News of Thursday, 21st November 2024
અમદાવાદમાં ખોટા પુરાવા રજૂ કરી RTE હેઠળ પ્રવેશ મેળવનારા 125 વિદ્યાર્થીઓના એડમિશન રદ કરાયા
અમદાવાદની વિવિધ શાળાઓ દ્વારા ફરિયાદ મળતાં અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ કરી કાર્યવાહી.

અમદાવાદ : આખરે રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ ખોટા એડમિશન મેળવનાર 125 થી વધુ વિદ્યાર્થીઓના પ્રવેશ રદ કરી દેવામાં આવ્યા છે. અમદાવાદની કેટલીક શાળાઓએ કરેલી તપાસમાં વાલીઓએ આવકના ખોટા પુરાવા રજૂ કરી આરટીઇ હેઠળ પોતાના બાળકોના એડમિશન લીધા હોવાનું તપાસમાં ખુલ્યું છે જેના પગલે અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ આ મામલે કાર્યવાહી કરી છે.
ગરીબ બાળકોનો હક્ક છીનવનાર 125 જેટલા વિદ્યાર્થીઓના આરટીઇ અંતર્ગતના પ્રવેશ અમદાવાદના ડીઇઓ દ્વારા રદ કરવામાં આવ્યા છે. ગરીબ અને વંચિત વર્ગના વિદ્યાર્થીઓ પણ સારામાં સારી ખાનગી શાળામાં અભ્યાસ કરી શકે અને સારું શિક્ષણ મેળવે તે હેતુથી આરટીઇ અંતર્ગત પ્રવેશ પ્રક્રિયા હાથ ધરાઈ હતી.
તમામ શાળાઓમાં 25 ટકા વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવે છે. પરંતુ કેટલાક વાલીઓની આવક વધુ હોવા છતાં પણ ખોટા ડોક્યુમેન્ટ ઉભા કરીને આરટીઇ અંતર્ગત પ્રવેશ મેળવતા હોય છે. તેવા વાલીઓના બાળકોના પ્રવેશ અમદાવાદના જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા રદ કરવામાં આવ્યા છે.
અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી રોહિત ચૌધરીએ ન્યુઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું કે આરટીઇમાં એડમિશન મેળવવા માટે વાર્ષિક આવક મર્યાદા શહેરમાં 1.5 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે તેનાથી વધુ આવક ધરાવનાર વાલીના બાળકને આ યોજના અંતર્ગત પ્રવેશ આપવામાં આવતો નથી. ત્યારે અનેક વાલીઓ પોતાના બાળકોની ફી બચાવવા માટે ખોટા ડોક્યુમેન્ટ ઉભા કરીને આરટીઇ અંતર્ગત બાળકોનું એડમિશન લેતા હોય છે. આવા બાળકો સામેના ડોક્યુમેન્ટની ચકાસણી અમદાવાદની ઉદ્ગમ, કેલોરેક્સ, કે એન પટેલ, ડીપીએસ સહિતની શાળાઓ દ્વારા કરવામાં આવી હતી. જેમાં માલુમ પડ્યું હતું કે લાખો રૂપિયાની સેલેરી ધરાવનાર વ્યક્તિએ પણ આવકના ખોટા ડોક્યુમેન્ટ ઉભા કરીને પોતાના બાળકોનું એડમિશન આરટીઇ અંતર્ગત કરાવ્યું છે.
(12:42 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
