તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Saturday, 23rd November 2024
અમદાવાદથી રાજકોટ જવાનું મોઘું થશે : ૪ ટોલનાકા બનાવાશે
વર્તમાનમાં જે બે ટોલનાકાં છે તે હવે દૂર થઈ જશે અને તેના જ સ્થાને ૪ નવા સ્થળોએ ટોલનાકાં બનશે

નવી દિલ્હી, તા.૨૩: અમદાવાદથી સૌરાષ્ટ્રને જોડનારો અમદાવાદ-રાજકોટ નેશનલ હાઇવે હવે લોકોનાં ખિસ્સા ખંખેરનાર સાબિત થઈ શકે છે. કારણ કે અમદાવાદ-રાજકોટ વચ્ચેના ૨૦૧ કિલોમિટરના નેશનલ હાઈવે પર પસાર થનારા લોકોને હવે ચાર ટોલનાકાં પર ટેક્સ ભરવો પડશે. વર્તમાનમાં જે બે ટોલનાકાં છે તે હવે દૂર થઈ જશે અને તેના જ સ્થાને ૪ નવા સ્થળોએ ટોલનાકાં બનશે. જેને સરકારની પણ મંજૂરી મળી ચૂકી છે.
અમદાવાદ અને સૌરાષ્ટ્રને જોડનારા નેશનલ હાઇવેની ૩૩૫૦ કરોડના ખર્ચે ફોરલેનમાંથી સિક્સલેન બનાવવામાં આવી રહયો છે અને આ નેશનલ હાઈવે પર મુસાફરી કરતા લાખો લોકોને હવે ખિસ્સા ખાલી કરવાની તૈયારી રાખવી પડશે. કારણે કે હવે આ હાઈવે પર હાલ બગોદરા અને બામણબોર એમ બે જગ્યાએ ટોલનાકાં છે, જ્યારે હવે તેની જગ્યાએ ચાર નવા સ્થળોએ ટોલનાકા બનાવવામાં આવશે. નવા ચાર ટોલનાકાં પૈકી ત્રણનું કામ તો પૂર્ણતાનાં આરે આવીને ઉભુ છે. આવતા વર્ષેથી મુસાફરોએ અહી ટોલ ટેક્સ ભરવો પડશે.
હાલ અમદાવાદથી રાજકોટ નેશનલ હાઇવે પર બાવળાથી ૧૨ કિમીના અંતરે ભાયલા પાસે એક ટોલનાકું ઉભુ કરવામાં આવ્યું છે. જ્યારે બીજું ટોલનાકું બગોદરા અને લીંબડી વચ્ચે ટોકરાળા ગામ નજીક, ત્રીજું ટોલનાકું સાયલા-ચોટીલા વચ્ચે ઢેઢુંકી ગામ પાસે તેમજ ચોથું ટોલનાકું રાજકોટ ચોટીલા વચ્ચે માલિયાસણ ગામ પાસે બનાવવામાં આવ્યું છે. જો કે આ નવા ચાર ટોલનાકા પૈકી માલિયાસણમાં જ કામગીરી બાકી છે, જ્યારે અન્ય ચારની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે.આ અંગેની દરખાસ્ત માર્ગ અને મકાન વિભાગ દ્વારા રાજ્યના નાણાપંચને પણ મોકલી દેવામાં આવી છે. રાજકોટ-અમદાવાદ નેશનલ હાઇવેનું કામ પણ હવે પૂર્ણ થવાના આર છે. રોડ બનાવનાર એજન્સી પાસે પણ ડિસેમ્બર-૨૦૨૪ની આખરી મુદત છે, આ વિકાસકાર્યો માટે સરકારે ૩૩૫૦ કરોડનો ખર્ચ કર્યો છે
(11:03 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
