News of Wednesday, 20th November 2024
વડોદરાના રાવપુરામાં આવેલ જોગીદાસ વિઠ્ઠલની પોળમાં સતત બીજા દિવસે કાચની બોટલ અને પથ્થરો ફેંકાયા
ઘટનાની જાણ થતા જ પોલીસનો કાફલો સુરક્ષા સાથે વિસ્તારમાં પહોંચી ગયો

વડોદરામાં તપન પરમારની હત્યા બાદ સંવેદનશીલ વિસ્તારમાં કાંકરીચાળાની ઘટનાઓ સતત બની રહી છે. શહેરના રાવપુરા વિસ્તારમાં જોગી વિઠ્ઠલદાસની પોળમાં સતત બીજા દિવસે પણ કાચની બોટલો ફેંકવામાં આવી હતી. જોકે આ ઘટનામાં કોઈ જાનહાનિની બાબતો થઇ હોય તેવું સામે આવ્યું નથી. ઘટનાની જાણ થતા જ પોલીસનો કાફલો સુરક્ષા સાથે વિસ્તારમાં પહોંચી ગયો હતો.
રાવપુરા વિસ્તારમાં આવેલ જોગી વિઠ્ઠલદાસની પોળમાં સતત બીજા દિવસે પણ કાચની બોટલ અને પથ્થર ફેંકાતા સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. છોકરાઓ રમી રહ્યા હતા, તે દરમિયાન કાચની બોટલો આવી હતી. સદનસીબે છોકરાઓને કોઈ જ ઇજા થઇ ન હતી. કાચની બોટલો ક્યાંથી ફેંકાઈ તે તપાસવા માટે પોલીસે કેટલાક ઘરના ધાબાનું ચેકિંગ કર્યું હતું. મોડી રાત સુધી પોલીસે તપાસ આદરી હતી.
DCP પન્ના મોમાયાએ કહ્યું કે, આજે ફરીથી અમને માહિતી મળતા સ્ટાફ સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને કોમ્બીંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અહીં પોઇન્ટ વધારી દેવામાં આવશે. આ ઉપરાંત ધાબા પોઇન્ટ પણ મૂકવામાં આવશે. જેથી ફરીથી આ પ્રકારની ઘટના ન બને. લોકોને અમે ખાતરી આપીએ છીએ કે હવે આ પ્રકારની ઘટના અહીં નહીં બને.
સ્થાનિક મહિલાએ જણાવ્યું હતું કે, જોગીદાસ વિઠ્ઠલની પોળમાં ગતરાત્રે પણ બોટલો ફેંકવામાં આવી હતી અને આજે પણ ફેંકવામાં આવી છે. અહીં નાના બાળકો રમતા હોય છે. તે સમયે કેટલાક લોકો બોટલો ફેંકીને સંતાઈ જાય છે. આ લોકો એક બાજુથી પથ્થરના ઘા કરે છે અને જે બાજુ પોલીસ તેમને શોધવા જાય એટલે તેઓ બીજી બાજુથી કાચની બોટલો ફેંકે છે.
શહેરના નાગરવાડા વિસ્તારમાં આવેલ મહેતાવાડીમાં રહેતા ભાજપના પૂર્વ કોર્પોરેટર રમેશ પરમારના પુત્ર તપન પરમારની સયાજી હોસ્પિટલમાં પોલીસની હાજરીમાં જ માથાભારે ઈસમ બાબર પઠાણ સહિતના ઈસમો દ્વારા ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હતી. તેને લઈને સમાજમાં ભારે રોષ ફેલાયો છે.
(1:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
