News of Tuesday, 26th November 2024
ખ્યાતિ કાંડના આરોપીઓ ચાઈનીઝ અને રશિયન એપથી સંપર્કમાં હતા : સાયબર એક્સપર્ટની મદદથી પગેરું શોધ્યું
નાસતા-ફરતા આરોપીઓની ધરપકડ માટે ક્રાઈમ બ્રાન્ચની ટીમે 8 ટીમો બનાવી હતી: આખરે સાયબર એક્સપર્ટની મદદથી આરોપીઓ સુધી પહોંચવામાં સફળતા મળી

અમદાવાદ :ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં નોંધાયેલા 3 ગુનાની તપાસ કરી રહેલી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમને મોટી સફળતા હાથ લાગી છે. આ ગુનામાં પોલીસ પકડથી બચવા માટે નાસતા-ફરતા આરોપીઓની ધરપકડ માટે ક્રાઈમ બ્રાન્ચની ટીમે 8 ટીમો બનાવી હતી. જેઓ ચાઈનીઝ અને રશિયન એપથી એકબીજાના સંપર્કમાં હતા. આખરે સાયબર એક્સપર્ટની મદદથી આરોપીઓ સુધી પહોંચવામાં સફળતા મળી છે.
આ કેસની તપાસ દરમિયાન ખ્યાતિ હોસ્પિટલના CEO રાહુલ જૈન રાજસ્થાનના ઉદયપુર ખાતે હોવાની માહિતી મળી હતી. જેથી રાહુલ જૈનને ઉદયપુરથી ઝડપી લેવામાં આવ્યા હતા.
જ્યારે ટેકનીકલ તથા હ્યુમન સોર્ચથી માહિતી મળી હતી કે, ચિરાગ રાજપૂત અમદાવાદ શહેર ખાતે તેના આ કેસ અંગેની કાયદાકીય સલાહ સૂચન લેવા આવી રહ્યો છે. આ માહિતી આધારે ક્રાઇમ બ્રાન્ચની અલગ-અલગ ટીમ તે દિશામાં કામે લાગેલ. આ દરમ્યાન ચિરાગ રાજપૂત તેની સાથે હોસ્પિટલમાં માર્કેટિંગ વિભાગમાં કામ કરતા તેના સાથી સાથે અમદાવાદ શહેરની નજીકના વિસ્તારમાં રોકાયેલાની માહિતી આધારે ચિરાગ રાજપૂતના ભૂતકાળની વિગતો મેળવતા જાણવા મળી હતી.
તેનો વર્ષો જૂનો મિત્ર પ્રતિક કાંતીભાઇ પટેલ (રહે:- ઉકેરડીના મુવાડા તા:- કપડવંજ જી:- ખેડા) જે પ્રતિક તથા ચિરાગ બન્ને ઘોડાસર પુનીતનગર ખાતે સાથે રહેતા હતા. ચિરાગ રાજપૂત તથા ખ્યાતિ હૉસ્પિટલના માર્કેટિંગ વિભાગમાં કામ કરતા કર્મચારીઓ હાલ પ્રતિક કાંતીભાઇ પટેલના ફાર્મહાઉસ ખાતે રોકાયેલા છે. આ ફાર્મ હાઉસ કપડવંજ તાલુકાના ઉકેરડીના મુવાડા ખાતે દહેગામ-કપડવંજ રોડ પર આવેલ છે. આ માહિતી આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા ચિરાગ રાજપૂત, મિલીન્દ પટેલ, પંકિલ પટેલ, પ્રતિક ભટ્ટ આ સ્થળેથી મળી આવ્યા હતા.
આ કેસમાં ધરપકડ કરવામાં આવેલા આરોપીઓ (1) ચિરાગ સ/ઓ હિરાસિહ બગીસિહ જાતે-રાજપૂત ઉ.વ-47 વ્યવસાય:- વેપાર રહે, મ.નં બી/31, રીવેરા બ્લ્યુ, વોડાફોન હાઉસની સામે, મકરબા, સરખેજ અમદાવાદ શહેર.
(2) મિલીન્દ સ/ઓ કનુભાઇ અમરતલાલ પટેલ ઉ.વ-52 વ્યવસાય:-નોકરી રહે, મ.નં ડી/403, શુકન હોમ્સ, અયોધ્યાનગર સામે, માણકી સર્કલની બાજુમાં, ન્યુ રાણીપ અમદાવાદ શહેર મુળવતન: 1819, વર્ધમાનનગર સોસા, બાલજી પાર્ક પસે, ચાણસ્મા હાઇવે રોડ, પાટણ
(3) રાહુલ સ/ઓ રાજેન્દ્રકુમાર શાંતીલાલ જૈન ઉવ.37 ધંધો:- નોકરી રહે:- ઇ/૯02, શીલાલેખ એપાર્ટમેન્ટ, પોલીસ સ્ટેડીયમ સામે, શાહીબાગ, અમદાવાદ શહેર મુળવતન:- 11, નાકોડા કોમ્પ્લેક્ષ, હિરણમગરી, સેકટર-4, ઉદેપુર, રાજસ્થાન
(4) પ્રતિક સ/ઓ યોગેશભાઇ હિરલાલ ભટ્ટ ઉવ.37 રહે:- મ.નં 108, મકેરીવાડ, છબીલા હનુમાન મંદિર પાસે, રાયપુર, ખાડીયા, અમદાવાદ શહેર. મૂળવતન: ગામ.સોનારડા ત:- દહેગામ જી:- ગાંધીનગર
(5) પંકિલ સ/ઓ હસમુખભાઇ મોહનભાઇ પટેલ ઉ.વ.47 રહેવાસી ઇ/102 ધનંજય એન્કલેવ, ન્યુ સાઈન સીટી રોડ, ગોતા અમદાવાદ શહેર મુળ વતન ગામ ગોજારીયા, તા.વિજાપુર,જિલ્લો મહેસાણા
પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું કે, આરોપી ચિરાગ રાજપૂત શરૂઆતમાં મેડીકલ રીપ્રેઝન્ટેટિવ તરીકે અલગ-અલગ ફાર્માસ્યુટિકલ કંપનીઓમાં કામ કરતો હતો. તેમજ અલગ-અલગ હૉસ્પિટલમાં એડમીન/માર્કેટિંગ / ડિરેકટર / બ્રાન્ડિંગ જેવા હોદ્દા પર કામ કરતો હતો. હાલ તે ખ્યાતિ હૉસ્પિટલમાં ડાયરેકટર તથા બ્રાન્ડિંગ માર્કેટિંગની જવાબદારી સંભાળે છે. જેનો માસિક પગાર રૂપિયા 7,00,000/- (સાત લાખ) નો છે. આ ગુન્હામાં દર્દીઓને સ્ટેન્ટની જરૂર ન હોય તો પણ તે આગ્રહપૂર્વક સ્ટેન્ટ મૂકાવતો. તેમજ ડોકટરને પણ તેની સૂચનાનુ પાલન કરવુ પડતુ હતુ. હૉસ્પિટલની કેથલેબ ખાતે સ્ટેન્ટ મુકવાની પ્રોસીજર સમયે તે હાજર રહેતો. ચિરાગ રાજપૂત સહઆરોપી રાહુલ જૈનની સાથે તેને ગાડીમાં ઉદયપુર રાજસ્થાન ગયેલ ત્યારબાદ રાજસમંદ રોકાયેલો જ્યાં પંકિલ પટેલ તથા પ્રતિક ભટ્ટ તથા મિલીન્દ પટેલ સાથે જોડાઈ ગયો હતો. આ તમામ આરોપીઓ એક દિવસ અગાઉ પ્રતિક પટેલના ઉકેરડીના મુવાડા ખાતે આવેલ ફાર્મ પર રોકાયેલ હતા.
આરોપી મિલીન્દ પટેલ સૌપ્રથમ એમ.આર. તરીકે વી.એચ.ભગત કંપનીમાં પાટણ ખાતે નોકરી કરી હતી. જે બાદ કોરોના રેમેડીસ કંપનીમાં એમ.આર. તરીકે તેમજ સને 2010 થી નિધી હૉસ્પિટલ, નવરંગપુરા ખાતે માર્કેટિંગ એકસીકયુટીવ તરીકે જોડાયો હતો. 2017માં સાલ હૉસ્પિટલ વસ્ત્રાપુર ખાતે જોડાયો, જયાં ચિરાગ રાજપૂત સાથે મુલાકાત થયેલ તેની સાથે માર્કેટિંગ એકઝી. તરીકે 2020 સુધી નોકરી કરી હતી. 2020માં ચિરાગ રાજપૂતના કહેવાથી એશિયન બેરીયાટ્રીકસ હૉસ્પિટલમાં નોકરી પર લાગ્યો હતો. જ્યાં માર્કેટિંગ એકસીકયુટીવ તરીકે 2020 સુધી રહ્યો હતો.
આ સમય દરમ્યાન તેને શેર બજારમાં નુકશાન થતા ઘર/પરીવારથી અલગ થયેલ તેના વિરૂધ્ધ નેગો. એકટ કલમ 138 મુજબના કેસ થયેલ. જેમાં એકાદ વર્ષ સુધી જેલમાં રહેલ. જેલમાંથી પરત આવ્યા બાદ ખ્યાતિ હૉસ્પિટલમાં માર્કેટિંગ એકઝીકયુટીવ તરીકે જોડાયેલ ત્યારથી આજદિન સુધી માસિક રૂ. 40,000/- ના પગારથી નોકરી કરે છે.
ખ્યાતિ હૉસ્પિટલમાં માર્કેટિંગ એકઝી. તરીકે તેણે અમદાવાદ શહેર તથા આજુબાજુ વિસ્તારના જી.પી. ડોકટરને મળી તેમની પાસે આવતા દર્દીઓને ખ્યાતિ હૉસ્પિટલ ખાતે રીફર કરવા સહમત કરવાની કામગીરી કરવી. આ ઉપરાંત અલગ અલગ ગામોમાં કેમ્પ કરી હોસ્પિટલ માટે દર્દીઓ લાવવાની કામગીરી કરે છે.
આરોપી રાહુલ જૈન હૉસ્પિટલમાં સી.ઇ.ઓ. તરીકે કામ કરે છે. હૉસ્પિટલના તમામ નાણાકીય વ્યવહાર તથા ખરીદી કરવી તથા તમામ નાણાકીય વ્યવહારો રાહુલ જૈન કરતો હતો. હૉસ્પિટલમાં તમામ ઓડીટો સાથે રહી કરાવતો હતો. ઓડીટમાં કોઇ ભૂલ હોય તો ડાયરેકટરો સાથે મળી સોલ્યુશન લાવતા હતા (4) તથા (૫) પંકિલ પટેલ તથા પ્રતિક ભટ્ટ બન્ને ચિરાગ રાજપૂત તથા મિલીન્દ પટેલની સુચનાઓ મુજબ કેમ્પ કરવા, દર્દીઓ લાવવા, દર્દીઓને સ્ટેન્ટ મુકવા માટે તેઓને સ્ટેન્ટ નહી મુકવાથી થનાર નુકશાનથી ડરાવવા, વિગેરે તમામ કાર્યવાહી કરતા હતા.
(8:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
