<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 26th November 2024

ખ્યાતીકાંડ :PMJAY સ્કેમથી 11 કરોડ રૂપિયાનું ટર્ન ઓવર કરાયું : આરોપીઓની ધરપકડ બાદ ચોંકાવનારા ખુલાસા

ચિરાગ રાજપૂતની નીચે એક ટીમ કામ કરતી: ચિરાગનો મહિને સાત લાખ રૂપિયા પગાર: મિલિન્દ પટેલ અગાઉ સાલ હોસ્પિટલમાં કામ કરતો: રાહુલ જૈન હોસ્પિટલમાં ઓડિટ કામ સંભાળતો :તમામ ચાઈનીઝ એપથી એકબીજાના સંપર્કમાં હતા:કાલે તમામ આરોપીઓને રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરાશે.

અમદાવાદમાં આવેલી ખ્યાતિ હોસ્પિટલ હાલ ચર્ચામાં છે. હોસ્પિટલના તબીબોએ PMJAY હેઠળ દર્દીઓની બિનજરૂરી સર્જરી કરી હતી. જેના કારણે બે દર્દીઓના મોત નિપજ્યા હતાં. ડૉક્ટરો, સંચાલકો અને સ્ટાફ દ્વારા કરોડો રૂપિયાનું કૌભાંડ કર્યાનું સામે આવ્યું હતું. ત્યારે હવે આ મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. 

ખ્યાતિ હોસ્પિટલના CEO સહિત પાંચ ફરાર આરોપીઓની અલગ-અલગ જગ્યાએથી ધરપકડ કરવામાં આવી છે. આ આરોપીઓ મધ્ય ગુજરાતના ફાર્મ હાઉસમાં છૂપાયા હોવાની માહિતી સૂત્રો પાસેથી મળી હતી. જેમાં ચિરાગ રાજપૂતની ખેડાથી તેમજ અન્ય બે વ્યક્તિને ઉદયપુરથી ઝડપી પાડ્યા હતા. ત્યારે હવે આ મામલે JCPએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી.

  JCPએ જણાવ્યું હતું કે, ચિરાગ રાજપૂત, મિલિન્દ પટેલ, રાહુલ જૈન, પ્રતિક ભટ્ટ અને પિંકલ પટેલની ધરપકડ કરવામાં આવી છે. ચિરાગ રાજપૂતનો ગુનાહિત ઈતિહાસ છે. ચિરાગ રાજપૂતની નીચે એક ટીમ કામ કરતી હતી. ચિરાગનો મહિને સાત લાખ રૂપિયા પગાર હતો. જ્યારે મિલિન્દ પટેલ અગાઉ સાલ હોસ્પિટલમાં કામ કરતો હતો. તેની સામે અગાઉ બે ગુના નોંધાયેલા છે. રાહુલ જૈન હોસ્પિટલમાં ઓડિટ કામ કરતો હતો. આ તમામ ચાઈનીઝ એપથી એકબીજાના સંપર્કમાં હતા. આવતીકાલે તમામ આરોપીઓને રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરાશે.

  JCPએ વધુમાં જણાવ્યું હતું કે, હોસ્પિટલ દ્વારા અલગ-અલગ ગામમાં કેમ્પ કરી લોકોને સારવાર માટે હોસ્પિટલ બોલાવતા હતાં. ત્યાં PMJAY યોજના હેઠળ સારવાર કરી સરકાર પાસે પૈસા ક્લેમ કરવામાં આવતા હતાં. ગત વર્ષે PMJAYમાંથી 11 કરોડ રૂપિયાનું ટર્ન ઓવર કરાયું હતું. જોકે, તપાસ દરમિયાન કોણે કેટલું કમિશન લીધું તે વિશે તપાસ કરવામાં આવી રહી છે. 

(8:42 PM IST)