<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 20th November 2024

ડિસેમ્બરની શરૂઆત સુધીમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માવઠાની શક્યતા:ઠંડીનું મોટું મોજું આવશે:અંબાલાલ પટેલ

બંગાળના ઉપસાગરમાં સક્રિય થયેલા ચક્રવાત જો આંધ્ર અને ઓડિશા કિનારા તરફ જશે, તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં હવામાનમાં પલટો આવી શકે : આગામી 48 કલાકમાં મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, કચ્છ, પંચમહાલ, અમરેલી, સુરત, વલસાડ અને રાજકોટમાં ઠંડીનું જોર વધશે

અમદાવાદ :ગુજરાતમાંથી ચોમાસાની મોડા-મોડા વિદાય બાદ સીધો ઉનાળો આવ્યો હોય, તેમ દિવાળીના તહેવારો દરમિયાન પણ આકરી ગરમી પડતી હતી. જો કે છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં ઠંડીએ જોર પકડ્યું છે, પરંતુ વહેલી પરોઢ અને સાંજે સૂર્યાસ્ત બાદ જ ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. એવામાં જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગામી દિવસોમાં ઠંડીને લઈને મોટી આગાહી કરી છે.

અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ, આગામી ડિસેમ્બર મહિનાની શરૂઆતમાં બંગાળના ઉપસાગરમાં હલચલ જોવા મળી શકે છે. બંગાળના ઉપસાગરમાં સક્રિય થયેલા ચક્રવાત જો આંધ્ર અને ઓડિશા કિનારા તરફ જશે, તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં હવામાનમાં પલટો આવી શકે છે. જ્યાં માવઠું પડવાની પણ શક્યતા નકારી શકાય નહીં.

જો ઠંડીની વાત કરીએ તો, આગામી 48 કલાકમાં મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, કચ્છ, પંચમહાલ, અમરેલી, સુરત, વલસાડ અને રાજકોટમાં ઠંડીનું જોર વધી શકે છે. આ ભાગમાં લઘુત્તમ તાપમાન 13 ડિગ્રી સુધી જવાની શક્યતા રહેશે. જેના કારણે વહેલી સવારે અને સૂર્યાસ્ત બાદ કડકડતી ઠંડીનો અહેસાસ થશે.

આગામી 7 ડિસેમ્બરે ઠંડા પવનો ફૂંકાવાની શક્યતા રહેશે. જ્યારે 22 ડિસેમ્બરથી દેશના ઉત્તર પર્વતીય પ્રદેશોમાં ભારે હીમ વર્ષા થઈ શકે છે. જેથી 22 ડિસેમ્બર પર ઠંડીનું મોટું મોજું આવશે. જેના કારણે ગુજરાતના કેટલાક ભાગોમાં લઘુત્તમ તાપમાન 8 થી 10 ડિગ્રી જેટલું નીચું જઈ શકે છે.

(12:26 AM IST)