News of Tuesday, 26th November 2024
હોકી રમતા- રમતા પોલીસ જવાને ૨૧ કિલોમીટરની દોડ પુરી કરી
અમદાવાદમાં યોજાયેલી મેરેથોનમાં હોકીની રમતને પ્રોત્સાહન મળી રહે તે હેતુથી નવતર પ્રયોગ

રાજકોટ તા. રપ : અમદાવાદ ખાતે યોજાયેલી મેરેથોનમાં રાજકોટ પોલીસના જવાને ભાગ લઇને હોકી રમતા રમતા ર૧ કિ.મી.ની દોડ પુરી કરી હતી. અમદાવાદમાં રવિવારે ૪ર કિ.મી.ની મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દોડમાં રાજકોટ પોલીસની હોકી ટીમમાં સામેલ અને ડીજીપી કપ સહિતની ટ્રોફી જીતવામાં મહત્વનો ભાગ ભજવનાર તાલુકા પોલીસમાં ફરજ બજાવતા હેડ કોન્સ. ભગીરથસિંહ ખેર અને ટ્રાફિક શાખાના મહેશભાઇ સેંગલીયાએ પણ ભાગ લીધો હતો. બંને પોલીસ જવાન હોકીના ખેલાડી હોઇ ત્યારે હોકીની પણ લોકો રસ દાખવે અને ખેલાડીઓને પણ માન સન્માન મળી રહે તેવા હેતુથી ભગીરથસિંહ ખેર દ્વારા ર૧ કિ.મી.ની દોડ હોકી રમત -રમતા ફકત ર.૧પ કલાકમાં પુરી કરી હતી જયારે મહેશભાઇ સેંગલીયાએ ૩.૩૯ કલાકમાં ૪ર કિ.મી.ની ફુલ મેરેથોન દોડ પુરી કરી રાજકોટનું ગૌરવ વધાર્યુ હતું. આ બંને પોલીસ જવાનોએ અમદાવાદ, પોરબંદર અને જામનગરમાં યોજાયેલી હાફ મેરેથોન દોડ પણ ટુંક સમયમાં પુરી કરી હતી અને આગામી ર૮ મી ડિસેમ્બરના રોજ રાજકોટમાં આયોજીત નાઇટ મેરેથોનમાં ભાગ લેશે. તેમ જણાવાયું છે.
(4:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
