<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 26th November 2024

ગુજરાતમાં ધીમી ગતિએ શિયાળાની એન્ટ્રી:આજથી તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થઈ શકે :હવામાન વિભાગની આગાહી

ઉત્તર ભારતમાં થઈ રહેલી હિમવર્ષાની અસર ગુજરાતમાં પણ જોવા મળશે: ઉત્તર ભારતમાં હિમવર્ષા બાદ હવે ગુજરાત જેવા મેદાની પ્રદેશોમાં પણ ઠંડા પવનો ફૂંકાશે.

અમદાવાદ :ગુજરાતમાં ધીમી ગતિએ શિયાળાની એન્ટ્રી થઈ છે. જેમ જેમ દિવસો પસાર થઈ રહ્યા છે તેમ તેમ રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે.પાટનગર ગાંધીનગર સહિત અનેક જિલ્લાઓમાં 13 ડિગ્રીની આસપાસ નજીક નોંધાયું છે. ત્યારે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, આજથી તાપમાનમાં વધુ ઘટાડો નોંધાઈ શકે છે. રાજ્યના તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે.

હવામાન વિભાગે સંભાવના વ્યક્ત કરી છે કે, ઉત્તર ભારતમાં થઈ રહેલી હિમવર્ષાની અસર ગુજરાતમાં પણ જોવા મળશે. ઉત્તર ભારતમાં હિમવર્ષા બાદ હવે ગુજરાત જેવા મેદાની પ્રદેશોમાં પણ ઠંડા પવનો ફૂંકાશે. જેના કારણે આગામી દિવસોમાં રાજ્યમાં ભારે ઠંડી પડશે. મંગળવારના રોજ ગાંધીનગર 16 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર બની ગયું છે.

હાલ ગુજરાતમાં ઘટી રહેલા તાપમાનને કારણે સવારે અને મોડી સાંજે ઠંડકનો અનુભવ થઈ રહ્યો છે. ગુલાબી ઠંડી વચ્ચે ગુજરાતના લોકો કડકડતી ઠંડીની રાહ જોઈ રહ્યા છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 7 દિવસ સુધી ગુજરાતનું હવામાન આવું જ રહેશે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, નલિયામાં 13.4 ડિગ્રી, ગાંધીનગરમાં 16.0 ડિગ્રી, વડોદરામાં 15.2 ડિગ્રી, ડીસામાં 15.4 ડિગ્રી, અમદાવાદમાં 17.8 ડિગ્રી, ભુજમાં 16.7 અને દમણમાં 16.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.

(11:36 AM IST)