<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 20th November 2024

બીલીમોરાના રેલવે ઓવરબ્રિજ પર કાર અને મોપેડ વચ્ચે અકસ્માત :રોડ પર પટકાયેલા યુવકનું મોત: જુઓ વિડિઓ

બીલીમોરાના રેલવે ઓવર બ્રિજ પરથી મોપેડ પર બે યુવકો પસાર પસાર થતા હતા ત્યારે કાર ચાલકે વળાંક લેતા મોપેડ ધડાકાભેર કાર સાથે અથડાયું:એક યુવક કારના બોનેટ સાથે અથડાયો જ્યારે અન્ય યુવક ઉછળીને રોડ પર પટકાયો

નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના બીલીમોરા શહેરમાં અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં કાર અને મોપેડ વચ્ચે અકસ્માત થતા એક યુવકનું મોત નિપજ્યું છે. જ્યારે અન્ય એક યુવકને ઈજા થતાં તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડ્યો છે. આ મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

બનાવની પ્રાપ્ત વિગત અનુસાર, મોરલી ગામનો ધ્રુવીક પટેલ અને ભેસલા ગામનો એક યુવક મોપેડ લઇને જઇ રહ્યાં હતા. તેઓ બીલીમોરાના રેલવે ઓવર બ્રિજ પર પહોંચ્યા ત્યારે તેમનું મોપેડ એક કાર સાથે અથડાયું હતું. બનાવ સમયે હાજર લોકોએ પોલીસને જાણ કરી હતી. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ગંભીર ઇજાઓ પહોંચતા ધ્રુવીક પટેલ નામના યુવકને પહેલા બીલીમોરા અને ત્યારબાદ નવસારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

હોસ્પિટલમાં સારવાર દરમિયાન ધ્રુવીક પટેલ નામના યુવકનું મોત નીપજ્યું છે. જ્યારે ભેસલા ગામના યુવકની બીલીમોરા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર કાર ચાલક અકસ્માત થયા બાદ સામેથી પોલીસ સ્ટેશન હાજર થઇ ગયો હતો. બનાવ અંગે ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અકસ્માતના જે સીસીટીવી સામે આવ્યા છે તેમાં જોઇ શકાય છેકે, બીલીમોરાના રેલવે ઓવર બ્રિજ પરથી મોપેડ પર બે યુવકો પસાર થઇ રહ્યા હતા. એ સમયે ત્યાંથી પસાર થતા કાર ચાલકે વળાંક લેતા મોપેડ ધડાકાભેર કાર સાથે અથડાયું હતું. જેમાં એક યુવક કારના બોનેટ સાથે અથડાયો હતો. જ્યારે અન્ય યુવક ઉછળીને રોડ પર પટકાયો હતો. બનાવ સમયે ત્યાંથી પસાર થતાં લોકો આવી પહોંચ્યા હતા. અકસ્માતની ઘટના બાદ કાર ચાલક ત્યાંથી જતો રહ્યો હતો અને પોલીસ સ્ટેશને હાજર થયો હોવાનું જાણવા મળ્યું છે.

(1:58 PM IST)