<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 28th November 2024

રાજકોટથી સુરત જતી ખાનગી બસને ગંભીર અકસ્માત :ટ્રક સાથે અથડાતા ત્રણ લોકોના ઘટના સ્થળે જ મોત

તારાપુર-ધર્મજ હાઇવે પર વડલદા પાટિયા પાસે ઓવરટેક કરતી વખતે અકસ્માત :15 મુસાફરોને ઇજા:ઇજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા

આણંદના તારાપુર-ધર્મજ હાઇવે પર અકસ્માતનો બનાવ બન્યો છે. રાજકોટથી સુરત જતી ખાનગી બસ એક ટ્રક સાથે અથડાઈ હતી. જેમાં ત્રણ લોકોના બનાવ સ્થળે મોત નીપજ્યાં છે. જ્યારે ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અક્સમાતના પગલે ટ્રાફિક જામ સર્જાયો હતો. સ્થાનિક પોલીસ બનાવ સ્થળે પહોંચી હતી. મૃતદેહોને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની પ્રાપ્ત પ્રાથમિક વિગત અનુસાર, આજે વહેલી સવારે રાજકોટથી સુરત તરફ જતી એક ખાનગી બસ ટ્રક સાથે અથડાઇ હતી. તારાપુર-ધર્મજ હાઇવે પર વડલદા પાટિયા પાસે ઓવરટેક કરતી વખતે અકસ્માતનો આ બનાવ બન્યો હતો. ટ્રક અને બસનો અકસ્માત થતાં લોકોની ચીસો સાંભળી આસપાસના લોકો દોડી આવ્યા હતા. બનાવ અંગે સ્થાનિક પોલીસ અને 108ની ટીમને જાણ કરવામાં આવી હતી.

બનાવની જાણ થતાં પોલીસ અને 108ની ટીમ બનાવ સ્થળે પહોંચી હતી. અકસ્માતમાં ત્રણ મુસાફરોને ગંભીર ઇજાઓ પહોંચતા બનાવ સ્થળે તેમનું મોત નીપજ્યું હતું. જ્યારે 15 જેટલ મુસાફરોને ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પોલીસે મૃતદેહોને પીએમ અર્થે પેટલાદ હોસ્પિટલ ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી. અકસ્માતના પગલે ટ્રાફિક જામ સર્જાયો હતો. પોલીસે ટ્રાફિક પૂર્વવત કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.

મૃતકોના નામ

  • ધૃવ રૂડાણી (ઉ.32)
  • મનસુખભાઇ કોરાટ (ઉ.67)
  • કલ્પેશ જીયાણી (ઉ.39)

(11:33 AM IST)