News of Wednesday, 20th November 2024
રાજ્યની સરકારી-ખાનગી તમામ યુનિવર્સિટીઓના અધિકારીઓ, કર્મચારીઓ, વિદ્યાર્થીઓને ફરજીયાત હેલ્મેટ પહેરવા આદેશ
પોલીસ વડા વિકાસ સહાયએ ગુજરાતની તમામ યુનિવર્સિટીઓના વાઇસ ચાન્સલરોને પરિપત્રથી જાણ કરી

ગાંધીનગર તા. ૨૦: રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયએ રાજ્યની તમામ યુનિવર્સિટીઓ (સરકારી તેમજ ખાનગી)ના વાઇસ ચાન્સલર્સને એક પરિપત્રથી યુનિવર્સિટીઓના તમામ અધિકારીઓ, કર્મચારીઓ અને છાત્રો ફરજીયાત હેલ્મેટ પહેરે તે માટે સહકારરૂપ બનવા જણાવ્યું છે.
પોલીસવડાના પરિપત્રમાં જણાવાયું છે કે રાજ્યમાં ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ, કોલેજોમાં અંદાજીત ૧૬.૪ લાખ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આ છાત્રો અવર-જવર માટે મોટે ભાગે દ્વીચક્રી વાહનોનો ઉપયોગ વધુ કરે છે. રાજ્યમાં વર્ષ ૨૦૨૩માં માર્ગ અકસ્માતમાં કુલ ૭૮૫૪ લોકોના મૃત્યુ થયા છે. જેમાં ૨૭૬૭ (૩૫ ટકા) લોકોના મૃત્યુ હેલ્મેટ પહેર્યુ ન હોવાને કારણે થયા હતાં. આ ઉપરાંત કુલ જીવ ગુમાવનારામાંથી ૨૦૮૨ (૨૬.૫૦ ટકા) વ્યકિત ૨૬ વર્ષની નીચેની વયના હતાં. જે ખુબ ચિંતાજનક બાબત છે. આ વયજુથમાં મુખ્યત્વે શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કરતાં છાત્રો હોય છે.
માર્ગ સુરક્ષા આજના સમયમાં ખુબ મહત્વપુર્ણ મુદ્દો છે. હેલ્મેટ પહેરવું એ એક સરળ પરંતુ અત્યંત અસરકારક પગલુ છે. હેલ્મેટનો ઉપયોગ કરવાથી માથાના ભાગે ઘાતક ઇજાના જોખમને ઘટાડી શકાય છે. જે ગંભીર ઇજાઓને રોકી શકવામાં મદદરૂપ થાય છે અને જીવ પણ બચી શકે છે. મોટર વાહન અધિનીયમ ૧૯૮૮ની કલમ ૧૨૯ મુજબ દ્વીચક્રીય વાહનચાલક અને પાછળ બેસનાર વ્યકિતએ હેલ્મેટ પહેરવુ ફરજીયાત છે.
તાજેતરમાં ગુજરાત હાઇકોર્ટે સુઓ મોટો રીટ પીટીશન દાખલ કરેલ છે. જે અંતર્ગત હાઇકોર્ટ દ્વારા દ્વીચક્રી વાહન ચલાવનાર તેમજ પાછળ બેસનારે ફરજીયાત હેલ્મેટ પહેરવા અંગેની અમલવારી કરવા જણાવાયું છે. રાજ્યની તમામ સરકારી કચેરીઓના પરિસરમાં દ્વીચક્રી વાહનનો ઉપયોગ કરતાં અધિકારીઓ, કર્મચારીઓ, સ્ટાફ માટે હેલ્મેટ પહેરવા અંગે જરૂરી સુચના ગુજરાત સરકાર દ્વારા અપાઇ છે. રાજ્યની તમામ યુનિવર્સિટી (ખાનગી/સરકાી) પણ પોતાના તમામ અધિકારીઓ, કર્મચારીઓ, છાત્રોને હેલ્મેટ પહેરવા પ્રોત્સાહીત કરે તે માટે સહકાર આપવો જરૂરી છે. તેમ વધુમાં પોલીસ વડા વિકાસ સહાયના પરિપત્રમાં જણાવાયું છે.
(1:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
