તા. ૯ ઓક્ટોબર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા વદ – ૧૪ શુક્રવાર
News of Tuesday, 26th November 2024
વિરમગામ તાલુકાના શિવપુરા ગામે આશાસ્પદ ફળપાકો અને તેના મૂલ્યવર્ધન અંગેનો પરિસંવાદ યોજાયો
જિલ્લામાં વિવિધ આશાસ્પદ ફળપાકોનું વાવેતર અને તેના મૂલ્યવર્ધન , પ્લગ નર્સરી તથા પ્રાકૃતિક ખેતી વિશે ખેડૂતોને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું

(વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ :નાયબ બાગાયત નિયામકની કચેરી, અમદાવાદ દ્વારા જિલ્લાના ખેડૂતો માટે વિરમગામ તાલુકાના શિવપુરા ગામે ' આશાસ્પદ ફળપાકો અને તેનું મૂલ્યવર્ધન' અંગે એક દિવસીય પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું.
પરિસંવાદ અંતર્ગત અમદાવાદના નાયબ બાગાયત નિયામક જે. જે. પરમારે ખેડૂતોને વિસ્તારની ભૌગોલિક પરિસ્થિતિ ને અનુરૂપ નવા ફળપાકૉ જેવા કે અંજીર, સીતાફળ, કમલમ, બોર, શેતુર, ગુંદાનું વાવેતર કરવા સૂચન કરેલ તેમજ બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓનો મહત્તમ લાભ લેવા અનુરોધ કર્યો હતો.
આત્માના પ્રોજેક્ટ ડાયરેક્ટર કે.કે.પટેલે પ્રાકૃતિક ખેતીનાં આયામો બાબતે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. બાગાયત અધિકારી દ્વારા ખેડૂતોને 'Grow More Fruit Crop' કેમ્પેઇન અંતર્ગત તાલુકામાં વધુમાં વધુ ફળઝાડનું વાવેતર થાય તે માટે સમજ આપવામાં આવી હતી. આ પ્રસંગે પ્રગતિશીલ ખેડૂત આનંદભાઈ પટેલ દ્વારા અંજીર પાકની ખેતી અને તેના મૂલ્યવર્ધન વિશે પોતાના અનુભવો તથા મહેન્દ્રભાઈ રાવલ દ્વારા પ્રાકૃતિક ખેતી અંગે પોતાના અનુભવ વર્ણવવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ જિલ્લામાં નવીન બાગાયતી પાકોમાં વાવેતર સારા એવા પ્રમાણમાં વધ્યું છે. આ પ્રસંગે ગામનાં આગેવાનો તેમજ આત્મા, ખેતીવાડી, બાગાયત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
તાલુકાના અંદાજીત ૨૫૦ થી વધુ ખેડૂતોએ બહોળી સંખ્યામાં આ પરિસંવાદનો લાભ મેળવ્યો હતો.
(10:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
