News of Thursday, 21st November 2024
સોમનાથમાં ત્રિદિવસીય ચિંતન શિબિરનો પ્રારંભ
સોમનાથદાદાના શરણમાં ગુજરાત સરકાર-મુખ્યમંત્રી કેબિનેટ સાથે ૩ દિવસ કરશે ચિંતન : રોજગારી-સરકારી યોજનાઓ-ટેકનોજી- ગ્રામ સ્વરાજ-વિકાસ સહિતના મુદ્ઓ અંગે મંથનઃ સચિવો-જીલ્લા કલેકટરો-ડીડીઓ પણ જોડાયા

રાજકોટ તા.૨૦: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ અને માર્ગદર્શનમાં રાજ્ય સરકારની ૧૧મી ચિંતન શિબીર તારીખ ૨૧ નવેમ્બર ગુરૃવારથી ૩ દિવસ માટે પ્રસિદ્ધ તીર્થ ક્ષેત્ર સોમનાથ ખાતે યોજાશે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વહિવટી અને પ્રશાસનિક કાર્ય સંસ્કૃતિને નવી દિશા આપવા ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન વર્ષ-૨૦૦૩થી ચિંતન શિબીરની શૃંખલા શરૃ કરાવી છે.
આ પરંપરાને આગળ વધારતાં ૧૧મી ચિંતન શિબીર મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, રાજ્ય મંત્રી મંડળના મંત્રીશ્રીઓ, વરિષ્ઠ સચિવશ્રીઓ, ખાતાના વડાઓ તથા જિલ્લા કલેકટરો અને જિલ્લા વિકાસ અધિકારીઓની સક્રિય સહભાગીતાથી યોજાવાની છે.
આ ૧૧મી ચિંતન શિબીરમાં જે વિષયો જુથ ચર્ચા અને ચિંતન-મંથન માટે પસંદ કરવામાં આવ્યા છે તેમાં રાજ્યમાં રોજગારીની તકો, ગ્રામ્ય સ્તરે આવક વૃદ્ધિ, સરકારી યોજનાઓમાં સેચ્યુરેશન એપ્રોચ, પ્રવાસન વિકાસમાં જિલ્લાઓ અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનું યોગદાન સહિતના મહત્વપૂર્ણ વિષયોનો સમાવેશ થાય છે.
ચિંતન શિબીરના ત્રણેય દિવસોનો પ્રારંભ સામુહિક યોગથી થશે. એટલું જ નહિ, સેવાઓના સુદ્રઢિકરણ માટે ડિપ ટેકનો ઉપયોગ, આર્ટીફિસ્યલ ઈન્ટેલિજન્સ અને ડેટા એનાલિસીઝ જેવા સમયાનુકુલ વિષયો પર નિષ્ણાતોના માર્ગદર્શક વકતવ્યો પણ યોજાવાના છે.
આ ત્રિદિવસીય શિબીરના સમાપન અવસરે બેસ્ટ જિલ્લા કલેકટર અને બેસ્ટ ડી.ડી.ઓ.ના એવોર્ડસ પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે એનાયત કરાશે.
ચિંતન શિબીરમાં મુખ્ય મંત્રી આજે બપોરે રઃ૩૦ વાગ્યે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના હસ્તે ઉદ્ઘાટન થશે.
આજે સવારે કેશોદ એરપોર્ટ ઉપર આગમન થયા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ મોટર માર્ગે શ્રી સોમનાથ ખાતે આવી પહોંચ્યા બાદ શ્રી સોમનાથ મહાદેવ મંદિરે દર્શન કર્યા બાદ બપોરે ચિંતન શિબીર સ્થળે પહોંચનાર છે.
રાજ્યના વિકાસને અવરોધતા પરિબળોને દૂર કરવાની સાથે ગુજરાતના વહીવટીતંત્રને વધુ ચેતનવંતુ કરવા આજથી દ્વાદશ જ્યોર્તિલિંગ માંહેના પ્રથમ એવા સોમનાથ મહાદેવના સાનિધ્યમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, ૧૬ કેબિનેટ મંત્રીઓ સહિત તમામ મંત્રીઓ તેમજ રાજ્યના ૧૯૭ સનદી અધિકારીઓ ત્રણ દિવસ ચિતન કરશે. મહત્વની બાબત એ છે કે, તીર્થધામ સોમનાથમાં યાત્રાળુઓને આ ચિતન શિબીરથી મુશ્કેલી ન પડે તે માટે સનદી અધિકારીઓ સરકારી ગાડીઓને બદલે ટ્રેન અને હવાઈ મુસાફરી કરી સોમનાથ પહોંચશે.
આજથી સોમનાથ ખાતે ગુજરાત સરકારની ૧૧મી ચિંતન શિબિર યોજાઈ રહી છે. જેમાં સોમનાથ મહાદેવ મંદિર નજીક વિશાળ ડોમ ઉભો કરવામાં આવ્યો છે. આ ચિતન શિબિરમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની સાથે મંત્રી પરિષદના ૧૬ કેબિનેટ મંત્રીઓ, મંત્રી તેમજ ૧૯૭ ઉચ્ચ અધિકારીઓ ચિતન શિબિરમાં સામેલ થશે. જેમાં વર્ષ ૨૦૪૭ના સંકલ્પ પત્રની સાથે સમગ્ર રાજ્યમાં આગામી દિવસોમાં આપી રહેલી સ્થાનિક સ્વરાજની પેટા ચૂંટણીને લઈને પણ કોઈ રણનીતિ નક્કી કરવામાં આવશે. ૩ દિવસમાં સરકારના મંત્રીઓ અને અધિકારીઓ વચ્ચે ચિતન બેઠક પૂર્ણ થયા બાદ રાજ્ય અને કેન્દ્રની લોક કલ્યાણકારી યોજનાઓ પ્રત્યેક વ્યકિત સુધી પહોંચે તે માટે ખાસ સૂચનાઓ આપવામાં આવે તેમ હોવાનું મનાઈ રહ્યું છે.
ચિતન બેઠકનો મુખ્ય ધ્યેય રાજ્યના વહીવટી તંત્રને વધુ ચેતનવંતુ કરવા રાજ્યના ઉચ્ચ અધિકારીઓ સાથે તેમના અનુભવો, તેમને મળેલ સફળતાઓ, થયેલ સારા કામો હાથ ધરેલ સારા પ્રોજેકટ, આ પ્રોજેકટમાં પડતી મુશ્કેલીઓ અને તેને નિવારવા માટેના પગલાઓની ચર્ચા- વિચારણા કરવા, અધિકારીઓએ તેમના કાર્યક્ષેત્ર હેઠળ કરેલ સારા કામો સ્વીકારી, અપનાવી અને તેમનાથી પ્રેરણા મેળવી સાચા અર્થમાં વિકાસની કેડીએ જવા માટેનો પ્રયાસ, એ ચિતન શિબિરનો મુખ્ય હાર્દ છે. ચિતન શિબિરમાં વિકાસને અવરોધતા પરિબળો દૂર કરવા અને સમગ્ર રાજ્યનો સર્વાંગી વિકાસ થાય તે બાબતનું ચિંતન પણ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, ચિતન શિબિરમાં અલગ અલગ ચાર ગ્રુપ બનાવવામાં આવ્યા છે જેમાં રાજ્યના પર્યટન, રાજ્યના ગામડાઓનો વિકાસ, ગ્રામ્ય વિસ્તારમાં રહેતા નાગરિકની આવક વધે તે માટેના પ્રયાસો સહિતના મુદ્દે ચર્ચાઓ કરવામાં આવશે, સાથે જ યાત્રાધામ સોમનાથમાં દરરોજ સેંકડો યાત્રાળુઓ આવતા હોવાથી યાત્રાળુઓને મુશ્કેલી ન પડે તે માટે આ વખતે ચિતન શિબિરમાં આવતા અધિકારીઓને સરકારી વાહનો લઈને આવવાને બદલે ટ્રેનમાં મુસાફરી કરવા સૂચના અપાઈ છે. અમદાવાદ -ગાંધીનગરથી આવતા અધિકારીઓ અને મંત્રીઓને સીધા જ કેશોદ એરપોર્ટથી સોમનાથ લાવવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
(11:02 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
