<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 19th November 2024

પાટણના રેગિંગ કેસમાં 15 વિદ્યાર્થીઓ એક દિવસના રિમાન્ડ મંજુર કરાયા

પોલીસે 3 દિવસના રિમાન્ડ માંગ્યા હતા:કોર્ટે બુધવાર સાંજના 5 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા

પાટણ: ધારપુર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીનું રેગીંગને કારણે મોત થયું હતું. આ કેસમાં હવે મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં 15 જેટલા સિનિયર વિદ્યાર્થીઓને કોલેજમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. પોલીસે તેમની અટકાયત પણ કરી હતી અને પોલીસે 15 વિદ્યાર્થીઓને કોર્ટમાં રજૂ કર્યા હતા. જે મામલે પાટણ સેશન્સ કોર્ટ દ્વારા વિદ્યાર્થીઓના 1 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.

પોલીસે 3 દિવસના રિમાન્ડ માંગ્યા હતા. જેમાં બદલે કોર્ટ દ્વારા બુધવાર સાંજના 5 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.
આ ઘટના હાલ રાજ્યભરમાં ચર્ચાનું કેન્દ્ર બની ગઈ છે. જેથી પોલીસ પણ હવે આ ઘટનાને લઈને એક્શન મોડમાં જોવા મળી રહી છે. કોલેજના ડીન દ્વારા વિદ્યાર્થીના મોત બાદ એન્ટી રેગીંગ કમિટીની બેઠક યોજાઈ હતી. જેને લઈને 15 જેટલા વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ મામલે કોલેજના ડીન દ્વારા પોલીસ ફરિયાદ આપવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી. જેમાં તે વિદ્યાર્થીઓ સામે ફરિયાદ નોંધાઈ હતી.
 MBBSના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીનું રેગીંગને કારણે મોત થયું છે. જેને લઈને મામલો ગરમાયો છે.ઘટનાને લઈને વિદ્યાર્થી પરિષદના કાર્યકરોએ ધારપુર ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું. જોકે હવે આ કેસમાં પોલીસ ઉંડાણપૂર્વક તપાસ કરી રહી છે. જેમાં ટૂંક સમયમાં પોલીસની તપાસમાં મોટા ખુલાસાઓ સામે આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.

 અત્રે ઉલ્લેખનીય છે, કે વિદ્યાર્થીના શંકાસ્પદ મોત મામલે ABVP સંગઠનના કાર્યકરોએ ધારપુર હોસ્પિટલ ખાતે ન્યાયની માગ સાથે સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. આ દરમિયાન પોલીસ અને ABVPના વિદ્યાર્થી વચ્ચે ઝપાઝપી પણ થઈ હતી. જેના કારણે સ્થળ પર મામલો ગરમાયો હતો. જેથી પોલીસ દ્વારા 8 જેટલા ABVPના કાર્યકરોને ડિટેન કરવામાં પણ આવ્યા હતા.


 

(9:12 PM IST)