<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 21st November 2024

સુરતમાં હોસ્પિટલ બાદ હવે આખું નકલી મેડીકલ ઈન્સ્ટિટ્યૂટ ખોલી નાખ્યું: NSUIએ કર્યો પર્દાફાશ

સુરતના એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસ દ્વારા આ મામલે એક સ્ટિંગ ઓપરેશન કરાયું :એક શોપિંગ કોમ્પલેક્ષની નાની દુકાનમાં આખું ઇન્સ્ટિટ્યૂટ ચાલવાતું હતું :ત્રણ વિદ્યાર્થિનીઓ પણ આવી હતી અને મસમોટી ફી આપવા સાથે બેંગલોર પરીક્ષા આપવા લઈ જવામાં આવે છે

સુરત : સુરતના પુણા પાટિયા વિસ્તારમાં આવેલા લા સીતાડેલ કોમર્શિયલ શોપિંગ કોમ્પલેક્ષની દુકાનની અંદર આખીને આખી મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ ચાલી રહી હતી. 10 બાય 20 ની દુકાનની અંદર ક્લાસરૂમ બનાવી દેવાયો હતો અને જીવનદીપ મેડિકલ ઇન્સ્ટિટ્યૂટના નામથી નર્સિંગ સહિતના પાંચ કોર્ષો ચલાવવામાં આવી રહ્યા હતા. જોકે આ આખી ઇન્સ્ટિટ્યૂટ ખોટી રીતે અને બોગસ હોવાનું સામે આવ્યું છે. તેમાં ભણતા વિદ્યાર્થીઓ પાસે પણ જીવનદીપ મેડિકલ ઇન્સ્ટિટ્યૂટના સંચાલક મસમોટી ફી પણ વસૂલતા હતા. આ ઇન્સ્ટિટ્યૂટ દુકાનની અંદર છેલ્લા ચારથી પાંચ વર્ષથી ચાલી રહી છે. અભ્યાસ અહીં કરવાનો અને પરીક્ષા આપવા વિદ્યાર્થીઓને છેક બેંગલોર મોકલવામાં આવતા હતા

  . જોકે એને NSUI ના પ્રદેશ ઉપપ્રમુખ મિતેશ હડિયાને કેટલાક વિદ્યાર્થીઓ દ્વારા છેલ્લા બે ત્રણ દિવસથી એવી ફરિયાદો હતી કે અહીં બસ મોટી ફી લઈને ખોટી રીતે મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ ચલાવાઈ રહી છે અને પરીક્ષા આપવા છેક બેંગ્લોર મોકલાઈ રહ્યા છે. આ ફરિયાદના આધારે NSUI ના મિતેશ હડિયા અને યુથ કોંગ્રેસના સુરત મહામંત્રી રવિ પૂંછડીયા ઇન્સ્ટિટ્યૂટ પર જઈ તપાસ કરી હતી. જેમાં આ ઇન્સ્ટિટ્યૂટ ખોટી રીતે ચાલતી હોવાનું સામે આવ્યું હતું.

  સુરતમાં દુકાની અંદર મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ ખોટી રીતે ચાલતી હોવાનું માહિતી મળતા તપાસ કર્યા બાદ અહીં જીવનદીપ મેડિકલ ઇન્સ્ટિટ્યૂટના નામથી નર્સિંગ સહિતના પાંચ કોર્ષ ચલાવાઈ રહ્યા હોવાનું તેમને જાણવા મળ્યું હતું. જેથી અહીં આવેલ કેટલીક વિદ્યાર્થીનીઓ સાથે તેમણે સ્ટિંગ ઓપરેશન કરી સમગ્ર માહિતી લેવાનો પ્રયત્ન કર્યો હતો. જેમાં કોલેજના સંચાલક સાથે તેમણે ફોન પર વાત કરી ત્યારે તેમણે એવું કહ્યું કે “અમારે ત્યાં અન્ય કોર્ષ ચાલે છે પરંતુ નર્સિંગના GNM ના કોર્ષ કરાવવામાં આવતા નથી.” 

    જોકે આ જ સમયે ઇન્સ્ટિટ્યૂટમાં આવેલી ત્રણ વિદ્યાર્થીનીઓ સાથે પૂછપરછ કરતા તેમણે સ્વીકાર્યું હતું કે તેઓ GNM ના નર્સિંગના કોર્ષમાં અભ્યાસ કરી રહી છે. તેમનું આ પ્રથમ વર્ષ છે. અને 15000 જેટલી ફી પણ લેવામાં આવી છે સાથે પરીક્ષા આપવા માટે બેંગલોર જવા માટેનું પણ કહેવામાં આવ્યું છે. 

   વધુમાં મિતેશ હડિયાએ જણાવ્યું હતું કે “આજે અમે તપાસ કરવા માટે આવ્યા હતા, આ દરમિયાન ઇન્સ્ટિટ્યૂટના ઓનર ગાયબ હતા અને અહીં એક મહિલા હતા જેમણે જણાવ્યું હતું કે અમે માત્ર એડમિશન જ અહીં કરીએ છીએ અભ્યાસ બેંગ્લોર થાય છે.”

   આ દરમિયાન ત્રણ વિદ્યાર્થીનીઓ આવી હતી અને તે જી.એન.એમ. એટલે કે નર્સિંગનો કોર્ષ કરતી હોવાનું જણાવ્યું હતું. આ ત્રણ વિદ્યાર્થીનીઓએ જણાવ્યું હતું કે “અમે નર્સિંગનો ત્રણ વર્ષનો કોર્ષ કરીએ છીએ અને અહીં અભ્યાસ કરાવવામાં આવીએ છીએ. પરીક્ષા માટે અમને બેંગ્લોર લઈ જવામાં આવે છે.” 

 આ તમામ બાબતનું રેકોર્ડિંગ પણ કરી લેવામાં આવ્યું હતું. ત્યારબાદ એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસ દ્વારા પેરા મેડિકલ કાઉન્સિલમાં પણ કોલ કરીને આ અંગે તપાસ કરવામાં આવી હતી. જેમાં સ્પષ્ટ કહ્યું હતું કે જો દુકાનમાં ઇન્સ્ટિટ્યૂટ ચાલતું હોય તો તેની માન્યતા આપવામાં ન આવી હોય.

(12:56 AM IST)