વ્‍યકિત પણ આ સમુહ લગ્નમાં જોડાયા છે એ ખૂબ મોટી બાબત છે. તેમણે આગામી સમયમાં આવા વધુ સમૂહ લગ્નઉત્‍સવના આયોજન થાય તે માટે હિમાયત કરી સમાજના સારા કામો માટે સહયોગી બનવા સમાજના દાતાઓ હંમેશા તત્‍પર હોય છે એમ પણ જણાવ્‍યું હતું.

ધારાસભ્‍ય જયેશભાઇ રાદડિયાએ પાટીદાર સમાજ હંમેશા દરેક કાર્યમાં અગ્રેસર રહ્યો છે ત્‍યારે સમાજના દરેક કાર્યક્રમો જલસા બંધ રીતે ઉજવવા જોઇએ અને આવા કાર્યક્રમોમાં સમાજના દાતાઓનો પણ સંપૂર્ણ સહયોગ રહેશે તેવી આશા વ્‍યકત કરી સમાજના સારા કાર્યોશ્ર આ નડતર રૂપ ન બનવા પણ તેઓએ અપીલ કરી હતી.

ખોડલધામના પ્રમુખ નરેશભાઇ પટેલ અને એબીપી અસ્‍મિતાના રોનક પટેલે સહિત પાટણ ધારાસભ્‍ય ડો. કિરીટ પટેલે પણ પોતાની શુભેચ્‍છાઓ નવદંપતીઓને પાઠવી હતી.

૪ર લેઉવા પાટીદાર સમાજ યુવા મંડળ અને મહિલા સંગઠન દ્વારા આયોજિત પ્રથમ સમુહ લગ્નોત્‍સવમાં પધારેલા મહાનુભાવોનું યુવા મંડળના ઉપપ્રમુખ હાર્દિક પટેલે શાબ્‍દિક સ્‍વાગત કર્યું હતું. જયારે આભારવિધિ ડો. દિલીપ પટેલ દ્વારા કરવામાં આવી હતી

(3:42 PM IST)