<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 19th November 2024

અમદાવાદમાં શાકભાજીના વેપારીની હત્યામાં ખુલાસો: ભત્રીજાએ પિતાના મોતનો બદલો લેવા હત્યાની 25 લાખમાં સોપારી આપી હતી

જમીન વિવાદને લઈને ચાલતી તકરારનો બદલો લેવા માટે ભત્રીજા અશોક મારવાડીએ અમદાવાદમાં રહેતા ભાડૂતી ગુંડાઓને કામે લગાડ્યા હતા

અમદાવાદ :નહેરૂનગરમાં શાકભાજીના વેપારી બદાજી મોદી પર શનિવારે મોડી સાંજે ફાયરિંગ કરીને હત્યાના ગુનામાં ક્રાઇમબ્રાંચની તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. બદાજી મોદીની હત્યા તેમના સગા ભત્રીજા અશોક મોદીએ ભાડૂતી હત્યારાઓને 25 લાખની સોપારી આપીને કરાવી હતી. અશોક મોદીના પિતાની એક વર્ષ પહેલા થયેલી હત્યા અને સિરોહીમાં આવેલી જમીન વિવાદને લઈને ચાલતી તકરારનો બદલો લેવા માટે ભત્રીજા અશોક મારવાડીએ અમદાવાદમાં રહેતા ભાડૂતી ગુંડાઓને કામે લગાડ્યા હોવાની વિગતો સામે આવી છે.

પોલીસે શંકાને આધારે મૃતક બદાજી મોદીના ભત્રીજા અશોક મારવાડી (રહે.પાલડી)ની અટકાયત કરીને પુછપરછ કરતા તેણે ચોંકાવનારો ખુલાસો કર્યો હતો કે, તેના પિતા ખેતારામ મોંદીની એક વર્ષ પહેલા સિરોહીમાં હત્યા થઇ હતી. આ હત્યા કેસ બદાજી અને તેમના પુત્રએ કરાવી હોવાની શંકા હોવા ઉપરાંત સિરોહીમાં આવેલી અઢી કરોડ રૂપિયાની જમીનનો વિવાદ ચાલતો હતો. જેથી અશોકે બદલો લેવા માટે કાલુપુર માર્કેટ પાસે લોડરનું કામ કરતા અનુ રાજપુતને દોઢ મહિના પહેલા બદાજીની હત્યાની 25 લાખ રૂપિયાની સોપારી આપી હતી.

ગત 14મી ઓક્ટોબરના રોજ સવારે બદાજી પર અનુ રાજપુતે તેના સાગરિત સાથે મળીને છરીથી હુમલો કર્યો હતો. પરંતુ, તે સમયે બદાજીનો બચાવ થયો હતો. જો કે ફરીથી અનુ રાજપુતે તેની સાથે લોડર તરીકે કામ કરતા અંકિત અને કુલદીપને સાથે રાખીને બદાજી પર ફાયરિંગ કરીને હત્યા કરવાનું નક્કી કરીને શનિવારે ફાયરિંગ કરીને તેમની હત્યા કરી હતી.

(12:04 PM IST)