News of Wednesday, 20th November 2024
મોબાઈલમાં આમંત્રણ કાર્ડનો મેસેજ આવે તો ચેતજો :ડેટા થઇ જશે લિક: સાઈબર ગઠિયાનો નવો કીમિયો
કંકોત્રી ડાઉનલોડ કરીને ઓપન કરતાની સાથે જ સાયબર ગઠિયાઓ પાસે તે ફોનનો તમામ ડેટા પહોંચી જાય છે

અમદાવાદ :લોકોના ફોનમાંથી ડેટા ચોરી લેવા માટે સાઈબર ગઠિયાઓએ નવો આઈડિયા અપનાવ્યો છે. લગ્નસરાની સિઝન શરૂ થતા સાયબર ગઠિયાઓ લોકોને વોટ્સએપમાં લગ્નની કંકોત્રી મોકલી રહ્યા છે. આ કંકોત્રી ડાઉનલોડ કરીને ઓપન કરતાની સાથે જ સાયબર ગઠિયાઓ પાસે તે ફોનનો તમામ ડેટા પહોંચી જાય છે. ત્યારબાદ ગઠિયાઓ તે ડેટાના આધારે લોકો સાથે છેતરપિંડી આચરી રહ્યા છે.
આ ઘટના અંગે સાયબર ક્રાઈમના અધિકારીએ જણાવ્યું છે કે, લગ્નસરાની કંકોત્રી કે રિસેપ્શનનું કાર્ડ વોટ્સએપ ઉપર મૂકીને છેતરપિંડી કરવામાં આવી હોવાની 2 થી 3 ફરિયાદ તેમના સુધી આવી હતી. જેના આધારે સાયબર ક્રાઈમ દ્વારા લોકોને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. તેમનું કહેવુ છે કે, સાઈબર ગઠિયાઓ લોકો સાથે છેતરપિંડી કરવા રોજે રોજ અવનવી તરકીબો અપનાવી રહ્યા છે.
છેલ્લા કેટલાક સમયથી લોકોને ડિજિટલ અરેસ્ટ કરીને તેમજ શેરબજારમાં રોકાણના બહાને સાયબર ગઠીયાઓએ કરોડો રૂપિયા પડાવી લીધા હતા. ત્યારબાદ હવે લગ્ન તેમજ રિસેપ્શનનું ઈન્વીટેશન કાર્ડ મૂકીને છેતરપિંડી કરવાનું શરૂ કર્યું છે.
પોલીસનું કહેવું છે કે, સાયબર ગઠીયાઓથી બચવા માટે લોકોએ એલર્ટ રહેવું પડશે. તેના માટે કોઈ પણ વ્યક્તિ અજાણ્યા નંબર પરથી આવતી લીંક, એપ્લીકેશન, ઈન્વીટેશન કાર્ડ, અજાણ્યા વ્યકિતઓના ફોન, પોલીસ તરીકે ઓળખાણ આપી કરવામાં આવતી વાત ટાળવી જોઈએ. આવું કશું પણ અજુગતું જણાય તો તાત્કાલિક સ્થાનિક પોલીસ સ્ટેશન અથવા તો સાયબર ક્રાઈમના હેલ્પ લાઈન નંબર 1930 ઉપર સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે.
સતર્ક રહેવા પોલીસની એડવાઇઝરી 1) ડિજિટલ કાર્ડ APK ફાઈલ વાળા હોય છે.2) આ ફાઈલ મોબાઈલમાં વાયરસ ઇન્સ્ટોલ કરે છે. જેનાથી ગઠિયા કોન્ટેક લિસ્ટ, ફોટો ગેલેરી, બેંક ડિટેઇલ, વો ટ્સએપ પણ હેક કરી શકે છે. 3) તમે જે વ્યક્તિને ઓળખતા નથી કે નંબર સ્ટોર ન હોય તેના પરથી આવતા ઇન્વિટેશન ઓપન ન કરો.4) કોઈપણ એપ પ્લે સ્ટોર પરથી જ ડાઉનલોડ કરો.
(1:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
