<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 21st November 2024

સાયબર ફ્રોડના 100 કરોડના હવાલા રેકેટમાં અમદાવાદના આરોપી ઓમ પંડ્યાને સુરત શહેર SOG દ્વારા ઝડપી લેવાયો

મકબુલ ડોક્ટર અને તેનો પુત્ર હવાલાના નાણાં આંગડિયા પેઢી મારફતે ઓમને અમદાવાદ મોકલતા

સુરત શહેર એસઓજી દ્વારા હાલ જ સુરતના સિંઘીવાડ ખાતેથી ટ્રાવેલિંગ ઓફિસની આડમાં ચાલતા હવાલા રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. SOG ની તપાસમાં રૂપિયા 100 કરોડના હવાલા રેકેટનો ખુલાસો થયો હતો. હવાલા રેકેટમાં SOG દ્વારા અગાઉ આરોપી મકબુલ અબ્દુલ ડોક્ટર, તેના પુત્ર કાસિફ અને બસ્સામ સહિત માઝ અબ્દુલ રહીમ નાડાની ધરપકડ કરવામાં આવી હતી. આ આરોપીઓ પાસેથી અગાઉ 497 સીમ કાર્ડ, આઠ સેવિંગ અને બે કરંટ એકાઉન્ટ, 29 ચેકબુક તેમજ 38 ક્રેડિટ કાર્ડ મળી આવ્યા હતા. જેથી સુરત SOG દ્વારા આ કેસમાં ઊંડાણપૂર્વકની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી.

    આ પૂછપરછ માં પોલીસને એક બાદ એક કડી મળતી ગઈ અને ત્યારબાદ વધુ ત્રણ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. આમ અગાઉ પોલીસે સાત આરોપીઓની ધરપકડ કરી સાયબર ફ્રોડ અને હવાલા રેકેટનો પર્દાફાશ કરી રૂપિયા 16 લાખથી વધુની મત્તાનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો

   આ દરમ્યાન અગાઉ ઝડપાયેલા આરોપીઓની પૂછપરછમાં ઓમ જગદીશચંદ્ર પંડ્યા નામના ઈસમનું નામ સામે આવ્યું હતું. અમદાવાદ ખાતે રહેતા ઓમ પંડ્યાને હવાલાના રૂપિયા આંગડિયા પેઢી મારફતે મોકલતા હતા. જે તપાસમાં ખુલાસો થતાં ઓમ પંડ્યાની ધરપકડ કરવા SOG દ્વારા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા. SOGને જાણકારી મળી હતી કે, મકબુલ ડોક્ટર અને તેનો પુત્ર હવાલાના નાણાં આંગડિયા પેઢી મારફતે ઓમને અમદાવાદ મોકલતા હતા.

    સાયબર ફ્રોડના નાણાં યુએસડીટીમાં કન્વર્ટ કરાતા હતા. જે પરત દુબઈ મોકલવાનું તથા દુબઈથી વોલેટમાં આવેલા યુએસડીટીને ભારતીય કરન્સીમાં કન્વર્ટ કરાતા હતા. જે બાદ પરત દુબઈથી વાયા ચીન, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન મોકલવામાં આવતા હતા. આ દરમ્યાન સાયબર ફ્રોડ અને હવાલા રેકેટમાં સંડોવાયેલા આરોપી ઓમ જગદીશનચંદ્ર પંડ્યાને સુરત SOG દ્વારા અમદાવાદ સેટેલાઇટ ચાર રસ્તા પાસે આવેલા તેના નિવાસસ્થાન ખાતેથી ઝડપી પાડ્યો હતો. આ તમામ આરોપીને સુરત કોર્ટમાં રજૂ કરી 21 મી સુધીમાં રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા

     રિમાન્ડ દરમ્યાન SOGને જાણવા મળ્યું કે, દુબઈમાં રહેતો મહેશ દેસાઈ વતી આરોપી ઓમ પંડ્યા હવાલો સંભાળતો હતો. છેલ્લા બે વર્ષથી આ સમગ્ર નેટવર્ક ચાલતું હતું. આરોપીઓના એકાઉન્ટ અને વોલેટની ચકાસણી કરાતા 100 કરોડના ટ્રાન્જેક્શન મળી આવ્યા હતા. આ અંગે સુરત ડીસીપી રાજદીપ સિંહ નકુમે જણાવ્યું હતું કે, Usdt ટ્રાન્સફર કરવામાં કેસમાં વધુ ઓમ જગદીશચંદ્ર પંડ્યાની ધરપકડ કરી છે

    . મહેશના કહેવા પર ઓમ પંડ્યા અન્યને usdt ટ્રાન્સફર કરાવી આપતો હતો. અલગ અલગ વ્યક્તિને usdt ટ્રાન્સફર કરાવી આપવાના અવેજમાં આરોપી ઓમ પંડ્યા ને એક usdt ના 100 રૂપિયા 30 પૈસા દલાલી મળતી હતી. મહેશ દેસાઈનું સંપૂર્ણ કામકાજ ઓમ પંડ્યા જ સંભાળતો હતો. જેની હાલ ધરપકડ કરવામાં આવી છે. SOG એ 146 બેન્ક ખાતા ફ્રીઝ કર્યા છે. અત્યાર સુધી પોલીસને 87 કરોડના આર્થિક વ્યવહારો મળી આવ્યા છે

    જુદા જુદા બેન્ક ખાતામાં ત્રણ અલગ અલગ લેયર મુજબ રૂપિયા આવ્યા છે, તે મુજબ પાંચ સાયબર ક્રાઇમ ફ્રોડની ફરિયાદ નોંધાઈ છે. જેમાં બે તેલંગાણા, એક મુંબઈ, એક યુપી સહિત વડોદરામાં એમ પાંચ ગુન્હા નોંધવામાં આવ્યા છે. જે ફ્રોડની રકમ 2.90 કરોડ રૂપિયા થાય છે. અત્યાર સુધીમાં કુલ આઠ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે

(1:09 AM IST)