<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 24th November 2024

સુરતના બેગમપુરાનાં આધેડે વ્યાજખોરોનાં ત્રાસથી ઝેર ગટગટાવ્યું :પીડિતની હાલત ગંભીર:ICU માં સારવાર હેઠળ

ઘટનાનાં 10 દિવસ બાદ પોલીસે FIR નોંધીને કાર્યવાહી હાથ ધરી

સુરતમાં વ્યાજખોરોનાં ત્રાસથી એક આધેડે ઝેરી દવા પી જીવન ટુંકાવવાનો પ્રયાસ કર્યો હોવાની ઘટના બની હતી. ઘટનાનાં 10 દિવસ બાદ પોલીસે FIR નોંધીને કાર્યવાહી હાથ ધરી છે. આરોપ છે કે, વ્યાજખોરોની પઠાણી ઉઘરાણી અને સતત આપી રહેલા માનસિક ત્રાસથી કંટાળીને આખરે આધેડે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. હાલ, પીડિતની હાલત ગંભીર છે અને ICU માં સારવાર હેઠળ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતનાં (Surat) બેગમપુરાના ગુલામ શેખે રૂપિયાની જરૂર હોવાથી મિત્ર શાબીર ગુલામ મુસ્તુફા શેખ પાસેથી માસિક 30 ટકા વ્યાજે રૂપિયા લીધા હતા. શાબીર દર મહિને ગુલામ શેખ પાસેથી રૂ. 30 હજાર વ્યાજ લેતો હતો. જો કે, વ્યાજે લીધેલા રૂપિયાનું વ્યાજ ચૂકવવા માટે પણ ગુલામ શેખ પાસે રૂપિયા ન હોવાથી તેમણે બીજા મિત્ર ઇબ્રાહિમ પાસેથી રૂપિયા લીધા હતા. ત્યાર બાદ બંને વ્યાજખોર મિત્ર રૂપિયા બાબતે ગુલામ શેખ સાથે ઝઘડો કરી ગાળાગાળી કરતા હતા.

બંને વ્યાજખોર મિત્ર ગુમાલ શેખને રૂપિયા બાબતે જાહેરમાં ગાળાગાળી કરી ધાક-ધમકી આપી સતત અપમાનિત કરતા હતા. આથી, તેમનાં ત્રાસથી કંટાળીને ગુમાલ શેખે ઝેરી દવા પી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. આ મામલે ગુમાલ શેખની પત્નીએ ફરિયાદ કરતા મહિધરપુરા પોલીસે ઘટનાનાં 10 દિવસ બાદ વ્યાજખોરો સામે FIR નોંધી છે અને કાર્યવાહી હાથ ધરી છે. બીજી તરફ ગુલામ શેખની હાલત હાલ પણ ગંભીર અને તેઓ ICU માં સારવાર હેઠળ છે.

(11:19 PM IST)