<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 26th November 2024

કાલથી ચાર દિવસ ઉપસાગરમાં ડીપ ડિપ્રેશન બનવાની શક્યતા:ગુજરાતના કેટલાક ભાગોમાં ઠંડીમાં થશે વધારો

હવામાન વિભાગ કહે છે આગામી પાંચ દિવસ તાપમાન સમતલ રહેશે: જાણો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ મુજબ આગામી દિવસોમાં રાજ્યમાં હવામાન કેવું રહેશે?

અમદાવાદ :રાજ્યમાં બેવડી ઋતુ જોવા મળી રહી છે. નવેમ્બર મહિનો પૂરો થવાની કગાર પર છે, તેમ છતા તાપમાનમાં વધઘટ જોવા મળી રહી છે. વહેલી સવારે અને રાત્રિ દરમિયાન ઠંડીનો ચમકારો જોવા મળે છે, તો બપોર દરમિયાન ગરમી અહેસાસ થઈ રહ્યો છે. હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું કે, આગામી પાંચ દિવસ તાપમાન સમતલ રહેશે. તેમજ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી દિવસોમાં રાજ્યમાં હવામાન કેવું રહેશે તે અંગે જણાવ્યું છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યું કે, આ વખતે શિયાળામાં એશિયાના ભાગોમાં ભારે ઠંડી પડવાની શક્યતા છે, તેથી એશિયા ખંડના ઠંડા પવનો ભારત પર અસર કરશે જેના કારણે ઠંડીમાં વધારો જોવા મળશે. વેસ્ટન ડિસ્ટર્બન્સની સીધી અસર પ્રાચીન વર્ષા વિજ્ઞાન પ્રમાણે જોતા મજબૂત વેસ્ટન ડિસ્ટર્બન્સ આવે તો શિયાળામાં ઠંડી સારી પડે અને પોષ મહિનામાં હિમ પડે છે. ઘણી વખતે બંગાળના ઉપસાગરના ભેજમાંથી પણ વાદળો બંધાતા હોય છે. સામાન્ય રીતે બંગાળના ઉપસાગરમાં વાવાઝોડા થતા હોય છે.

અંબાલાલ પટેલે વધુમાં કહ્યું છે કે, તારીખ 27 થી 30 નવેમ્બરના ઉપસાગરમાં ડીપ ડિપ્રેશન બનવાની શક્યતા જોવા મળી રહી છે અને જેના કારણે કદાચ વાવાઝોડું પણ બની શકે. તે ભેજના કારણે મધ્ય પ્રદેશ સુધી વાદળો આવી શકે છે. ડિસેમ્બર મહિનામાં વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના પણ છે.

તારીખ 28 થી 29 નવેમ્બર અને ડિસેમ્બરની શરૂઆતમાં લઘુતમ તાપમાન વધવાની શક્યતા રહેશે. મધ્ય ગુજરાતમાં 17 ડિગ્રી તાપમાન રહેશે. ઉતર ગુજરાતમાં 15 ડિગ્રી જેટલું તાપમાન રહેતા ઠંડીમાં ચમકારો જોવા મળશે. કચ્છના ભાગોમાં લઘુતમ તાપમાન 18 ડિગ્રી ઉપર અને મહત્તમ તાપમાન 31 ડિગ્રી રહેવાની શક્યતા છે. પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં લઘુતમ તાપમાન 20 અને મહત્તમ તાપમાન 30 ડિગ્રી રહેવાની શક્યતા છે. રાજ્યના ઘણા ભાગોમાં 28 નવેમ્બરથી ડિસેમ્બરની શરૂઆત સુધીમાં વાદળોના કારણે ઠંડી ઓછી અનુભવાશે.

વેસ્ટન ડિસ્ટર્બન્સ નબળા હોવાના કારણે અને ઉનાળામાં ગરમી પડે તો હિમાલયમાંથી નીકળતી નદી પર અસર પડી શકે છે. આ વખતે ગ્લોબલ વોર્મિગના થવાના બદલે કોલ્ડ કન્ડીશન થવાની શક્યતા છે. ગુજરાતના ભાગોમાં ડિસેમ્બરની શરુઆતમાં ઠંડા પવન ફુંકાય પરંતુ ગાત્રો થીજવતી ઠંડી 22 ડિસેમ્બર બાદ આવી શકે છે. 27 ડિસેમ્બર બાદ ગુજરાતના ભાગોમાં 8 ડિગ્રી થઈ જવાની શક્યતા છે. અત્યારે ભલે નબળા વેસ્ટન ડિસ્ટર્બન્સ આવતા હોય. પરંતુ ડિસેમ્બરના મધ્ય પછી સારા વેસ્ટન ડિસ્ટર્બન્સ આવતા હિમાલયમાં ભાગ માં બરફ વર્ષા થશે.

(11:35 AM IST)