<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 20th November 2024

રાજ્ય સરકારની ૧૧મી ચિંતન શિબીર સોમનાથમાં : ચિંતન શિબીરના ત્રણેય દિવસોનો પ્રારંભ સામુહિક યોગથી થશે: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત મંત્રી મંડળના સદસ્યો-વરિષ્ઠ સચિવો-ખાતાના વડાઓ-જિલ્લા કલેક્ટરો અને જિલ્લા વિકાસ અધિકારીઓ સહભાગી થશે : શિબીરના અંતિમ દિવસે બેસ્ટ જિલ્લા કલેક્ટર અને બેસ્ટ ડી.ડી.ઓ.ના એવોર્ડસ અપાશે

રાજ્યમાં રોજગારીની તકો-ગ્રામ્ય સ્તરે આવક વૃદ્ધિ-સરકારી યોજનાઓમાં સેચ્યુરેશન એપ્રોચ-પ્રવાસન વિકાસમાં જિલ્લાઓ અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનું યોગદાન સહિતના મહત્વપૂર્ણ વિષયો પર જુથ ચર્ચા અને સામુહિક મંથન-ચિંતન થશે : સેવાઓના સુદ્રઢિકરણ માટે ડિપ ટેકનો ઉપયોગ-આર્ટીફિસ્યલ ઈન્ટેલિજન્સ અને ડેટા એનાલિસીઝ જેવા સમયાનુકુલ વિષયો પર નિષ્ણાતોના માર્ગદર્શક વક્તવ્યો યોજાશે

રાજકોટ તા.૨૦

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ અને માર્ગદર્શનમાં રાજ્ય સરકારની ૧૧મી ચિંતન શિબીર તારીખ ૨૧ નવેમ્બર ગુરૂવારથી ૩ દિવસ માટે પ્રસિદ્ધ તીર્થ ક્ષેત્ર સોમનાથ ખાતે યોજાશે.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વહિવટી અને પ્રશાસનિક કાર્ય સંસ્કૃતિને નવી દિશા આપવા ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન વર્ષ-૨૦૦૩થી ચિંતન શિબીરની શૃંખલા શરૂ કરાવી છે.   

આ પરંપરાને આગળ વધારતાં ૧૧મી ચિંતન શિબીર મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, રાજ્ય મંત્રી મંડળના મંત્રીશ્રીઓ, વરિષ્ઠ સચિવશ્રીઓ, ખાતાના વડાઓ તથા જિલ્લા કલેક્ટરો અને જિલ્લા વિકાસ અધિકારીઓની સક્રિય સહભાગીતાથી યોજાવાની છે.

આ ૧૧મી ચિંતન શિબીરમાં જે વિષયો જુથ ચર્ચા અને ચિંતન-મંથન માટે પસંદ કરવામાં આવ્યા છે તેમાં રાજ્યમાં રોજગારીની તકો, ગ્રામ્ય સ્તરે આવક વૃદ્ધિ, સરકારી યોજનાઓમાં સેચ્યુરેશન એપ્રોચ, પ્રવાસન વિકાસમાં જિલ્લાઓ અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનું યોગદાન સહિતના મહત્વપૂર્ણ વિષયોનો સમાવેશ થાય છે. 

ચિંતન શિબીરના ત્રણેય દિવસોનો પ્રારંભ સામુહિક યોગથી થશે. એટલું જ નહિ, સેવાઓના સુદ્રઢિકરણ માટે ડિપ ટેકનો ઉપયોગ, આર્ટીફિસ્યલ ઈન્ટેલિજન્સ અને ડેટા એનાલિસીઝ જેવા સમયાનુકુલ વિષયો પર નિષ્ણાતોના માર્ગદર્શક વક્તવ્યો પણ યોજાવાના છે.

આ ત્રિદિવસીય શિબીરના સમાપન અવસરે બેસ્ટ જિલ્લા કલેક્ટર અને બેસ્ટ ડી.ડી.ઓ.ના એવોર્ડસ પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે એનાયત કરાશે. 

 

(7:41 PM IST)